લૂંટારૂઓ માત્ર ડિસ્પ્લેમાં મુકેલા દાગીના લૂંટતા રૂ.૪.૮૦ કરોડનું સોનું બચી ગયું
સાઉથ બોપલમાં જ્વેલરી લૂંટનો મામલો
અમદાવાદ ગ્રામ્ય પોલીસને સીસીટીવી ફુટેજમાં આરોપીઓના ચહેરા ઓળખાયાઃ લૂંટમાં કોઇ જાણભેદુની શંકાસ્પદ ભૂમિકા હોવાની શક્યતા
અમદાવાદ,શુક્રવાર
શહેરના સાઉથ બોપલમાં મેરીગોલ્ડ સર્કલ પાસે આવેલા શાલીગ્રામ પ્રાઇમ એપાર્ટમેન્ટ સ્થિત કનકપુરા જ્વેલર્સ નામની શોપમાંથી ગુરૂવારે બપોરના સમયે ચાર લાકોએ હથિયાર બતાવીને ૭૩ લાખ રૂપિયાની કિંમતના દાગીનાની લૂંટ કરી હતી. આ કેેસની તપાસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસની સાથે અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમ પણ જોડાઇ છે. જેમાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. બીજી તરફ એવી લૂંટારૂઓ જ્યારે આવ્યા ત્યારે દુકાનમાં રૂપિયા ૪.૮૦ કરોડ રૂપિયાના સોનાના દાગીના પણ હતા. પરંતુ, લૂંટારૂઓએ માત્ર ડિસ્પ્લેમાં રહેલા દાગીનાની લૂંટ કરતા ડ્રોઅરમાં મુકેલા કરોડો રૂપિયાના દાગીના લૂંટાતા બચી ગયા હતા. સાઉથ બોપલમાં આવેલા શાલીગ્રામ પ્રાઇમમાં આવેલા કનકપુરા જ્વેલર્સમાં ગુરૂવારે બપોરના સમયે ચાર લૂંટારૂઓએ હથિયાર સાથે આવીને દુકાનના માલિક ભરત લોઢિયા અને મનોજ મકવાણાને જાનથી મારી નાખવાની ધમકી આપીને હાથ બાંધીની ઓફિસમાં પુરી દીધા બાદ કુલ રૂપિયા ૭૩ લાખની કિંમતના સોનાના દાગીનાની લૂંટ કરી હતી.
લૂંટારૂઓએ માત્ર ચાર મિનિટમાં લાખોનો મુદ્દામાલ લૂટયો ત્યારે શોપમાં છ કિલો સોનાના રૂપિયા ૪.૮૦ કરોડની કિંમતના દાગીના ભરેલો થેલો ડેઅરમાં રાખ્યો હતો. પરંતુ, લૂંટારૂઓએ માત્ર ડિસ્પ્લેમાં રાખેલા જ દાગીનાની લૂંટ કરતા કરોડોનું સોનું બચી ગયું હતું.
બીજી તરફ શાલીગ્રામ પ્રાઇમ અને આસપાસના કોમ્પ્લેક્સના મળીને કુલ ૨૦૦થી વધુ સીસીટીવી ફુટેજ તપાસતા પોલીસને આરોપીના ચહેરા સ્પષ્ટ જોવા મળ્યા છે.
જેના આધારે ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાંચ, એસઓજી તેમજ અમદાવાદ ક્રાઇમબ્રાંચની એક ટીમ પણ તપાસમાં જોડાઇ છે અને અદાવાદમાં છારાનગર તેમજ અન્ય વિસ્તારમાં તપાસ શરૂ કરવામાં આવી છે.