અમદાવાદમાં દબાણકર્તા અને કૉર્પોરેશનના અધિકારી વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી, પોલીસે મૂકદર્શક બની તમાશો જોયો
Ahmedabad Police: અમદાવાદમાં અસામાજિક તત્ત્વોને જાણે પોલીસ કે તંત્રનો કોઈ ડર જ રહ્યો નથી તે રીતે વર્તી રહ્યા છે. ઘણી ઘટનાઓમાં તો પોલીસ પણ મૂકપ્રેક્ષક બનીને જોતી રહે છે. એવામાં અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં પણ આવી જ ઘટના બની છે. જ્યાં દબાણ દૂર કરવા ગયેલી એસ્ટેટ વિભાગ અને SRPની ટીમ સાથે દબાણકર્તાઓએ ઝપાઝપી કરી હતી અને પોલીસ ત્યાં ઊભા-ઊભા સમગ્ર તમાશો જોઈ રહી હતી.
શું હતી ઘટના?
અમદાવાદમાં બુધવારે (19 માર્ચ) એસ્ટેટ વિભાગની ટીમ ભદ્રના પાથરણા બજારમાં દબાણ દૂર કરવા માટે પહોંચી હતી. જ્યાં દબાણકર્તાઓએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. ભદ્ર પરિસરમાં ગેરકાયદે દબાણ દૂર કરતાં સમયે ત્રણ દરવાજા જવાના રોડ ઉપર કેટલાંક લારીવાળાઓ ઊભા હતા. પરિસરમાં લારીઓ ન ઊભી રાખવાનું કહેવા છતાં તેઓ વારંવાર ત્યાં આવીને ઊભા રહી જતા હતા. બાદમાં એસ્ટેટ વિભાગ દ્વારા SRP પોલીસની મદદથી લારી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન કેટલાંક સ્થાનિક આગેવાનો અને લારીવાળા બધાં ભેગા થઈ ગયા હતા. બાદમાં કૉર્પોરેશનના અધિકારીઓ સાથે બોલાચાલી થઈ અને દબાણકર્તાઓ ઝપાઝપી કરવા લાગ્યા. આ દરમિયાન દબાણ દૂર કરવા પહોંચેલી ટીમે પોલીસનો સંપર્ક કર્યો પરંતુ, ત્યાંની કારંજ પોલીસ તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહતી આવી. બાદમાં એસ્ટેટ વિભાગે SRPની મદદથી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી હતી. આ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી તો ખરા પરંતુ ફક્ત મૂકદર્શક બનીને આખોય તમાશો જોતી રહી.
આ પણ વાંચોઃ દ્વારકામાં સોસાયટીના પાણીના ટાંકામાંથી મળ્યો સગીરનો મૃતદેહ, ત્રણ દિવસથી હતો ગુમ
પોલીસની બેવડી નીતિ સામે પ્રશ્નો
નવાઈની વાત તો એ હતી કે, દબાણકર્તાઓએ અધિકારીઓ અને સરકારી કર્મચારીઓ સાથે માથાકૂટ કરી તેમ છતાં કારંજ પોલીસે આ અસામાજિક તત્ત્વો સામે ફરિયાદ પણ દાખલ નહતી કરી. એકબાજુ વસ્ત્રાલવાળી ઘટના બાદ પોલીસ સમગ્ર રાજ્યમાંથી અસામાજિક તત્ત્વોને દૂર કરવાના ફણગા ફૂંકે છે. ત્યાં બીજી બાજુ ભદ્ર જેવા વિસ્તારમાં પોલીસ જ જાણે આવા લોકોને છાવરતી હોય તેવા દૃશ્યો સામે આવે છે. એવામાં પોલીસની બેવડી નીતિ ઉપર મોટા પ્રશ્નો ઊભા થાય છે.
નોંધનીય છે કે, લાલ દરવાજા વિસ્તારમાં ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા સુધી પાથરણાં બજાર આવેલું છે. જેમાં કાયદેસર 850 જેટલા પાથરણાવાળાઓને ઊભા રહેવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, આ ભદ્ર પરિસરમાં કેટલાંક અન્ય લોકો ગેરકાયદે રૂપે અમુક સ્થાનિક અસામાજિક તત્ત્વો દ્વારા પૈસા ઉઘરાવી દબાણ કરવામાં આવે છે. આ દબાણને દૂર કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન આ સમગ્ર ઘટના બની હતી.