દર્દીઓના મોતના જવાબદાર ભગવાન છે... 'જીવલેણ' બનેલી ખ્યાતિ હોસ્પિટલના સત્તાધીશોના ઉડાઉ જવાબ
Khyati Hospital Controversy: અમદાવાદમાં એસ.જી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં પરિવારજનોની જાણ બહાર દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવાની ઘટનામાં બે લોકોના મોત થઈ ચૂક્યા છે. આ ઘટના પછી આરોગ્ય મંત્રીએ પણ તપાસના આદેશ આપી દીધાં છે. ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર રાજેન્દ્ર ખાબોટે તો દર્દીઓના મોત માટે ભગવાનને જવાબદાર ઠેરવી દીધા છે. આમ CEO અને ડિરેક્ટરે બેશરમ થઈને લૂલો બચાવ કરતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.
હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતે હાથ ઊંચા કરી દીધા
ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ‘10 નવેમ્બર કડીના બોરીસણા ગામમાં સરપંચના સહયોગથી મહાદેવ મંદિરે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. તેમાં 100 જેટલાં દર્દીઓને આરોગ્ય સેવાનો લાભ અપાયો હતો. તે પૈકી 20 જેટલાં દર્દીઓને આગળ ત્વરિત સારવારની જરૂર હોવાથી અમારી હોસ્પિટલ આવવાની સલાહ અપાઈ હતી અને પછી તેઓ તેમની મરજીથી જ હોસ્પિટલ આવ્યા હતા.’
અમે પરિવારજનોને સાંત્વના આપીએ છીએ
ચિરાગ રાજપૂતે કહ્યું કે, ‘અહીં આવ્યા બાદ કાર્ડિયોલોજિસ્ટ દ્વારા તેમના એસેસમેન્ટ રિપોર્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં સારવાર અર્થે તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી. તેમાંથી જરૂર પડ્યે સાત દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાંથી ક્રિટિકલ કન્ડિશનના કારણે બે દર્દીઓના મૃત્યુ થયા હતાં. જેના માટે અમે તેમના પરિવારજનોને સાંત્વના પાઠવીએ છીએ. પોલીસ હાલ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને તપાસમાં અમારા તરફથી બને એટલો સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે.’
અમે કોઈને જબરદસ્તીથી અહીં નહોતા લાવ્યા
ખ્યાતિ હોસ્પિટલના CEOએ બેજવાબદાર વાત કરતા જણાવ્યું છે કે, ‘કોઈ પણ દર્દીને અહીં જબરદસ્તીથી નહોતા લવાયા. આ તમામ દર્દીઓ પોતાની મરજીથી જ અહીં આવ્યા હતાં. હાલ તમામ દર્દીની સારવાર પણ પૂર્ણ થઈ ચૂકી છે અને બધાં જ દર્દીઓને રજા પણ આપી દેવાઈ છે.’
આ પણ વાંચોઃ ખ્યાતિ હોસ્પિટલના રઝળી પડેલા દર્દીઓને સરકારી તબીબો સારવાર આપશે, કેસની તપાસ પણ કરશે
દર્દીઓના મોતના જવાબદાર ભગવાન છે: ડિરેક્ટર રાજેન્દ્ર ખાબોટ
આ સિવાય ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર રાજેન્દ્ર ખાબોટનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે પણ અસંવેદનશીલ નિવેદન કરતા જણાવ્યું છે કે, ‘જે દર્દીઓના મોત થયાં છે, તેના જવાબદાર ભગવાન છે. દર્દીઓની સારવાર યોગ્ય પ્રોટોકોલ મુજબ કર્યા હોવા છતાં યશ મળતો મળતો નથી. દર્દીઓના મોતની પોલીસ તપાસ પણ ચાલી રહી છે, જેમાં અમે સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ.'
દર્દીઓના આરોપ અંગે ડિરેક્ટરે જણાવ્યું કે, ‘અમારા કેમ્પમાં 90થી 120 દર્દી આવ્યા હતાં, જેમાંથી 19 દર્દીઓને દાખલ કરાયા અને ફક્ત 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરાઈ. કારણકે, તેમની ધમનીઓ બંધ દેખાઈ હતી. નળીઓ બંધ હોય તો જ અમે એન્જિયોપ્લાસ્ટી કરીએ. તે પણ ઈસીજી દરમિયાન જ દર્દીઓને બોલાવવામાં આવ્યા હતા. ધમની બંધ ન હોય તો શું કામ એન્જિયોપ્લાસ્ટી કરીએ? સાતમાંથી પાંચ પણ સાજા છે અને તેઓ પણ ડિસ્ચાર્જ થઈ જશે.’