અમદાવાદવાસીઓ માટે રાહતના સમાચાર: હવેથી નાગરિક સુવિધા કેન્દ્રો સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રહેશે
અમદાવાદ મહાનગરપાલિકાની 7 ઝોનલ ઓફિસ સહિત અલગ અલગ વિસ્તારોમાં 58 જેટલા સિવિક સેન્ટર્સ
નાગરિક સુવિધા કેન્દ્ર (સિવિક સેન્ટર) સવારે 9:30 વાગ્યાથી સાંજના 7:00 વાગ્યા સુધી ખુલ્લા રહેશે
અમદાવાદવાસીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. હવે અમદાવાદ શહેરમાં આવેલા તમામ નાગરિક સુવિધા કેન્દ્ર (સિવિક સેન્ટર) સવારે 9:30 વાગ્યાથી સાંજના 7:00 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. મળતી માહિતી અનુસાર, અમદાવાદ મહાનગરપાલિકાની 7 ઝોનલ ઓફિસ સહિત અલગ અલગ વિસ્તારોમાં 58 જેટલા સિવિક સેન્ટર્સ આવેલા છે. જ્યાં નાગરિકો પ્રોપર્ટ ટેક્સ, જન્મ મરણ સર્ટિફિકેટ, ગુમાસ્તા ધારા સહિતના સર્ટિફિકેટ્સ મેળવવામાં કોઈ મુશ્કેલ ન પડે તે માટે સિવિક સેન્ટર્સનો સમય વધારવાનો નિર્ણય લેવાયો છે.
મહત્વનું છે કે, અમદાવાદમાં નાગરિક સુવિધા કેન્દ્ર સાંજે 4:30 વાગ્યા બાદ બંધ થઈ જતા હતા. જેને લઈને નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો અને તેમની ફરિયાદો મનપા સુધી પહોંચતી ન હતી. ત્યારે હવે નાગરિકોની ફરિયાદો સમયસર મનપા સુધી પહોંચે તે માટે નાગરિક સુવિધા કેન્દ્ર સાંજે 7:00 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. જેના બોર્ડ પણ લગાવવાના આદેશ અપાયા છે.
આ સાથે શહેરના અલગ અલગ વિસ્તારોમાં રોડ સમારકામની કામગીરી ચાલી રહી છે. જે પૈકી 31 ડિસેમ્બર સુધીમાં 85 રોડના કામ પૂરા થશે. કોન્ટ્રાક્ટથી અપાયેલા પે એન્ડ પાર્કિંગના વાહનોના ભાડાની વિગત, કોન્ટ્રાક્ટરના નામ સહિતના બોર્ડ લગાવવા ફરજિયાત કરાયા છે. શહેરના તમામ વોર્ડમાં મહિનામાં વોર્ડ કમિટીની બેઠક યોજીને નાયબ મનપા કમિશ્નરને મોનિટરિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે મોનિટરિંગનો રિપોર્ટ પણ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવાના આદેશ કરાયા છે.