ખ્યાતિ ગ્રૂપનું કારસ્તાનઃ અમદાવાદમાં 6,00,000 વાર જમીનના પૈસા લીધા, દસ્તાવેજ ના કર્યા
Khyati Hospital Owner Land Scam: ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY યોજનાનો ગેરલાભ લઈને બે લોકોને મોતને ઘાટ ઉતાર્યાની વાત હવે બધાની સામે આવી ગઈ છે. જેને લઈને ખ્યાતિ હોસ્પિટલના અધિકારીઓ, તબીબો અને સત્તાધીશો સામે કડક કાર્યવાહીની વાત પણ કરવામાં આવી રહી છે. તપાસનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે. ત્યારે હવે ખ્ચાતિ હોસ્પિટલ અને તેના માલિકના એક પછી એક અન્ય કાંડ પણ સામે આવી રહ્યાં છે. પહેલાં ખ્યાતિ હોસ્પિટલમાં જ આ અગાઉ આચરવામાં આવેલું આવું જ કૃત્ય સામે આવ્યું, જેમાં પણ પરિવારજનોની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરી દેવાથી દર્દીના મોત નિપજ્યા હતાં. જોકે, હવે ખ્યાતિ ગ્રુપના માલિક કાર્તિક પટેલનું જમીન કૌભાંડ પણ સામે આવ્યું છે.
700 થી 900 કરોડનું જમીન કૌભાંડ
ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટીના ડૉક્ટર કાર્તિક પટેલે ભાડજ પાસે છ લાખ વાર જમીનમાં 650 પ્લોટની સ્કીમ મૂકીને કોરાણકારો પાસે કરોડો રૂપિયા પડાવી લીધા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સાંતેજની ભાગોળે ધી પાર્ક લેન્ડ એવન્યુમાં 650 પ્લોટની સ્કીમમાં જમીન ખરીદનારાઓ પાસે પૈસા લઈ લીધા છે, પરંતુ તેમને દસ્તાવેજ કરી આપ્યા નથી. જેમાં સહકારી મંડળીના કાયદાનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ રીતે કાર્તિક પટેલે 700 થી 900 કરોડનું કૌભાંડ આચર્યું છે.
આ પણ વાંચોઃ ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે મોટો ધડાકો, ભાજપ નેતાની ભાગીદારી નીકળી, આરોપીઓ છટકી જશે!
સહકારી રજિસ્ટ્રારે પકડી પાડી ગેરરીતિ
જમીન કૌભાંડમાં સહકારી રજિસ્ટ્રારે કાર્તિક પટેલની ગેરરીતિઓ પકડી પાડી હતી. પૂર્વ સહકાર કમિશનર કમલ શાહ દ્વારા જમીનની ખરીદી માટે નાણાં ચૂકવનાર દરેકને દસ્તાવેજ કરી આપીને પ્લોટની ફાળવણી કરવાની સૂચના આપવામાં આવી હતી.
અમદાવાદના કલેક્ટરને પણ આ સંદર્ભમાં પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, કાર્તિક પટેલે પ્લોટની ફાળવણી અને વિભાજનમાં પણ ગપલાં કર્યાં હતાં. રિયલ એસ્ટેટમાં પણ તેણે મધ્યમ વર્ગના રોકાણકારોના નાણાં ડૂબાડ્યા હતાં. જોકે સત્તાધીશો દ્વારા કાર્તિક પટેલ સામે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.