મહિલાના ઘરમાં શાંતિ અપાવવાનું કહી જ્યોતિષ દંપતિએ 20 લાખ સેરવી લીધા
ઘર કંકાસ દુર કરવાના નામે મહિલા સાથે છેતરપિંડી
મહિલાને પતિ સાથે છુટાછેડા લેવાનું કહીને અન્ય યુવક સાથે લગ્નની લાલચ આપીઃ આનંદનગર પોલીસે ગુનો નોંધ્યો
અમદાવાદ,રવિવાર
શહેરના સેેટેલાઇટ વિસ્તારમાં રહેતી એક મહિલાને પારિવારીક પ્રશ્નો હોવાથી તેેણે એક મહિલા જ્યોતિષનો સંપર્ક કરતા તેની પાસેથી વિધીના નામે જ્યોતિષે તેની પત્ની સાથે મળીને 20 લાખ રૂપિયા પડાવી લેવાયા હતા. એટલું જ નહી વિધીની અસર થઇ ન હોવાનું કહીને પતિ સાથે છુટાછેડા અપાવવાનું કહીને તેના લગ્ન લંડનમાં રહેતા એક યુવક સાથે લગ્ન કરાવવાનું કહીને છેતરપિંડી આચરી હતી. છેતરપિંડી આચરતી દંપતિએ અન્ય લોકો સાથે પણ મોટાપ્રમાણમાં છેતરપિંડી આચરી હતી. શહેરના સેટેલાઇટ પ્રેરણાતીર્થ વિસ્તારમાં રહેતા માહી નામની મહિલાએ આનંદનગર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમના લગ્ન વર્ષ 2004માં થયા હતા. પરંતુ, પતિ અને સાસુ સાથે ખટરાગ ચાલતો હોવાથી તે સતત માનસિક દબાણમાં રહેતા હતા. જેથી ગત મે 2023માં તેમણે એક જ્યોતિષની જાહેરાત જોઇ હતી. જેમાં કોલ કરતા મનીષા નામની મહિલાનો સંપર્ક થયો હતો. તેણે પ્રાથમિક વિગતો પુછીને કહ્યું હતું કે ઘરકંકાશથી મુક્તિ મેળવવા માટે બે યંત્રો તૈયાર કરવા પડશે અને તે મોકલી આપ્યા હતા. પરંતુ, તે વિધી બાદ પણ ઘર કંકાશ ઓછા ન થતા અમિત ત્રિવેદી નામના જ્યોતિષે ચાણોદમાં વિધી કરાવવાનું કહીને ચાર લાખ લીધા હતા. આ વિધી ચાણોદમાં કરવા માટે બે સોનાના સિક્કા માટે 2.44 લાખની માંગણી કરી હતી. તેમજ દોઢ લાખની વધારાની રકમ લીધી હતી. આ રકમ ખર્ચીને મનીષાબેન અને અમિત ત્રિવેદીએ કરેલી વિધી બાદ પણ ઘરમાં શાંતિ ન મળતા અમિત ત્રિવેદીએ એમ કહ્યુ હતું કે તે તેના પતિ સાથે છુટાછેડા કરાવીને લંડનમાં રહેતા બિઝનેસમેન સાથે લગ્ન કરાવી આપશે. જે તેને સુખી રાખશે. પરંતું, છુટાછેડા માટેની પ્રક્રિયા માટે સાડા સાત લાખની રકમ જોઇશે. જેથી વાતોમાં આવીને માહીબેને તેને સાડા સાત લાખ આપ્યા હતા. આમ તેણે કુલ 20 લાખની રકમ ચુકવી આપી હતી. બાદમાં પ્રદીપ ભાવસાર નામના વ્યક્તિ સાથે ફોન પર સંપર્ક કરાવ્યો હતો. જે તેની સાથે ફોન પર નિયમિત સંપર્કમાં રહેતો હતો.
એક દિવસ મનીષા નામની કથિત મહિલા જ્યોતિષે જણાવ્યું હતું કે પ્રદીપ સામે લંડનમાં કેસ દાખલ થતા તે જેલમાં છે અને જેલમાં છુટીને આવે ત્યારે છુટાછેડા કરાવીશું. આ કોલ બાદ અમિત ત્રિવેદી, મનીષા અને પ્રદીપના ફોન સ્વીચ ઓફ આવતા હતા. જેથી છેતરપિંડી થયાની જાણ થઇ હતી અને તેમણે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે મનીષાનું સાચુ નામ નિતુ અલ્પેશ જોષી હતું અને અમિત ત્રિવેદીના નામે વાત કરતા વ્યક્તિનું નામ અલ્કેશ જોષી હતું.
બંને પતિ પત્ની જ્યોતિષ તરીકે ઓળખ આપીને છેતરપિંડી આચરતા હતા. તેમના વિરૂદ્ધ અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત, તેમણે આ મોડ્સ ઓપરેન્ડીથી અનેક લોકોને ટારગેટ કર્યા હતા. આ અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.