અમદાવાદ પાર્સલ બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપીની ધરપકડ, ષડ્યંત્રનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ
Ahmedabad Parcel Blast Update: અમદાવાદના સાબરમતીમાં ગઈકાલે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટને પાર્સલ આપી બ્લાસ્ટ કરવા મુદ્દે પોલીસે મુખ્ય આરોપી રૂપેન બારોટની ધરપકડ કરી લીધી છે. તેમજ બોમ્બ બનાવવામાં મદદ કરનાર સાથી રોહન રાવળની પણ ધરપકડ કરી દેવામાં આવી છે. આ સાથે જ પોલીસને આરોપી સાથે બે પાર્સલ પણ મળી આવ્યા છે. આ સિવાય પોલીસે આરોપી પાસેથી એક તમંચો અને પાંચ જીવતા કારતૂસ પણ જપ્ત કર્યા છે.
મુખ્ય આરોપીના ઘરેથી મળી આવ્યા હથિયાર
શનિવારે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બ્લાસ્ટ બાદ મુખ્ય આરોપી અને તેનો સાથી ફરાર હતાં. જોકે, વહેલી સવારે બ્લાસ્ટની માહિતી મળતા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એટીએસ અને પોલીસની ટીમ કામે લાગી ગઈ હતી. પોલીસ તપાસમાં રૂપેનના ઘરેથી હથિયાર મળી આવ્યા છે. પોલીસ તપાસમાં જાણ થઈ કે, મુખ્ય આરોપી રૂપેન પોતે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ આરોપીઓએ અમદાવાદ સહિત અનેક શહેરોમાં ગુના આચર્યા છે. હાલ લોકલ પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીએ શહેરમાં કરેલાં ગુનાનો તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં પોલીસની આબરુના ધજાગરા ઉડાડનાર લુખ્ખાઓ સામે બુલડોઝરવાળી, ગેરકાયદે મકાનો ધ્વસ્ત
પત્ની સાથે થયો હતો ઝઘડો
પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, આરોપીએ પત્નીના અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની શંકાના આધારે પતિ દ્વારા જ ફરિયાદીના ઘરે પાર્લ બોમ્બ બ્લાસ્ટ કરાવાયો હતો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, રૂપેને રાવ અને તેની પત્ની હેતલ વચ્ચે ઝઘડો ચાલતો હતો. 23 માર્ચ પત્ની હેતલ પિયર જતી રહી હતી. પત્ની હેતલ ગઈ તેની પાછળ આ બળદેવભાઈ સુખડિયા જે હાઈકોર્ટમાં વકીલના ક્લાર્ક તરીકે કામ કરે છે તે જવાબદાર છે, તેવું રૂપેન માનતો હતો. બળદેવભાઈએ જ હેતલને ઉશ્કેરી હતી તેવું માની ઈન્ટરનેટના માધ્યમથી બોમ્બ, તમંચો કઈ રીતે બનાવવો તે રિસર્ચ કરી બોમ્બ બનાવ્યો હતો. બોમ્બ બનાવ્યા બાદ ઘટનાની એક રાત પહેલાં રોહન સાથે પાર્સલ મોકલવામાં આવ્યું હતું.
જોકે, ત્યારે બળદેવભાઈ ઘરે ન હોવાથી પાર્સલ લઈને પરત આવી ગયો. બીજા દિવસે રોહનની બદલે ગૌરવ ગઢવી પાર્સલ લઈને બળદેવના ઘરે સાડા દસથી અગિયારની વચ્ચે મોકલ્યો હતો. પરંતુ, બીજા દિવસે ગૌરવ ગઢવી પાર્સલ લઈ બળદેવભાઈના ઘરે સાડા દસની આસપાસ મોકલ્યો હતો. ગૌરવ પાર્સલ આપી દૂર ઉભો રહી ગયો હતો. ત્યારે બળદેવભાઈએ કહ્યું કે, મેં તો કોઈ પાર્સલ મંગાવ્યું જ નથી. આ રકઝક દરમિયાન રૂપેને રિમોટ વડે બ્લાસ્ટ કરી દીધો. બાદમાં હેતલના પિતા અને ભાઈના પણ આ પ્રકારના હથિયાર વડે મારવાનો પ્લાન હતો.
આ પણ વાંચોઃ અમદાવાદ પાર્સલ બોમ્બ બ્લાસ્ટના આરોપીના ઘરે સર્ચ ઓપરેશન, બોમ્બ બનાવવાની સામગ્રી મળી
ઈગો હર્ટ થતાં રચ્યું ષડયંત્ર
પોલીસે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, આરોપી રૂપણને તેની પત્ની અને ઘરના લોકો નિર્બળ હોવાનો અહેસાસ કરાવતા હતાં. જેથી તે પરિવારમાં એકલો પડી ગયો હતો. તેને માઠું લાગી જતાં દેશી બોમ્બ બનાવી આ રીતે લોકોને મારવાનો પ્લાન કર્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાબરમતી એરિયામાં આવેલા શિવમ રો હાઉસ ખાતે એક પાર્સલમાં બેટરી બ્લાસ્ટની ઘટના બનતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતાં પાર્સલ રિસિવ કરનાર બળદેવભાઈના કાકાનો દીકરો અને પાર્સલ લઈને આવનાર ઘાયલ થતાં લોહી લુહાણ થયા હતા. પાર્સલ લાવનારનો હાથ ફાટી ગયો છે. જેમને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં પોલીસે ગૌરવ ગઢવી નામના યુવકની ધરપકડ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે બ્લાસ્ટમાં IEDનો ઉપયોગ કરાયાની પોલીસને આશંકા છે.
પાર્સલ રિસિવ કરતી વખતે અચાનક ધડાકાભેર બેટરી ફાટતાં મોટો બ્લાસ્ટ થયો હતો. જેના લીધે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો અને બ્લાસ્ટ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ડૉગ સ્ક્વોડ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.