અમદાવાદ બ્લાસ્ટ કેસઃ જાણો કઈ રીતે પકડાયા હતા આ તમામ આરોપીઓ
- ગુજરાત સરકારે કેસ ઉકેલી આપનારી એજન્સીને 50 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી જેથી તમામ એજન્સીઓ વચ્ચે કેસ સોલ્વ કરવાની હરીફાઈ જામી હતી
અમદાવાદ, તા. 18 ફેબ્રુઆરી, 2022, શુક્રવાર
વર્ષ 2008માં અમદાવાદ ખાતે થયેલા બોમ્બ બ્લાસ્ટ મામલે સ્પેશિયલ કોર્ટે આજે તમામ 49 દોષિતોને સજા સંભળાવી છે. તેમાં 38 દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે જ્યારે 11 દોષિતોને આજીવન કેદની સજા કરવામાં આવી છે. કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર માન્ય રાખ્યો છે.
કોર્ટે દરેક દોષિતને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે અને જો રૂ. 10,000નો દંડ નહીં ભરે તો વધુ 2 માસની સજા ભોગવવી પડશે. આ ઉપરાંત મૃતકોના પરિવારજનોને 1-1 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્ત લોકોને રૂ. 50,000 તેમ જ સામાન્ય ઈજાગ્રસ્ત થયેલા લોકોને રૂ. 25,000નું વળતર આપવામાં આવશે. ત્યારે ગુજરાત પોલીસ માટે ખૂબ જ પડકારજનક એવા સીરિયલ બ્લાસ્ટ કેસની તપાસ કઈ રીતે થઈ અને તેમાં સફળતા કઈ રીતે મળી તે અંગે જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે.
ક્રાઈમ બ્રાન્ચે સૌથી પહેલા 26 જુલાઈ, 2008ના રોજ બ્લાસ્ટ થયા તેના પહેલા ટીવી ચેનલ્સને જે ઈ-મેઈલ મળ્યા હતા તેને ટ્રેક કર્યા હતા. તેમાં મુંબઈના 3 વિભિન્ન વિસ્તારોમાંથી મેઈલ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ ક્રાઈમ બ્રાન્ચના એએસપી વી.આર ટોળિયા અને ઉષા રાડા મુંબઈ જવા રવાના થયા હતા અને આ ત્રણેય જગ્યા શોધી કાઢી હતી. તેમાં પહેલો મેઈલ સાનપાડા, નવી મુંબઈ, બીજો મેઈલ ખાલસા કોલેજ, માટુંગા અને ત્રીજો ચેમ્બુરની એક ખાનગી કંપનીમાંથી ત્રણેયના એકાઉન્ટ હેક કરીને ઈન્ડિયન મુજાહિદ્દીન દ્વારા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
આશિષ ભાટિયાના આદેશ બાદ મહેસાણાના કોન્સ્ટેબલ દિલીપ ઠાકોર અમદાવાદ પહોંચ્યા હતા જ્યાં તેમને મોબાઈલ ટ્રેકિંગ માટે જરૂરી તમામ વ્યવસ્થા કરી આપવા અભય ચુડાસમાને જવાબદારી સોંપાઈ હતી. જ્યારે ટ્રેકિંગ દ્વારા મળેલી લીડ પરથી આગળની કાર્યવાહી હાથ ધરવાની જવાબદારી હિમાંશુ શુક્લને સોંપવામાં આવી હતી. દિલીપ ઠાકોરને લાખો ફોન કોલ્સમાંથી કેટલાક શંકાસ્પદ ફોન નંબર મળી આવ્યા તે કેસના મહત્વના આરોપી સુધી પહોંચવાની કડી સમાન હતા.
આ દરમિયાન ભરૂચના કોન્સ્ટેબલ યાકુબઅલીએ બોમ્બ માટે ઉપયોગમાં લેવાઈ હતી તે બંને કાર અને તેને મુંબઈથી અમદાવાદ પહોંચાડનારા લોકોના નંબર અભય ચુડાસમાને સોંપ્યા હતા.
એક સાથે રાજ્યની ઘણી બધી એજન્સી દ્વારા આ કેસની તપાસ થઈ રહી હોવાથી આરોપીઓ હાથમાંથી છટકી જાય તેવી શક્યતા હતી. આ કારણે તત્કાલીન ગૃહરાજ્ય મંત્રી અમિત શાહ સમક્ષ આ કેસ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ગુજરાત સરકારે કેસ ઉકેલી આપનારી એજન્સીને 50 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી જેથી તમામ એજન્સીઓ વચ્ચે કેસ સોલ્વ કરવાની હરીફાઈ જામી હતી.