આવતીકાલે 13 ડિસેમ્બરે અમદાવાદ પૂર્વમાં મેટ્રો ટ્રેન 3 કલાક બંધ રાખવાનો નિર્ણય, જાણો શું છે કારણ
અમદાવાદ,તા. 12 ડિસેમ્બર 2023, મંગળવાર
અમદાવાદ મેટ્રો હવે પૂર્વ અને પશ્ચિમને જોડનારી જીવાદોરી બની ગઈ છે. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ મેટ્રો રેલ સેવા શરુ કરવામાં આવી હતી. અમદાવાદ મેટ્રો, અમદાવાદના નાગરિકો માટે એક સારી સુવિધા પુરી પાડે છે. લોકોએ ટુ-વ્હીલર, રીક્ષા, કાર જેવા વાહનોની સામે હવે સલામત અને અનુકૂળ મુસાફરીને કારણે મેટ્રોમાં સવારી કરવાનું પસંદ કરે છે.
હાલમાં, અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સેવાઓ સવારે ૬:૨૦ કલાકથી રાત્રે ૧૦:૦૦ કલાક સુધી કાર્યરત છે. આવનારા દિવસોમાં કાંકરીયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન ટુંક સમયમાં ચાલુ થવાનું છે.
મળતી માહિતી પ્રમાણે ૧૩ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ મેટ્રો રેલ સુરક્ષા કમિશનર ઈસ્ટ-વેસ્ટ કોરિડોર (વસ્ત્રાલ ગામ થી થલતેજ)નું નિરીક્ષણ કરવામાં આવશે. મેટ્રો રેલ સુરક્ષા કમિશનરનાં નિરીક્ષણ માટે ૧૩ ડિસેમ્બર, ના રોજ ઈસ્ટ-વેસ્ટ કોરિડોર (વસ્ત્રાલ ગામથી થલતેજ) મેટ્રો ટ્રેન સેવાઓ બપોરે ૦૨:૦૦ કલાકથી સાંજે ૦૫:૦૦ કલાક દરમિયાન સ્થગિત રહેશે.
માત્ર ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં બંને ટર્મિનલ સ્ટેશન (વસ્ત્રાલ ગામ અને થલતેજ)થી છેલ્લી મેટ્રો ટ્રેન પ્રસ્થાનનો સમય બપોરે ૦૧:૦૦ કલાકનો રહેશે. સાંજે ૦૫:૦૦ કલાકથી મેટ્રો ટ્રેન સેવાઓ ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં હાલના સમયપત્રક મુજબ ઉપલબ્ધ થશે.
નોર્થ-સાઉથ કોરિડોર (એ.પી.એમ.સી. થી મોટેરા સ્ટેડિયમ) પર ટ્રેન સેવાઓ હાલના સમયપત્રક મુજબ આખો દિવસ ચાલુ રહેશે.