અમદાવાદમાં સાઇનબોર્ડ પડતાં બાળકનો હાથ ભાંગી ગયો, સદનસીબે પરિવારનો જીવ બચ્યો
Signboard fell in Ahmedabad: અમદાવાદ શહેરમાં બિલ્ડીંગો અને રસ્તાના કિનારે મોટા મોટા સાઇનબોર્ડ અને જાહેરાતોના હોર્ડિંગ લગાવેલા છે. આ હોર્ડિંગ અને સાઇનબોર્ડનું સ્ટ્રક્ચરની મજબૂતી સામે સવાલો ઉભા થયા છે. કારણ કે શહેરના કાંકરિયા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગાવેલું સાઇનબોર્ડ ધરાશાયી થતાં ટુ વ્હીલર પર જઇ રહેલા પરિવારને અકસ્માતનો ભોગ બન્યો છે. આ અકસ્માતમાં બાળક સહિત ત્રણ લોકોને ઇજા પહોંચી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કાંકરિયા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુખ્ય રોડ પર સાઇન બોર્ડ લગાવેલું છે. જે અચાનક ધરાશાયી થઇ ગયું હતું. આ દરમિયાન ત્યાંથી ટુ વ્હીલર પર પસાર થઇ રહેલા એક પરિવાર પર આ સાઇનબોર્ડ પડ્યું હતું. જેના લીધે એક બાળકોનો હાથ ભાંગી ગયો હતો, જ્યારે અન્ય બે લોકોને ઇજા પહોંચી હતી. અચાનક સાઇન બોર્ડ તૂટી પડતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. પરિવારના સભ્યોને હોસ્પિટલ ખસેડ્યા હતા.
સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી. જોકે કોઇ જાનહાનિ થઇ હોત તો કોણ જવાબદાર હોત? સાઇનબોર્ડની મજબૂતી સહિતના અનેક સવાલો મ્યુનિસિપલ કોર્પોરેશનની સામે થઇ રહ્યા છે. સામાન્ય પવનમાં સાઇનબોર્ડ ધરાશાયી થઇ ગયું હતું. જો શહેરમાં ભારે પવન ફૂંકાય તો અમદાવાદમાં ઠેર-ઠેર લાગેલા મોટા મોટા હોર્ડિંગ અને સાઇનબોર્ડ તૂટી શકે છે અને મોટી જાનહાનિ પણ સર્જાઇ શકે છે.
થોડા મહિના અગાઉ મુંબઇમાં સાઇનબોર્ડ ધરાશાયી થતાં 14 લોકોના મોત થયા હતા જ્યારે 50થી વધુ ઘાયલ થયા હતા. જો સમયસર ચકાસણી કરવામાં ન આવે તો મુંબઇવાળી અમદાવદમાં થાય તેમાં કોઇ નવાઇ નથી. હવે જોવાનું એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને એલર્ટ થાય છે કે પછી કોઇ મોટી દુર્ઘટના સર્જાઇ તેની રાહ જોશે.