અમદાવાદ મેટ્રોના બે વર્ષ પૂર્ણ, 65 કરોડની આવક સામે 321 કરોડ રૂપિયાની ખોટ
Two Years Of Ahmedabad Metro completed: અમદાવાદમાં મેટ્રો રેલના પ્રારંભને બે વર્ષ પૂરા થયા છે. 30મી સપ્ટેમ્બર 2022ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વસ્ત્રાલથી થલતેજ અને એપીએમસીથી મોટેરા રૂટનું ઉદ્ઘાટન કરાયું હતું. મેટ્રો રેલ અનેક નાગરિકો માટે હવે 'લાઇફ લાઇન' સમાન બની ગઈ છે. અલબત્ત, હજુ પણ ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશન માટે મેટ્રો રેલ સફેદ હાથી પાળવા સમાન પુરવાર થઈ રહ્યું છે. નાણાકીય વર્ષ 2022-23માં 321 કરોડ રૂપિયાની ખોટ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન(GMRC)ને થયેલી છે.
વર્ષ 2021-22માં 465 કરોડ રૂપિયાની ખોટ થઈ
જીએમઆરસીને વર્ષ 2022-23માં પ્રતિ દિવસે સરેરાશ 87 લાખ રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું છે. અલબત્ત વર્ષ 2021-22ની સરખામણીએ ખોટમાં ઘટાડો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2021-22માં 465 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. હવે નવા રૂટ અને વધતાં મુસાફરોને પગલે ખોટની આ રકમ દર વર્ષે ઘટવા લાગે તેવી પૂરી સંભાવના છે.
આ પણ વાંચો: કેન્દ્ર સરકારે પૂર અસરગ્રસ્ત ગુજરાત સહિત ત્રણ રાજ્યોને આપ્યું મોટું રાહત પેકેજ, ગુજરાતને આપ્યા આટલા કરોડ
મેટ્રો રેલ અનેક નાગરિકો માટે હવે લાઇફ લાઇન' સમાન બની ગઈ છે. ટુ વ્હિલરની સરખામણીએ મેટ્રોમાં મુસાફરીથી સમયમાં 35થી 40 મિનિટની જ્યારે ખિસ્સાને 50 રૂપિયા સુધીની બચત થાય છે. ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી થલતેજ સુધી વાહનમાં અંદાજે 26 કિલોમીટર જ્યારે મેટ્રોમાં એક રૂપિયા કિલોમીટરનું અંતર થાય છે. આ જ રીતે નોર્થ વેસ્ટ કોરિડોરમાં એપીએમસીથી મોટેરાનો મેટ્રોમાં રૂટ અંદાજે 18 કિલોમીટર છે.
જીએમઆરસીના સૂત્રોના જણાવ્યાનુસાર, ઑક્ટોબર 2022થી ઑગસ્ટ 2024 સુધી મેટ્રોમાં દરરોજ સરેરાશ 72514 મુસાફરોથી 8.88 લાખ રૂપિયાની આવક થઈ છે. આ વર્ષે જાન્યુરીથી ઑગસ્ટ સુધી મેટ્રોમાં 2.31 કરોડ મુસાફરો નોંધાયા છે જ્યારે 27.47 કરોડ રૂપિયાની આવક થઈ છે. જેની સરખામણીએ ગત વર્ષે 2.53 કરોડ મુસાફરો નોંધાયા હતા.
મેટ્રો રેલ અનેક માટે હવે લાઇફ લાઇન પણ સુવિધામાં હજુ કચાશ
•મેટ્રો સ્ટેશનની આસપાસ પાર્કિંગની સુવિધાનો અભાવ છે. જેના કારણે અનેક વાહનચાલકો મેટ્રોના સ્થાને પોતાના વાહન ઉપર જ નાછૂટકે પસંદગી ઉતારે છે.
•મેટ્રોથી પણ યોગ્ય ફીડર કનેક્ટિવિટી નથી. જેના કારણે પણ અનેક લોકો મેટ્રોમાં મુસાફરી કરવાનું ટાળે છે. મેટ્રો સ્ટેશન પાસે જ અન્ય સ્થળે જવા પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા હોય તો મુસાફરો હજુ વધી શકે.
અમદાવાદ-ગાંધીનગર વચ્ચે બે સપ્તાહમાં ૫૫ હજાર મુસાફરો
બે સપ્તાહ અગાઉ મોટેરાથી મહાત્મા મંદિર કોરિડોરના આંશિક રૂટનું ઉદ્ઘાટન કરાયું હતું. જ્યારે જીએનએલયુથી ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડી રહી છે. 14 દિવસમાં 56 હજાર જેટલા મુસાફરોએ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રોમાં મુસાફરીએ કરી છે.