અમદાવાદમાં તળાવોના વિકાસ પાછળ 15 વર્ષમાં 100 કરોડનો ધૂમાડો છતાં હાલત અત્યંત બદતર!
દક્ષિણ અને મધ્યઝોનમાં તળાવોના વિકાસમાં એએમસી આળસું સાબિત થઇ
Ahmedabad Municipality lake news | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના વિવિધ વિસ્તારમાં આવેલા તળાવના વિકાસ પાછળ પંદર વર્ષમાં રૂપિયા 100 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમ છતાં મોટાભાગના તળાવોમાં ગંદકી અને બદતર હાલત જોવા મળી રહી છે. દક્ષિણ અને મધ્યઝોનમાં એક પણ તળાવનો વિકાસ પંદર વર્ષના સમયગાળામાં કરવામાં આવ્યો નથી. અમદાવાદના અનેક તળાવો અત્યારે શોભાના ગાંઠીયા જેવા સૂકાંભઠ જોવા મળી રહ્યા છે. ઉનાળાની હજુ શરૂઆત થઈ નથી ત્યાં શહેરના અનેક તળાવો પાણી વગરના ખાલી જોવા મળી રહ્યા છે. મેમનગર ગામ નજીક વિવેકાનંદ સર્કલ નજીકનું આ તળાવ સૂકાયેલું છે ત્યારે બાળકો તળાવ વચ્ચેના બંધ કુવારા પર રમત રમી રહ્યા છે. એક પછી એક તળાવનો વિકાસ અને લોકાર્પણ થઈ રહ્યા છે ત્યારે જુના અનેક તળાવો બિસ્માર હાલતમાં રમતના મેદાનની ગરજ સારી રહ્યા છે.
અમદાવાદ અલગ અલગ વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તળાવ ડેવલપ કરવા કોન્ટ્રાક્ટ આપી કામગીરી કરવામાં આવી હોય છે. કોઈપણ તળાવને કોન્ટ્રાક્ટ આપી ડેવલપ કરવા કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યા બાદ લાયાબીલીટી પિરીયડ માત્ર એક વર્ષનો જ રાખવામાં આવતી હોય છે. આમ એક વર્ષ બાદ તળાવને કોઈપણ સમસ્યા થાય તો સમસ્યાના સંદર્ભમાં કામગીરી કરાવવા વધુ ખર્ચ મ્યુનિ. તંત્રએ કરવો પડે છે. શહેરના સાત ઝોન પૈકી દક્ષિણ ઝોનમાં એક પણ તળાવનો વિકાસ પંદર વર્ષમાં કરવામાં આવ્યો નહીં હોવાની વિગત દરિયાપુરના કોર્પોરેટરને આપવામાં આવી છે. તળાવ વિકાસની કામગીરીમાં વોક-વે, ગાર્ડન, રમતગમતના સાધન ઉપરાંત યુટીલીટીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતી હોય છે. આમ છતાં નરોડા વોર્ડમાં આવેલા કારીઆ લેકમાં કામગીરી કરવામાં આવી નથી.
વસ્ત્રાપુર તળાવ રિનોવેશન માટે ઓગસ્ટ સુધી બંધ
ઉત્તર-પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં આવેલા વસ્ત્રાપુર તળાવને રીનોવેશન કામગીરી માટે ઓગસ્ટ-૨૦૨૪ અંત સુધી લોકો માટે બંધ કરવામાં આવ્યુ છે. તળાવ રીનોવેશન ઉપરાંત ગાર્ડન ડેવલપ કરવા રૂપિયા ૧૦ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે.