અમદાવાદના નારણપુરામાં પૈસાની લેતીદેતી બાબતે ચાકુ વડે હુમલો કરી હત્યા, બેની ધરપકડ
Ahmedabad Crime: અમદાવાદના નારણપુરામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જૂના 90 હજારના દેવાના વિવાદમાં 26 વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટ નીરવ ભોચિયા પર ચાકુથી જીવલેણ હુમલો કરાયો હતો. નીરવ ભોચિયા સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ મામલે પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે.
શું હતી સમગ્ર ઘટના?
પીડિત નીરવ ભોચિયાએ સમગ્ર ઘટના વિશે વાત કરતા જણાવ્યું કે, 'મેં વિદિતભાઈ નામની વ્યક્તિને 90 હજાર રૂપિયા ઉધાર આપ્યા હતાં. વિદિતે આ પૈસા પોતાના મિત્ર આશિષ ઠક્કરને આપ્યા હતા, જે પૈસા પાછા માંગવા માટે હું ગુરૂવારે (26 ડિસેમ્બર) મારા ત્રણ મિત્રો સાથે વરદાન ટાવર પાસે પૈસા પરત માંગવા ગયો. જો કે, તેઓએ પૈસા પરત આપવાનો ઈનકાર કરી દીધો અને ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું. આ વિવાદ હિંસામાં પરિણમ્યો અને ઝઘડા દરમિયાન મને બે વખત કમરમાં અને એક વખત કમરની ઉપરના ભાગે ડાબી બાજુ ચાકુ મારવામાં આવ્યું હતું. ચાકુ વડે હુમલો કરનાર આશિષ ઠક્કરનો સાથી હતો, જો મને તેને ફોટો બતાવવામાં આવે તો હું તેને ઓળખી જઈશ.'
આ પણ વાંચોઃ વલસાડના ઉદવાડામાં પારસી સાંસ્કૃતિ-વિરાસતનો અનોખો ઉત્સવ: દેશ વિદેશથી ઉમટ્યા પારસીઓ
સ્થાનિકોએ જણાવી હકીકત
આ દરમિયાન સ્થાનિકોએ ટોળે વળી ઝઘડો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન હુમલામાં ઘાયલ નીરવ ભોચિયાને તાત્કાલિક ધોરણે નજીકની સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, હુમલો કરનારે પીડિતને જાહેરમાં અપમાનિત કરવા જાતિવાચક ગાળો પણ બોલી હતી.
આ પણ વાંચોઃ લાલબત્તી સમાન કિસ્સો, મહીસાગરમાં સ્કૂલમાંથી અપાયેલા રમકડાંમાં વિસ્ફોટ, બાળકે ગુમાવી આંખ
પોલીસે હાથ ધરી તપાસ
આ ઘટનાને લઈને તપાસ કરી રહેલાં બી ડિવિઝનના એસપી એચ.એમ કંસગ્રાએ જણાવ્યું કે, અમે મુખ્ય આરોપી આશિષ ઠક્કર અને અંકિત મકવાણાની ધરપકડ કરી લીધી છે. અન્ય આરોપીની શોધખોળ ચાલી રહી છે. હાલ અમે એ વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. હજુ સુધી હુમલાખોરની ચોક્કસ ઓળખ નથી થઈ શકી. નારણપુરા પોલીસે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે, જેમાં હત્યાનો પ્રયાસ, શારીરિક હુમલો અને જાતિ આધારિત અપશબ્દોનો ઉપયોગ કરવો વગેરે સામેલ છે. આ ઘટનામાં સંડોવાયેલા તમામ લોકોની ધરપકડ માટે તપાસ ચાલુ છે.