ઉંમર નક્કી કરવા જન્મ દાખલા કરતાં મેટ્રિક્યુલેશન સર્ટિ. પુરાવા તરીકે વધુ મૂલ્યવાન: સેશન્સ કોર્ટ
Sessions Court Ahmedabad: અમદાવાદની ભદ્ર સેશન્સ કોર્ટે જન્મ અંગેના પુરાવાને લઈ ઉપસ્થિત થયેલા કાયદાકીય મુદ્દો નિર્ણિત કરતા ચુકાદો આપ્યો હતો. જેમાં કોર્ટે કહ્યું હતું કે, 'જન્મના પુરાવા અને પોક્સોના કેસમાં પીડિતાની ઉંમર નક્કી કરવામાં જન્મના દાખલા કરતાં મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટનો પુરાવો વધુ મજબૂત અથવા તો મૂલ્યવાન ગણાય છે.'
જાણો શું છે સમગ્ર મામલો
એડિશનલ સેશન્સ જજ અસ્મિકાબેન બી. ભટ્ટે સ્પષ્ટ કર્યું હતું કે, જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન) એકટની કલમ-94 મુજબ, વ્યક્તિની ઉંમર નક્કી કરવા માટે સ્કૂલમાંથી અપાયેલો જન્મનો દાખલો અને જે પરીક્ષા બોર્ડમાંથી મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ મેળવાયું હોય તે સર્ટિફિકેટ ધ્યાને લેવાનો રહે છે.'
ભદ્ર સેશન્સ કોર્ટે જણાવ્યું કે, 'પીડિતાના પિતા તરફથી રજૂ કરાયેલા પુરાવા કરતાં અરજદાર તરફથી રજૂ થયેલા પુરાવા વધુ મજબૂત છે. કાયદાકીય જોગવાઈ અને સુપ્રીમ કોર્ટના સંબંધિત ચુકાદાને ધ્યાનમાં લેતા અરજદારના આગોતરા જામીન મંજૂર કરવામાં આવે છે. કારણ કે, અરજદાર તરફથી રજૂ કરાયેલા પુરાવાઓ અને દસ્તાવેજોની પણ ખુદ તપાસનીશ અધિકારીએ ખરાઈ કરી છે, તેમાં પણ તે અધિકૃત જણાયા છે.'
'મારી પુત્રી સગીર છે', પીડિતાના પિતાનો દાવો
સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી જવાના પોક્સોના એક કેસમાં આરોપીની આગોતરા જામીન અરજીની સુનાવણી દરમિયાન જન્મના પુરાવાને લઈ કાયદાકીય મુદ્દો પસ્થિત થયો હતો. પીડિતાના પિતા દ્વારા પોતાની પુત્રીનો જન્મનો દાખલો રજૂ કરી દાવો કર્યો હતો કે, 'પુત્રીની જન્મ તારીખ 11-02-2007ની છે અને તે સગીરા છે. તેથી પોક્સોના કેસમાં આરોપીને જામીન ના મળે.'
આરોપી દ્વારા ચોંકાવનારો ઘટસ્ફોટ
આરોપી દ્વારા ચોંકાવનારો ઘટસ્ફોટ કરાયો હતો અને પુરાવારૂપે પીડિતાનું ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડનું મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ, એડમીશન ફોર્મ અને આધાર કાર્ડના પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે,' પીડિતાની સાચી જન્મ તારીખ 11-02-2006 છે. તે સગીર નથી, તે પુખ્ત છે અને તે 18 વર્ષની વધુ વયની છે. તેણે મારી સાથે રાજીખુશીથી અને મરજીથી કાયદેસર લગ્ન પણ કર્યા છે.' જેથી કોર્ટ સમક્ષ જન્મનો કયો પુરાવો વધુ મૂલ્યવાન અને મહત્ત્વનો ગણવો તે કાયદાકીય મુદ્દો ઉપસ્થિત થયો હતો.
'અરજદાર સામે કોઈ ગુનો બનતો જ નથી'
કેસની સુનાવણી દરમિયાન આરોપી તરફથી એડવોકેટ અનિલ સી.કેલ્લાએ કોર્ટનું ધ્યાન દોરતાં જણાવ્યું કે, 'પ્રસ્તુત કેસમાં પીડિતાના પિતાએ અરજદાર સામે બિલકુલ ખોટી રીતે પોક્સોના કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં અરજદાર સામે કોઈ ગુનો બનતો જ નથી કારણ અરજદાર ફરિયાદીની એકબીજાને પ્રેમ કરતા હતા અને બંનેએ સ્વેચ્છાએ રાજીખુશીથી અને કુદરતી પ્રેમ-લાગણીના કારણે તારીખ 12-08-2024ના રોજ કાયદેસર લગ્ન કર્યા છે. જે અંગેનું મેરેજ રજિસ્ટ્રાર, એએમસીનું પ્રમાણપત્ર પણ કોર્ટના રેકોર્ડ પર રજૂ કરાયું હતું.'
આ પણ વાંચો: પાકિસ્તાનના પંજાબમાં અહમદીયા પંથની 3 મસ્જિદોમાં પોલીસે જ તોડફોડ કરી
એડવોકેટ અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, 'અરજદાર પોતે પીડિતાનો કાયદેસર પતિ છે. એટલું જ નહીં, ખુદ પીડિતાએ પણ પોલીસમાં અરજી આપી આ વાતની પુષ્ટ કરી છે અને અરજદારની તરફેણ કરી છે. ત્યારે પ્રસ્તુત કેસમાં પોક્સો કોઈ ગુનો બનતો જ નથી અને તેથી કોર્ટના રેકર્ડ પર રજૂ થયેલા પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, પીડિતા સગીરા નથી, તે પુખ્ત છે.'
કોર્ટે અરજદારના આગોતરા જામીન મંજૂર કર્યા
ફરિયાદી પિતાએ જન્મનો દાખલો રજૂ કરી પોતાની પુત્રી સગીરા માની અરજદારની આગોતરા જામીન અરજીનો વિરોધ કર્યો હતો. જો કે, સેશન્સ કોર્ટે રેકર્ડ પરના તમામ પુરાવાઓ, જુવેનાઇલ જસ્ટિસ એક્ટની સંબંધિત જોગવાઈઓ અને સુપ્રીમ કોર્ટના સંબંધિત ચુકાદા ધ્યાને લઇ અરજદારને આગોતરા જામીન આપ્યા હતા.