અમદાવાદના ઓઢવ બ્રિજ નીચે લાગી ભીષણ આગઃ પોલીસે ડિટેઇન કરેલા સહિત 33 વાહનો બળીને ખાક
Ahmedabad Fire: અમદાવાદ રીંગરોડ પર ઓઢવ બ્રિજ નીચે સોમવારે સવારે વાહનોમાં આગ લાગી હતી, જ્યાં ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરેલા વાહનો મૂકવામાં આવ્યા હતાં. વહેલી સવારે લાગેલી આ આગના કારણે 33 ટુ વ્હીલર અને 2 ગાડીઓ બળીને ખાક થઈ ગઈ હતી. આ વાહનોમાંથી 22 વાહનો પોલીસ દ્વારા ડિટેઇન કરાયેલા હતાં અને 11 વાહન અન્ય લોકોના પાર્ક કરેલા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી.
આ પણ વાંચોઃ સરકારે ખેડૂતોને કોણીએ ગોળ ચોટાડ્યો, પાકધિરાણ રૂ.5 લાખ આપવા નિર્ણય પરંતુ કોઈ પરિપત્ર નહીં
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, અમદાવાદના ઓઢવ બ્રિજ નીચે વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા વાહનો પાર્ક કરવામાં આવ્યા હતાં. અચાનક આ વાહનોમાં આગ લાગવાથી ફાયર બ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લેવાયો છે. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી મળી. પરંતુ, ડિટેઇન કરેલાં 22 વાહનો બળીને ખાક થઈ ગયા છે.
આગ લાગવાનું કારણ અકબંધ
સમગ્ર ઘટનાની જાણ થતાં ઓઢવ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ ઓલવાયા બાદ પોલીસ વિભાગ દ્વારા આગ કેવી રીતે લાગી તે વિશે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઓઢવ નોંધનીય છે કે, હજુ સુધી આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું.