ક્ષત્રિય સમાજને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો, અમદાવાદ પોલીસના જાહેરનામાને પડકારતી અરજી ફગાવી

કાળા વાવટા ફેલાવવાના જાહેરનામા અગે અમદાવાદ પોલીસને રાહત

હાઇકોર્ટે અરજદારપક્ષને કોઇપણ રાહત આપવાનો સાફ ઇન્કાર કર્યો

Updated: May 4th, 2024


Google NewsGoogle News
ક્ષત્રિય સમાજને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો, અમદાવાદ પોલીસના જાહેરનામાને પડકારતી અરજી ફગાવી 1 - image


Lok Sabha Elections 2024 | કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય નેતા પુરૂષોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદનને લઇ ક્ષત્રિય સમાજ અને રાજપૂત સમાજમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિને લઇ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કલમ-૧૪૪ હેઠળ જારી કરાયેલા જાહેરનામાને પડકારતી રાજપૂત સમાજ તરફથી કરાયેલી રિટ અરજી આજે જસ્ટિસ વૈભવી ડી.નાણાવટીએ ફગાવી દીધી હતી. હાઇકોર્ટે અરજદારપક્ષને કોઇપણ રાહત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. હાઇકોર્ટે આજે આ કેસમાં પોતાનો ચુકાદો જાહેર કરતાં જણાવ્યું હતું કે, કલમ-૧૪૪નું જાહેરનામું એ શહેર પોલીસ કમિશનરની સત્તાક્ષેત્રમાં આવતી બાબત છે અને ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેવા જાહેર હિતમાં લેવાયેલો નિર્ણય છે. વળી, જાહેરનામાથી કોઇ વિરોધ કે દેખાવો તેમ જ રેલી-સભા પર પ્રતિબંધ નથી ફરમાવાયો પરંતુ માત્ર કાળા વાવટા અને ઉશ્કેરણીજનક ભાષણ જ પ્રતિબંધિત કરાયુ છે. સત્તાવાળાઓ દ્વારા અરજદારની કોઇ રેલી કે મીટીંગ કે સભા સંબંધી અરજી નામંજૂર કરાઇ નથી અને તેથી અરજદારની દાદ ગ્રાહ્ય રાખવા માટે કોઇ કારણ બનતુ નથી.

હાઇકોર્ટે વધુમાં જણાવ્યું કે, ચૂંટણી પ્રચારના સમયમાં કેટલાક લોકો અને જૂથો દ્વારા એક યા બીજા કારણસર કે વિરોધ હેઠળ કાળા વાવટા ફરકાવે, પ્લેકાર્ડ-બેનરો અને ઉશ્કેરણીજનક ભાષણ કે પ્રવચન, સૂત્રોચ્ચાર  કરી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમમાં મૂકે ત્યારે તેનાથી તોફાનોની સ્થિતિ કે જનતાની સલામતી જોખમમાં મૂકાય તેવી પરિસ્થિતિ સર્જાઇ શકે , તેથી નાગરિકોની સલામતી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના ભાગરૂપે આ જાહેરનામાથી કાળા વાવટા ફરકાવવા સહિતની બાબત પ્રતિબંધિત કરાઇ છે.

રાજપૂત સમાજ તરફથી કરાયેલી રિટનો સખત વિરોધ કરતાં સરકારપક્ષ તરફથી જણાવાયું હતું કે, ભૂતકાળમાં ગંભીર બનાવો બનેલા છે અને તેથી જાહેર સલામતી, તકેદારી અને જાહેર સુલેહ-શાંતિને ધ્યાનમાં રાખીને જાહેરનામું જારી કરાયું છે, તેમાં કોઇ સમાજ કે જાતિને આધાર રાખી નિર્ણય નથી લેવાયો. માત્ર એપ્રિલ મહિનામાં જ સરકારી અને ખાનગી એમ બંને મળી કુલ ૪૫૦થી વધુ રેલી-સરઘસની મંજૂરી અપાઇ છે. કોઇને રેલી કે સરઘસ કાઢવા પર રોક નથી લગાવાઇ પરંતુ ચૂંટણીનો સમય હોવાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના ભાગરૂપે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું જારી કરાયું છે. અરજદાર દ્વારા કોઇ રેલી કે સભાની મંજૂરી મંગાઇ નથી. પોલીસ કમિશનરનું જાહેરનામું કાયદેસર અને યોગ્ય હોઇ હાઇકોર્ટે અરજદારની રિટ ફગાવી દેવી જોઇએ. આ દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે અરજદારપક્ષની રિટ અરજી ફગાવી દીધી હતી.


Google NewsGoogle News