અમદાવાદની સ્કૂલોમાં આજથી ધો.10ની સેન્ટ્રલાઈઝડ પદ્ધતિથી પ્રિ-બોર્ડ પરીક્ષા લેવાશે
Pre-Board Exam for Std.10: અમદાવાદ શહેર ડીઈઓ કચેરી દ્વારા સતત ત્રીજા વર્ષે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજથી 18મીથી શહેરની 573 સ્કૂલોમાં ધો.10ની પ્રિ-બોર્ડ પરીક્ષા સેન્ટ્રલાઈઝડ પદ્ધતિ-બોર્ડની સિસ્ટમથી લેવાશે. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ કચેરી દ્વારા પણ ધો.10ની પ્રિ-બોર્ડ પરીક્ષાનું ખાસ આયોજન કરવામા આવ્યુ છે.
વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાનો મહાવરો કરાવવા માટે બોર્ડની પદ્ધતિથી જ પરીક્ષા લેવામા આવશે
અમદાવાદ શહેર અને ગ્રામ્ય બંને ડીઈઓ કચેરી દ્વારા ધો.10ના વિદ્યાર્થીઓ કે જે પ્રથમવાર બોર્ડ પરીક્ષા આપી રહ્યા છે તેઓ માટે બોર્ડ પરીક્ષાની પ્રેક્ટિસ માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ શહેર ડીઈઓ હેઠળની 573 સ્કૂલોમાં ધો.10ના 48 હજાર જેટલા વિદ્યાર્થીઓની પ્રિ-બોર્ડ પરીક્ષા લેવાશે અને આજથી શરૂ થતી આ પરીક્ષામાં ત્રણેય માઘ્યમમાં મુખ્ય પાંચેય વિષયોની પ્રિ-બોર્ડ પરીક્ષા લેવામા આવશે. જેમાં બોર્ડ પરીક્ષાની જેમ જ હૉલ ટિકિટ, ખાખી સ્ટીકર, સીસીટીવી સુરક્ષાથી માંડી સેન્ટ્રલાઈઝડ પેપરો સહિતની સંપૂર્ણ બોર્ડ પેટર્નથી પરીક્ષા લેવામાં આવશે. શહેર ડીઈઓ એ.જી ટીચર્સ સ્કૂલ ખાતે આ માટે સવારે ખાસ હાજર રહેશે.
અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ કચેરી દ્વારા પણ પરીક્ષાનું આયોજન
આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ કચેરી દ્વારા પણ પ્રિ-બોર્ડ પરીક્ષા યોજવામાં આવનાર છે. બોર્ડ પરીક્ષા પૂર્વાનુભૂતિ કાર્યક્રમ અંતર્ગત આવતીકાલે 18મીએ ગ્રામ્યની 624 સ્કૂલોમાં એક વિષયની પ્રિ-બોર્ડ પરીક્ષા લેવાશે. 8 એસવીએસ કેન્દ્રો ખાતે સ્ટ્રોંગરૂમમાં પેપરો તૈયાર કરી સુરક્ષીત રખાય છે. ક્યુડીસી કેન્દ્રો મારફતે સ્કૂલો સુધી પેપરો પહોંચાડવામાં આવશે. બાકીના પેપરોની પરીક્ષા પણ બોર્ડ પેટર્નથી સ્કૂલોમાં પોતાના પેપરોથી લેવાશે. ગ્રામ્યની 624 સ્કૂલોના 43 હજાર વિદ્યાર્થી પ્રિ-બોર્ડ પરીક્ષા આપશે.
ડીઈઓ દ્વારા સારથી હેલ્પ લાઈન શરૂ
બોર્ડ પરીક્ષા માટે ડીઈઓ દ્વારા સારથી હેલ્પ લાઈન અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા સારથી હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી છે અને જે હવે ધો.10-12ની બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે પણ સાતેય દિવસ 24 કલાક કાર્યરત રહેશે. આ હેલ્પ લાઈન સમગ્ર વર્ષ દરમિયાન ચાલે છે અને જેમાં આરટીઈથી માંડી ફી સહિતના તમામ પ્રશ્નો-ફરિયાદોનું નિરાકરણ કરાય છે. ગત વર્ષે 576 પ્રશ્નો હેલ્પલાઈનમાં આવ્યા હતા. હવે બોર્ડ પરીક્ષા શરૂ થઇ છે ત્યારે વિદ્યાર્થીઓ-વાલીઓને મુંઝવતા પ્રશ્નોના જવાબો વિષય એક્સપર્ટસ-સાયકોલોજિસ્ટ દ્વારા આપવામાં આવશે. વોટ્સએપ નંબર આધારીત આ હેલ્પલાઈનમાં વિદ્યાર્થીઓ કોઈ પણ સમયે મેસેજ કરી શકશે.