અડાલજ નજીક કમકમાટીભર્યો અકસ્માત: ST બસે ટક્કર મારતાં રિક્ષામાં સવાર મુસાફરનું ઘટનાસ્થળે મોત
ST Bus Accident: 'એસ.ટી અમારી સલામત' સવારી અન્ય વાહન ચાલકો માટે અસલામત બનતી જોવા મળી રહી છે. અમદાવાદ-મહેસાણા હાઇવે પર અડાલજ ટોલટેક્સ નજીક એસ.ટી બસ ચાલકે રિક્ષાને અડફેટે લેતાં ભયાનક અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતથી રિક્ષામાં બેઠેલાં મુસાફરોનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ સિવાય પોલીસે અકસ્માતની ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ તરફનો રસ્તો અસ્થાયીરૂપે બંધ કર્યો છે.
આ પણ વાંચોઃ મહેસાણામાં રક્ષક જ ભક્ષક બની, પોલીસ વાને અડફેટે લેતાં યુવકનું કમકમાટીભર્યું મોત
શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદ-મહેસાણા હાઇવે પર અડાલજ ટોલટેક્સ પાસે એસ.ટી બસે રિક્ષાને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલો મુસાફર પડી ગયો અને બસના ટાયર બંને મુસાફરોને કચડીને આગળ વધી ગયાં. બસ નીચે કચડાવાથી મુસાફરનો દેહ ક્ષત વિક્ષત થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં 108 અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો અને આ ઘટના વિશે તપાસ હાથ ધરી હતી.
અકસ્માતની ગંભીરતા અને મૃતદેહની હાલત જોતા પોલીસે અસ્થાયી રૂપે મહેસાણા અડાલજ ટોલટેક્સથી અમદાવાદ જતો રસ્તો અસ્થાયી રૂપે બંધ કરવો પડ્યો હતો. હાલ, પોલીસે મૃતકની ઓળખ કરવાની કામગીરી હાથ ધરી છે.