Get The App

અમદાવાદ રેલવે સ્ટેશને તસ્કર-બુટલેગરો બેફામ! દોઢ મહિનામાં ચોરીના 74, દારૂના 18, ગાંજાના 2 કેસ!

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
Railway


Indian Railway: ભારતીય મુસાફરોની પહેલી પસંદ ટ્રેન, રેલવે બાબુઓની બેદરકારીના લીધે ધીમેધીમે અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની રહી છે. લોકોને વિવિધ શહેરોમાં અવરજવર કરવા માટે સરળતા રહે તે માટે શરુ કરાયેલી રેલવેની સુવિધા આજે બુટલેગર અને ડ્રગ્સના પેડલર માટે નશીલા પદાર્થની હેરફેર કરવાનું સૌથી સુરક્ષિત માધ્યમ બની ગયું છે. છેલ્લા દોઢ મહિનામાં ટ્રેન અને અમદાવાદ રેલવે મથક પરથી 2.55 લાખનો દારૂ, ગાંજો પકડાયો હતો. તેમજ મોબાઇલ, રોકડ સહિત કુલ 26.29 લાખનો મુદ્દામાલ ચોરી થઈ હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. 

છૂક છૂક ગાડી જાણે કે અસામાજિક તત્ત્વોના અડ્ડામાં ફેરવાઈ

1 ઑગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધીના માત્ર દોઢ મહિનામાં રેલવેમાં દારૂના 18, બેગ સહિતના સામાનની ચોરીના 37, મોબાઇલ ફોનની ચોરીના 37 અને ગાંજો પકડવાના બે કેસ પોલીસ મથકે નોંધાયા છે. અલબત્ત, આ તો છીંડે ચડેલા ચોર છે, બાકી આ સિવાય અનેકગણી વધારે માત્રામાં અસામાજિક કૃત્યો ટ્રેનમાં થઈ રહ્યા છે. આમ તો મુસાફરોની સલામતી માટે આરપીએફ અને રેલવે પોલીસ એમ બે ફોર્સ છે. આમ છતાં હવે ટ્રેનમાં મુસાફરી કરવામાં લોકો ધીમે ધીમે અસલામતીનો અનુભવ કરી રહ્યા છે. 

વંદે ભારત ટ્રેનમાંથી પણ સામાનની ચોરી થવા માંડી

દોઢ મહિનામાં વિવિધ લોકલ તેમજ એક્સપ્રેસ ટ્રેન સહિત અમદાવાદ અને અસારવા રેલવે મથક પરથી 15.78 લાખના મુદ્દામાલ ભરેલી અનેક બેગ ચોરાઈ ગઈ હોવાની રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં રોકડા રૂપિયા, લેપટોપ, ચાર્જર, ડિજીટલ કેમેરા, સોના- ચાંદીના દાગીના, ઓળખપત્ર તથા જરૂરી દસ્તાવેજ સહિતની ચીજવસ્તુઓ તસ્કરો ઉઠાવી ગયા હતા. 

ખાસ કરીને ગઠિયા ટ્રેનમાં ઊંઘી રહેલા મુસાફરોને પોતાનો ટાર્ગેટ બનાવી તેઓની સીટ નીચે રાખેલી બેગ તેમજ ખિસ્સા કે પાકીટમાં રાખેલી મત્તા સેરવી જાય છે. ટ્રેન ઊભી રહેતાં મુસાફરો વોશરૂમ કે મથક પર ખાણીપીવીની ખરીદી માટે જાય ત્યારે ચોરોને મોકળું મેદાન મળી રહે છે. ત્યારે, મુસાફરો માટે સૌથી સુરક્ષિત અને આરામદાયી ગણાતી વંદે ભારત ટ્રેનમાંથી પણ ગત 31 ઑગસ્ટના રોજ મુંબઈથી અમદાવાદ આવતાં બોપલના યુવકની 75 હજારની મત્તા ભરેલી ટ્રોલી બેગ ચોરી થઈ જતાં ઘટના ચર્ચાનું કેન્દ્ર બની હતી. એટલું જ નહીં રેલવે મથકના પરિસરમાં પાર્ક કરેલા 85 હજારના ત્રણ ટુવ્હીલર ચોરી થયા હતા.

ટ્રેન, પ્લેટફૉર્મ, ટિકિટ બારી, સીડી અને ફૂટબ્રિજ પરથી મોબાઇલ સેરવી લેવાયા

રેલવેમાં મુસાફરી કરવી હોય તો ચેતીને રહેજો ! કેમ કે ખિસ્સાકાતરું અને તસ્કર ટોળકી માટે ટ્રેન તથા રેલવે મથક ફોન ચોરી કરવા માટેની ઑફિસ બની ગયા છે. છેલ્લા દોઢ માસમાં ટ્રેનની સાથે અમદાવાદ રેલવે મથકના વિવિધ પ્લેટફૉર્મ, ટિકિટ બારી, એસ્કેલેટર, સીડી, ફૂટઓવર બ્રિજ, પ્રતિક્ષા રૂમ તથા આરામગૃહમાંથી રૂપિયા 8.63 લાખના 39 મોબાઇલ ફોનની ચોરી તેમજ ચીલઝડપ થઈ હોવાની 37 પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 

આ પણ વાંચો: ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થતા આજે પ્રક્ષાલન વિધિ, અંબાજી મંદિર બપોરે 1:30 વાગ્યાથી રહેશે બંધ

તેવામાં 20 ઑગસ્ટના રોજ અમદાવાદ રેલવે મથક પરથી યુવકનો ફોન ચોરી કરીને તસ્કરે તે ફોનમાંથી ઓનલાઇન ઍપ્લિકેશન મારફતે 59 હજાર રૂપિયા યુવકના બૅન્ક ખાતામાંથી સેરવી લીધા હોવાની ઘટના પણ બની હતી. સાથે જ ટ્રેનના દરવાજા પાસે ઊભા રહીને ફોન પર વાત કરતાં ત્રણ યુવકોના 1.03 લાખની કિંમતના 3 ફોન ઝૂંટવાઈ ગયા હતા. 

ખુલ્લે આમ ગાંજા અને ડ્રગસની હેરાફેરી  

ટ્રેનમાંથી વારંવાર ગાંજો તો મળે પરંતુ મોટાભાગે આરોપી પકડાતા નથી. પોલીસ અને રેલવે તંત્ર ભરનિંદ્રામાં પોઢેલું હોવાથી પૅડલરો ટ્રેન મારફતે ખુલ્લેઆમ ગાંજા અને ડ્રગની હેરાફેરી કરે છે. પોલીસ પણ વરસમાં ટાર્ગેટ પૂરા કરવા માટે કાર્યવાહી કરી નશીલા પદાર્થને પકડે છે. ગત પાંચ ઑગસ્ટના રોજ અમદાવાદ પુરી એક્સપ્રેસ ટ્રેનમાંથી 49 હજારની કિંમતનો 04.964 કિલો ગાંજાનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. 

નોંધનીય છે કે પુરી એક્સપ્રેસ ટ્રેનમાંથી અગાઉ પણ અનેક વખત લાખો રૂપિયાનો ગાંજો મળી આવ્યો છે. પરંતુ દરવખતે ગાંજો બિનવારસી હાલતમાં મળી આવતો હોવાથી પોલીસ તંત્ર સામે નાગરિકોમાંથી સવાલ ઊભા થઈ રહ્યા છે. તેમજ 9 સપ્ટેમ્બરના રોજ ઓરિસ્સાના બે શખ્સો 1.62 લાખની કિંમતનો 19.225 કિલોગ્રામ ગાંજો ઓરિસ્સાથી ટ્રેન મારફતે અમદાવાદ લઈ આવ્યા ત્યાં સુધી પોલીસને તેની જાણ સુદ્ધા થઈ ન હતી.

બોટલ જ નહીં ટેટ્રાપેક અને દેશી દારૂની કોથળીઓની પણ હેરાફેરી

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેવા કિસ્સા દરરોજ બને છે. તેવામાં રેલવે છેલ્લાં કેટલાય સમયથી બૂટલેગર માટે દારૂની હેરફેર કરવાનું સાધન બની ગયું છે. ગત 1 ઑગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધીમાં ટ્રેન અને રેલવે મથક પરથી 44,399ની કિંમતના વિદેશી દારૂના 208 બોટલ/ક્વાટર ટેટ્રાપેક તેમજ દેશીદારૂના 117.8 લિટર જથ્થા સાથે 17 શખ્સોની પરપડક કરવામાં આવી હતી.

આ પણ વાંચો: કરોડોની જમીન ભાજપના મોટા માથાઓને વેચી! અમદાવાદમાં જમાઈને ઠગનારા સસરા પર નવો આરોપ

અમદાવાદ રેલવે સ્ટેશને તસ્કર-બુટલેગરો બેફામ! દોઢ મહિનામાં ચોરીના 74, દારૂના 18, ગાંજાના 2 કેસ! 2 - image


અમદાવાદ રેલવે સ્ટેશને તસ્કર-બુટલેગરો બેફામ! દોઢ મહિનામાં ચોરીના 74, દારૂના 18, ગાંજાના 2 કેસ! 3 - image

કાલુપુર રેલવે મથકે માત્ર બે રિક્ષા ટ્રાફિકને નડતરરૂપ હોવાનું ધ્યાને આવ્યું

કાલુપુર રેલવે મથક વિસ્તાર ટ્રાફિકજામ માટે કુખ્યાત છે. ખાસ કરીને રિક્ષા, ટેક્સી ચાલકો મુસાફરની લાલચે મનમાની કરીને રસ્તા પર ગમે ત્યાં આડેધડ પોતાના વાહન ઊભા રાખતાં હોવાથી ત્યાં ટ્રાફિક બારમાસી સમસ્યા બની છે. ત્યારે રેલવે પોલીસને દોઢ મહિનામાં માત્ર બે રિક્ષા ચાલકો જ સ્ટેશન પાસે અડચણરૂપ રીતે રિક્ષા પાર્ક કરી ટ્રાફિકજામ કરતાં નજરે પડ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ કર્મીઓ પોતાના અધિકારીઓને કામ કરતાં હોવાનું બતાવવા એકલ દોકલ ચાલકો સામે ફરિયાદ નોંધી કામ કર્યાનો સંતોષ માને છે.

અમદાવાદ રેલવે સ્ટેશને તસ્કર-બુટલેગરો બેફામ! દોઢ મહિનામાં ચોરીના 74, દારૂના 18, ગાંજાના 2 કેસ! 4 - image


Google NewsGoogle News