દિવાળીના એક દિવસ માટે અમદાવાદ મેટ્રોના સમયમાં કરાયો ફેરફાર, આ કારણથી લેવાયો નિર્ણય
Ahmedabad Metro Time Change for Diwali Day : હિન્દુઓના પવિત્ર તહેવાર એવા દિવાળીની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને મેટ્રો સેવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિવાળીના દિવસે એટલે કે 31 ઓક્ટબર 2024ના રોજ સાંજે 7 વાગ્યા સુધી જ મેટ્રો સેવા ચાલુ રહેશે. આ નિર્ણય ફટાકડા ફોડવા અને તેની મુસાફરોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: સુરતના હીરા વેપારીઓની દિવાળી બગડી, બેલ્જિયમની પેઢીએ નોંધાવી રૂ. 142 કરોડની નાદારી
મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં લઈને કરાયો આ નિર્ણય
ઉલ્લેખનીય છે કે, હાલમાં અમદાવાદ મેટ્રોની સેવાનો સમય સવારે 6.20 થી રાત્રીના 10.00 કલાક સુધીનો છે. પરંતુ દિવાળીના તહેવારની ઉજવણી દરમિયાન જાહેરમા ફટાકડા ફોડવા અને તેની સંભવિત અસરો તથા મુસાફરોની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈને માત્ર દિવાળીના દિવસ માટે મેટ્રોનો સમય સવારે 6.20 થી સાંજે 7 વાગ્યા સુધીનો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
બંને કોકિડોરમાં છેલ્લી ટ્રેન સાંજે 7.00 વાગ્યે ઉપડશે
તેથી અમદાવાદમાં તમામ ટર્મિનલ સ્ટેશન એટલે કે, મોટેરા સ્ટેડિયમ, APMC, વસ્ત્રાલ ગામ અને થલતેજની બંને કોકિડોરમાં છેલ્લી ટ્રેન ઉપડવાનો સમય સાંજે 7.00 વાગ્યાનો રહેશે. અત્રે નોંધ લેશો કે ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનની સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.