અમદાવાદ-રાજકોટ સિક્સલેન હાઈવે 7 વર્ષે પણ અધૂરો, હજુ 9 મહિના રાહ જોવી પડશે
Ahmedabad-Rajkot Six lane Highway: અમદાવાદ અને રાજકોટ વચ્ચે સિક્સ લેન હાઈવે પ્રોજેક્ટમાં ભારે વિલંબ થયો છે. ત્યારે આ મુદ્દે સોમવારે (17 માર્ચ) વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન કોંગ્રેસ દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે વિરોધ કરતાં કહ્યું કે, 7 વર્ષ થઈ ગયાં તેમ છતાં હજુ હાઇવે સંપૂર્ણ બન્યો નથી. જ્યારે સરકારના મંત્રીએ તેની સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ડિસેમ્બરમાં કામ પૂર્ણ થઈ જશે, હાલ 98 ટકા કામ પૂરૂ થઈ ગયું છે.
વિધાનસભામાં પૂછાયો પ્રશ્ન
ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન રાજકોટ પશ્ચિમના ધારાસભ્યએ પ્રશ્ન પૂછ્યો હતો કે, અમદાવાદ અને સિક્સ લેન હાઈવે પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો અને હાલ કામગીરી કયા તબક્કે છે અને ક્યારે પૂર્ણ થશે?
સરકારે આપ્યો જવાબ
પ્રશ્નનો જવાબ આપતા સરકારના મંત્રીએ જણાવ્યું હતું કે, 2018માં પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ હતી અને અમદાવાદ-રાજકોટ વચ્ચે 201.33 કિ.મીનો સિક્સ લેન હાઇવેનું સંપૂર્ણ કામ છે. આ સિક્સ લેન હાઈવે પ્રોજેક્ટનો ખર્ચ 3350 કરોડ રૂપિયા જેટલો થાય છે. આ હાઈવે પર કુલ 34 ફ્લાયઓર બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે અને પહેલાં ફેઝના 197 કિ.મીના કામમાંથી 193 કિ.મીના હાઈવેનું કામ પૂરૂ થઈ ગયું છે. પાછળથી આ કામમાં થોડો વધારો થયો હતો.
આ પણ વાંચોઃ 'મમ્મી મને માફ કરજે મારાથી ભૂલથી મોબાઇલ પડી ગયો', સુરતમાં 12 વર્ષની બાળકીનો આપઘાત
ક્યારે મળશે હાઈવે?
કોરોના તેમજ હાઈવે બનાવવા માટે આસપાસના ગામોના સ્થાનિકોને સમાજવવા સહિતની કામગીરીને લીધે વિલંબ થયો છે. હવે ચાર જેટલા કામો બાકી છે અને ડિસેમ્બર સુધીમાં કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે.જો કે આ હાઈવે પ્રોજેક્ટને 7 વર્ષ થતા કોંગ્રેસના સભ્યોએ વિરોધ ઉઠાવ્યો હતો. આ ઉપરાંત બાકી કામને લઈને કોન્ટ્રાક્ટર પાસેલી રોયલ્ટી કેટલી વસુલાઈ તે બાબતના પેટા પ્રશ્નમાં સરકારે કહ્યું હતું કે, હાલ માહિતી નથી. આ ઉપરાંત જેતપુર-રાજકોટના ખરાબ રસ્તા-અધુરા કામોને લઈને પણ કોંગ્રેસના ધારાસભ્યએ વિરોધ ઉઠાવ્યો હતો.