બુલિયન માર્કેટ અને આંગડિયા પેઢીઓ પર સર્વલન્સ રાખવા માટે સુચના
દિવાળીના તહેવારને લઇને પોલીસનો એક્શન પ્લાન
કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી શહેરના દરેક વિસ્તારોમાં સીસીટીવી દ્વારા વોચ રખાશેઃ પોલીસના પેટ્રોલીંગમાં વધારો
અમદાવાદ,
ગુરૂવાર
દિવાળીના તહેવાર દરમિયાન શહેરમાં લૂંટ કે ચોરીની ઘટનાઓ ન બને તેમજ કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં બેંક, એટીએમ, બુલિયન માર્કેટ અને આંગડિયા પેઢી પર પોલીસને ખાનગીમાં વોચ રાખવા માટે સુચના આપવામા ંઆવી છે. તેમજ પોલીસ કમિશનર કચેરી સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા શહેરના સીસીટીવી નેટવર્કની મદદથી નજર રાખવામાં આવી રહી છે. આગામી દિવાળીના તહેવારના અનુસંધાનમાં શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે.
આ અંગે માહિતી આપતા ડીસીપી કંટ્રોલ કોમલ વ્યાસે જણાવ્યું હતું કે શહેરના તમામ બુલિયન માર્કેટ, જ્વેલરી શોપ, આંગડિયા પેઢી અને બેંક તેમજ એટીએમ પર નાણાંકીય વ્યવહાર મોટા પ્રમાણમાં થતા હોવાથી ત્યાં ખાનગી સિક્યોરીટીની સાથે પોલીસ દ્વારા પણ શંકાસ્પદ લોકો પર વોચ રાખવામા આવી રહી છે. તેમજ અગાઉ તહેવારો દરમિયાન લૂંટ અને ચોરી જેવા ગંભીર ગુનાઓમાં સડોવાયેલા આરોપીઓ પર વોચ રાખવામાં આવી રહી છે.સાથે સાથે કેટલાંક લોકો સામે અટકાયતી પગલા પણ ભરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી શહેરના સીસીટીવી નેટવર્કની મદદથી સર્વલન્સ રાખવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, રેલવે સ્ટેશન, એસ ટી સ્ટેશન તેમજ ભીડભાડ વાળા સ્થળો પર પણ ખાસ બંદોબસ્ત ગોઠવાયો છે. તહેવારો દરમિયાન સોસાયટી તેમજ એપાર્ટમેન્ટમાં ચોરીના બનાવો બનતા હોવાથી સોસાયટીના ચેરમેન-સેક્રેટરી સાથે સ્થાનિક પોલીસ સાથે મીંટીગ યોજીને સોસાયટીના તમામ સીસીટીવી ચાલુ સ્થિતિમાં છે કે નહી તે ? તે તપાસ કરવા માટે સુચના અપાઇ હતી.