નકલી પોલીસે સ્કૂટર ચાલકને કેસની ધમકી આપી૩૬ હજારની રોકડ લૂંટી
એસપી રીંગ રોડ સેન્ટોસા સોસાયટી પાસેની ઘટના
વધુ નાણાં પડાવવા માટે યુવકને સાયન્સ સીટી રોડના એટીએમ પર લઇ જવાયોઃ સોલા પોલીસે તપાસ શરૂ કરી
અમદાવાદ,બુધવાર
એસ પી રીંગ રોડ પર નકલી પોલીસ તરીકે ઓળખ આપીને વાહનચાલકોને રોકીને ખોટા કેસ કરવાના કે અન્ય બહાના આપીને તોડ કરતી અનેક ગેંગ સક્રિય છે. ત્યારે થોડા દિવસ પહેલા ઓગણજ નજીક રીંગ રોડ પર એક યુવકને રોકીને ૩૬ હજારની લૂંટ કરી હતી. ત્યારબાદ વધુ નાણાં લેવા માટે તેને સાયન્સ સીટી રોડ પર આવેલા એક એટીએમ પર લઇ ગયા હતા. પરંતુ, ત્યાં નાણાં ન મળતા પેટ્રોલપંપ પરથી ગુગલ પે દ્વારા બીજા ૫૦ હજાર લેવા પ્રયાસ કર્યો હતો. આ અંગે સોલા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ભાડજમાં આવેલા ક્રિષ્ના રૉ હાઉસમાં રહેતો રમેશ ડાંગર નામનો યુવક ઇલેક્ટ્રીશન તરીકે કામ કરે છે. ગત ૨૩મી સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે એસ પી રીંગ રોડ પરથી સેન્ટોસા સોસાયટી પાસેથી પસાર થતા હતા. ત્યારે એક સ્કૂટર પર આવેલા બે યુવકોએ તેમને રોકીને પોલીસ તરીકે ઓળખ આપીને બે તમાચા મારીને કહ્યું હતું કે તારૂ નામ વિરૂદ્ધ ગાંજા અને દારૂના કેસમાં ખુલ્યુ છે. તારા સામે ગુનો નોંધવાનો છે. જો કેસ પુરો કરવો હોય તો પૈસા આપવા પડશે. તેમ કહીને તેની પાસેથી ૩૬ હજાર રૂપિયા લૂંટી લીધા હતા.
પરંતુ, બીજા ૫૦ હજાર રૂપિયા જોઇશે નહીતર કેસ થશે. તેમ કહીને રમેશને સાયન્સ સીટી રોડ પર આવેલા એચડીએફસી બેંકના એટીએમ પર લઇ ગયા હતા. જ્યાં રમેશે ખોટો પીન નંબર એન્ટર કરતા બંને જણા તેને ગોતા બ્રીજના એક પેટ્રોલ પંપ પર લઇ ગયા હતા. જ્યાં ગુગલ પેથી પેમેન્ટ કરીને પેટ્રોલ પંપના મેનેજર પાસેથી ૫૦ હજાર મળે તે માટે રમેશને મોકલ્યો હતા. પરંતુ, મેનેજરે ના પાડતા તે બંને જણા તેને અન્ય પેટ્રોલ પંપ પર લઇ જતા આ સમયે ગોતા બ્રીજ નીચે પોલીસને જોઇ બંને જણા ફરાર થઇ ગયા હતા. આ અંગે સોલા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જેમાં આરોપીઓની શંકાને આધારે અટકાયત કરવામાં આવી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.