PM મોદીના કાર્યક્રમને પગલે વસ્ત્રાપુર આસપાસ અનેક રસ્તા બંધ રહેશે : 12,000થી વધુ પોલીસ ખડેપગે
PM Modi visits Ahmedabad : આગામી સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીએમડીસી ખાતે કાર્યક્રમના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા વસ્ત્રાપુરમાં આવેલા મુખ્ય રસ્તાઓ બંધ કરાયા છે. જેના બદલે વાહનચાલકોને અન્ય રૂટનો ઉપયોગ કરવા માટે સુચના આપવામાં આવી છે. બીજી તરફ 17મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન અને ઇદ-એ-મિલાદના જુલુસના કાર્યક્રમના પગલે કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 12 હજાર પોલીસ કર્મચારીઓને શહેરના વિવિધ વિસ્તારોમાં જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે પ્રધાનમંત્રીના કાર્યક્રમ દરમિયાન બે હજારથી વધુ પોલીસ સ્ટાફ તૈનાત રહેશે.
દુરદર્શનથી હેલ્મેટ સર્કલ અને હેલ્મેટ સર્કલથી અંધજન મંડળ સુધીના રસ્તા ઉપરાંતના રસ્તા બંધ કરાતા વાહનચાલકોને અન્ય રૂટનો ઉપયોગ કરવા સુચના
આગામી 16મી સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમને પગલે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની સાથે સોમવારે સવારે 10 વાગ્યાથી વસ્ત્રાપુર અને આસપાસના કેટલાંક રસ્તા બંધ કરીને વાહનચાલકો માટે અન્ય વૈકલ્પિક રૂટ જાહેર કર્યા છે. જેમાં એનએએફડી ચાર રસ્તાથી દુરદર્શન ક્રોસ રોડ અને ત્યાંથી હેલ્મેટ ચાર રસ્તા સુધીનો રસ્તો બંધ રહેશે. આ ઉપરાંત, હેલ્મેટ ચાર રસ્તાથી અંધજન મંડળથી જમણી બાજુ સંજીવની હોસ્પિટલથી એનએએફડી સર્કલ સુધીનો રસ્તો પણ તમામ વાહનોના અવરજવર માટે બંધ રહેશે. જ્યારે વાહનચાલકોને અન્ય વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા માટે તાકીદ કરવામાં આવી છે.
આ ઉપરાંત,આગામી 17મી સપ્ટેમ્બરના રોજ શહેરમાં ગણેશ વિસર્જન અને ઇદ-એ-મિલાદનું જુલુસ પણ આયોજીત હોવાથી શહેરમાં 12 હજારનો પોલીસ સ્ટાફ તૈનાત રહેશે. આ ઉપરાંત, ડ્રોનથી સર્વલન્સ, શહેરમાં સીસીટીવીથી નજર રાખવા માટે પોલીસ કંમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી સ્ટાફને કામગીરી સોંપવામાં આવી છે.