મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે જમીન ખરીદીની પ્રક્રિયા 100% પૂર્ણ, ખર્ચ થયો રૂ.10,000 કરોડ

મહારાષ્ટ્રમાં પણ અત્યાર સુધીમાં 99 ટકા જેટલી જમીન ખરીદી પૂર્ણ થઈ ગઈ હોવાનો ખુલાસો

આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1.08 લાખ કરોડ, જમીન ખરીદીમાં વિલંબથી પ્રોજેક્ટ મોડું પૂરું થશે

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે જમીન ખરીદીની પ્રક્રિયા 100% પૂર્ણ, ખર્ચ થયો રૂ.10,000 કરોડ 1 - image

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને (Ahmedabad Mumbai Bullet train Project) લઈને એક મોટા અહેવાલ સામે આવ્યા છે. માહિતી અનુસાર દેશની પ્રથમ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં સરકારને ખાનગી જમીન સંપાદનની (Bullet Train land acquisition) કામગીરીમાં 10000 કરોડની માતબર રકમનો ખર્ચ થયો છે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડએ દાવો કર્યો છે કે 1.08 લાખ કરોડના આ પ્રોજેક્ટ માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં 100 ટકા જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જોકે આ પ્રોજેક્ટમાં મહારાષ્ટ્ર પણ ભાગીદાર હોવાથી ત્યાં કેટલા ટકા જમીનનું સંપાદન પૂરું થયું છે એ પણ જાણવું જરૂરી છે. 

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન ખરીદીનો ખર્ચ કેટલો?   

માહિતી અનુસાર બુલેટ ટ્રેનમાં જે જમીન સંપાદન કરાઈ છે તેમાં ગુજરાતની ખાનગી જમીન પેટે 8215 કરોડ તેમજ મહારાષ્ટ્રની 2284 કરોડ ખર્ચ થવાનો અંદાજ હતો પરંતુ બંને રાજ્યોની જમીન કુલ મળીને 10 હજાર કરોડના ખર્ચે ખરીદવામાં આવી છે. ગુજરાતમાં ખાનગી જમીનના માલિકોને પ્રતિ હેક્ટર 6 કરોડથી લઈને 6.5 કરોડ રૂ. ચૂકવાયા છે. 

મહારાષ્ટ્રમાં કેટલા જમીનનું સંપાદન પૂર્ણ થયું? 

NHSRCL એ જણાવ્યું કે, તેણે ગુજરાતમાં 951.14 હેક્ટર જમીનનું 100 ટકા સંપાદન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આમાં રાજ્યના આઠ જિલ્લાઓમાં ફેલાયેલી 6,336 ખાનગી જમીનનો સમાવેશ થાય છે. NHSRCL એ જણાવ્યું કે, પડોશી મહારાષ્ટ્રમાં પણ 99.83 ટકા જમીન સંપાદન પૂર્ણ થઈ ગયું છે. 

જમીન સંપાદનમાં મોડું થતાં પ્રોજેક્ટ પૂરું થવામાં વિલંબ  

ઉલ્લેખનીય છે કે જમીન સંપાદનની કામગીરીમાં વિલંબ થવાને કારણે આ પ્રોજેક્ટને પૂર્ણ થવામાં ત્રણથી ચાર વર્ષનો વધુ સમય લાગી રહ્યો છે. હવે એવું કહેવાય છે કે આગામી 2026માં તેનો પ્રથમ તબક્કો શરૂ કરાશે તેવી શક્યતા છે. 12 ફેબ્રુઆરી 2016ના રોજ નેશનલ હાઈસ્પીડ રેલ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. 



Google NewsGoogle News