Get The App

મહિલાના અન્ય સાથે સંબધ હોવાની શંકામાં પ્રેમીએ ગળુ દબાવીને હત્યા કરી

દેત્રોજમાં મળી આવેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો

કચ્છના મુન્દ્રામાં રહેતી મહિલાને દેત્રોજમાં રહેતા પરિણીત વ્યક્તિ સાથે છેલ્લાં છ વર્ષથી પ્રેમ સંબધ હતાઃ મહિલા પિયરમાં જવાનું કહીને ઘરેથી નીકળી હતી

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
મહિલાના અન્ય સાથે સંબધ હોવાની શંકામાં પ્રેમીએ ગળુ દબાવીને હત્યા કરી 1 - image

(મહિલાની હત્યા કરનાર આરોપી) 

મંગળવાર, અમદાવાદ

દેત્રોજમાં ૧૨ દિવસ પહેલા એક મહિલાનો વિકૃત થયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેની ઓળખ કરવી પોલીસ માટે મુશ્કેલ હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફે સમગ્ર મામલે ઉંડાણ પૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે દેત્રોજમાં જ રહેતા  ગોવિંદજી ઠાકોર નામની વ્યક્તિને મહિલા સાથે પ્રેમ સંબધ હતો. જો કે મહિલાને અન્ય સાથે સંબધ હોવાની શંકામાં થયેલી તકરારમાં ગળાટુંપો આપીને હત્યા કરીને લાશને નાળામાં ફેકી દીધી હતી. મૃતક મહિલા કચ્છના મુન્દ્રાના  મફતીનગર કુંદરોડી ગામની વતની હતી. તેના લાપત્તા થવા અંગે તેના પરિવારજનોએ કચ્છના પ્રાગપર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ પણ નોંધાવી હતી. 

ગત ૨૩મી ઓક્ટોબરના રોજ દેત્રોજ મામલતદાર કચેરીથી આઇટીઆઇ જવાના રસ્તા પર નાળામાંથી એક મહિલાની અંત્યત વિકૃત હાલતમાં લાશ મળી હતી. જેની ઓળખ કરવી પોલીસ માટે મુશ્કેલ હતી. આ કેસની તપાસ અમદાવાદ ગ્રામ્ય એલસીબીના પીઆઇ આર એન કરમટિયા દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ અને અન્ય જિલ્લાઓમાંથી ગુમ થયેલી મહિલાઓ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કચ્છના મુન્દ્રામાં મફતીનગર કુંદરોડી ગામમાં રહેતી મીનાબા ચૌહાણ (ઉ.વ.૪૦) નામની મહિલા ગત ૨ ઓક્ટોબરથી લાપત્તા હતી. જે અવારનવાર દેત્રોજમાં  ગોવિંદ ઠાકોર નામના વ્યક્તિને મળવા માટે આવતી હતી. જેના આધારે પોલીસે ગોવિંદ ઠાકોરના ઘરે તપાસ કરતા તે મળી આવ્યો નહોતો અને તે છેલ્લાં ઘણા દિવસથી અચાનક ગુમ હતો. સાથે સાથે તેનો ફોન પણ સ્વીચ ઓફ હતી. જેથી શંકા મજબુત થતા ટેકનીકલ અને હ્યુમન સર્વલન્સ દ્વારા ગોવિંદ ઠાકોરની અટકાયત કરીને પુછપરછ કરી હતી. જેમાં તે ભાંગી પડયો હતો અને તેણે ચોંકાવનારી કબુલાત કરી હતી કે મીનાબા ચૌહાણના પતિનું આઠ વર્ષ પહેલા અવસાન થયુ હતું. જેના બે વર્ષ બાદ બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. જો કે ગોવિંદ પરિણીત હોવાથી તે અવારનવાર બહાર મળતા હતા. બીજી તરફ છેલ્લાં એક વર્ષથી ગોવિંદને શંકા હતી કે મીનાને અન્ય કોઇ સાથે સંબધ છે. જેના કારણે બંને વચ્ચે અવારનવાર તકરાર થતી હતી. ગત ૨જી ઓક્ટોબરના રોજ મીનાબા તેના ઘરેથી પિયરમાં જવાનું છે. તેમ કહીને દેત્રોજ ગોવિંદના ઘરે આવી હતી. ત્યારે તકરાર થતા ગોવિંદે તેનું ગળું દબાવીને બેહોશ કરી હતી. બાદમાં નજીકના તળાવના પાણીમાં માથુ ડુબાડીને ફરીથી ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ  લાશને નાળામાં છુપાવીને તે ફરાર થઇ ગયો હતો.  દેત્રોજ પોલીસે આ અંગે ગોવિંદ ઠાકોર વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News