Get The App

કોલ્ડપ્લે કોન્સર્ટ મેટ્રોને ફળી, મુસાફરોની સંખ્યાનો બનાવ્યો નવો રૅકોર્ડ, IPL, વર્લ્ડકપનો રૅકોર્ડ તોડ્યો

Updated: Jan 27th, 2025


Google NewsGoogle News
કોલ્ડપ્લે કોન્સર્ટ મેટ્રોને ફળી, મુસાફરોની સંખ્યાનો બનાવ્યો નવો રૅકોર્ડ, IPL, વર્લ્ડકપનો રૅકોર્ડ તોડ્યો 1 - image


Ahmedabad Metro Record : ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશન(જીએમઆરસી)એ 25મી અને 26મી જાન્યુઆરી 2025ના રોજ એક મહત્ત્વપૂર્ણ રૅકોર્ડ બનાવ્યો છે. આ દરમિયાન અમદાવાદ મેટ્રોના ઇતિહાસમાં સૌથી વધુ મુસાફરોની સંખ્યા નોંધાઈ હતી. 25મી જાન્યુઆરીએ આશ્ચર્યજનક રીતે 2,13,735 મુસાફરો અને 26મી જાન્યુઆરીએ 1,91,529 મુસાફરોએ મેટ્રોની સેવાનો લાભ લીધો હતો. કોલ્ડપ્લે કૉન્સર્ટ દરમિયાન છેલ્લા અઠવાડિયામાં શનિવાર અને રવિવારની સરખામણીમાં દરરોજ લગભગ 1 લાખ લોકોએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ દિવસોમાં દરરોજ 50,000 વધારાના મુસાફરોએ અવર-જવર માટે મેટ્રોનો ઉપયોગ કર્યો હતો. 

મુસાફરીનો રૅકોર્ડ બ્રેક આંકડો નોંધાયો

25 અને 26 જાન્યુઆરી 2025 દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલા કૉન્સર્ટમાં કુલ 4,05,264 મુસાફરીનો રૅકોર્ડ બ્રેક આંકડો નોંધાયો હતો. નોંધનીય છે કે GMRCએ અમદાવાદ મેટ્રો(મોટેરાથી APMC અને વસ્ત્રાલથી થલતેજ ગામ)માં મેટ્રો ટ્રેન સેવાને રાત્રે 12:30 વાગ્યા સુધી લંબાવી હતી. કૉન્સર્ટ માટે દર આઠ મિનિટે મેટ્રો ટ્રેનો દોડાવવામાં આવી હતી. 

કોલ્ડપ્લે માટે વધારાની ટ્રીપ

અમદાવાદ મેટ્રો દ્વારા નિયમિત 313 મેટ્રોની ટ્રીપ ઉપરાંત 25 જાન્યુઆરીએ 93 વધારાની ટ્રેન ટ્રીપો દોડાવવામાં આવી હતી, જ્યારે 26મી જાન્યુઆરીએ 114 વધારાની ટ્રીપ દોડાવવામાં આવી હતી. 

કોલ્ડપ્લે કોન્સર્ટ મેટ્રોને ફળી, મુસાફરોની સંખ્યાનો બનાવ્યો નવો રૅકોર્ડ, IPL, વર્લ્ડકપનો રૅકોર્ડ તોડ્યો 2 - image

અગાઉના તમામ રૅકોર્ડ તૂટ્યા

કોલ્ડપ્લે કૉન્સર્ટે 2023ના આઇસીસી વર્લ્ડ કપ મેચો અને 2024ની આઇપીએલ ફાઇનલ જેવી મોટી ક્રિકેટ ઇવેન્ટ્સ દરમિયાન નોંધાયેલા અગાઉના મુસાફરોના રૅકોર્ડને પાછળ છોડી દીધા હતા. ઉદાહરણ તરીકે, 14મી ઑક્ટોબર 2023ના રોજ ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચમાં 1,42,972 મુસાફરો નોંધાયા હતા, જ્યારે 22મી મે 2024ના રોજ આઇપીએલ ફાઇનલમાં 1,65,504 મુસાફરો નોંધાયા હતા. 

સંકલનથી સંચાલનને મળી સફળતા

રાજ્ય સરકાર, અમદાવાદ મહાનગરપાલિકા, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સાથે મળીને, જીએમઆરસીએ સુરક્ષા પગલાં અમલમાં મૂક્યા હતા. કૉન્સર્ટ જોવા માટે દેશ-વિદેશમાંથી ઉમટી પડેલી ભીડનું યોગ્ય સંચાલન અને ઇવેન્ટ આયોજકો સાથેના સંકલનની ખાતરી આપી હતી. આટલી મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હોવા છતાં કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. 

જીએમઆરસીનું નિવેદન

જીએમઆરસી પ્રવક્તાએ સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા સહકાર માટે આભાર વ્યક્ત કર્યો હતો, કે 'આ સીમાચિહ્ન શહેરી પરિવહનમાં અમદાવાદ મેટ્રોના વધતાં મહત્ત્વ અને મોટી ઇવેન્ટ્સને અસરકારક રીતે મેનેજ કરવાની તેની ક્ષમતાને દર્શાવે છે. અમે તમામ મુસાફરોનો તેમના સહકાર માટે આભાર માનીએ છીએ'. 


Google NewsGoogle News