ક્યારે મળશે ન્યાય? નીતિન પટેલ ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા; ડાયરેક્ટર-ચેરમેન અને તબીબો ભૂગર્ભમાં
Ahmedabad Khyati Hospital Controversy: અમદાવાદના એસ.જી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલ ખાતે બે દર્દીના મોતથી દર્દીના પરિવારજનોએ હોબાળો કર્યો હતો. દર્દીઓના પરિવારજનોનો આરોપ છે કે, પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને દર્દીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતાં, જેના કારણે દર્દીના મોત નિપજ્યા છે. આ વિશે આરોગ્ય મંત્રીએ પણ કડક પગલાંની વાત કરી છે. ત્યારે હવે હોસ્પિટલમાંથી જવાબદાર તબીબો તેમજ ચેરમેન ભૂગર્ભમાં જતાં રહ્યાં છે. હોસ્પિટલમાંથી કોઈપણ સત્તાધીશો દ્વારા સ્પષ્ટ જવાબ આપવામાં નથી આવી રહ્યો. આ સાથે જ દર્દીઓના પરિવારજનોએ જે આરોપ લગાવ્યો છે તેનો પણ હજુ હોસ્પિટલ દ્વારા ખંડન નથી કરાયું. હાલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હોસ્પિટલ પહોંચી સમગ્ર ઘટના વિશે માહિતી મેળવી રહ્યાં છે.
હોસ્પિટલના સત્તાધીશો ભૂગર્ભમાં
આ ઘટના બાદ હોસ્પિટલમાંથી જવાબદાર તબીબો ગાયબ છે. સારવાર કરનાર ડૉક્ટર પ્રશાંત વજીરાને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ ડૉક્ટર અલગ-અલગ ખ્યાતનામ હોસ્પિટલમાં સારવાર કરવા જાય છે તેવો પણ ખુલાસો થયો છે. જોકે, હજુ સુધી હોસ્પિટલ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં નથી આવ્યું. હોસ્પિટલના ડાયરેક્ટર અને ચેરમેન હજુ સુધી હોસ્પિટલ પહોંચ્યા નથી. આ સિવાય તેમની સાથે કોઈ સંપર્ક પણ નથી થઈ રહ્યો. આ સિવાય હોસ્પિટલ દ્વારા જે પાંચ જેટલાં દર્દીઓ હજુ ICU માં ગંભીર હાલતમાં છે તેમની સાથે બંધ બારણે બેઠક કરવામાં આવી રહી છે. જો કે આ દર્દીના પરિવારજનો સાથે શું વાતચીત કરવામાં આવી રહી છે તે હજુ સુધી જાણ થઈ શકી નથી.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી પહોંચ્યા હોસ્પિટલ
સોમવારે બે દર્દીઓના મોત બાદ પણ હોસ્પિટલ દ્વારા કોઈ યોગ્ય જવાબ ન મળતાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. નીતિન પટેલ દ્વારા સમગ્ર બાબતે માહિતી મેળવવામાં આવી રહી છે.
શું છે સમગ્ર બનાવ?
મહેસાણાના કડીમાં ફ્રી કેમ્પ હોસ્પિટલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવવામાં આવ્યા હતાં. જ્યાં તમામ દર્દીની જાણ વિના એન્જિયોપ્લાસ્ટી કરી સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતાં. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીના મોત નિપજ્યા હતા, જ્યારે પાંચ દર્દીઓ ગંભીર હાલતમાં છે.
આ પણ વાંચોઃ વાઘોડિયામાં કંપનીની ઉંચી દિવાલ પરથી પટકાયેલા યુવાનનું મોત
પરિવારજનનો આરોપ
પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, હોસ્પિટલને મા કાર્ડનો દુરૂપયોગ કરી પૈસા પડાવવા માટે અમારી જાણ બહાર દર્દીને સ્ટેન્ટ મૂકી દીધું હતું. જેના કારણે દર્દીનું મોત થયું છે. દર્દીના મોતથી પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી વિરોધ કર્યો હતો.
આરોગ્ય મંત્રીએ આપ્યા તપાસના આદેશ
આ વિશે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ X પર પોસ્ટ કરી તપાસના આદેશ આપ્યા છે. ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું, 'અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે. PMJAY-મા યોજના હેઠળના રાજ્ય એન્ટિ-ફ્રોડ યુનિટ (SAFU)ને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.'