ન્યુઝ વાયરલ ન કરવાના બદલામાં કથિત પત્રકારોએ ત્રણ લાખની ખંડણી માંગી
Ahmedabad Crime : અમદાવાદ શહેરના જુહાપુરામાં વિસ્તારમાં રહેતા બિલ્ડરને તેના ભાઇ વિરૂદ્ધ થયેલા કેસમાં સંડોવણી હોવાનું કહીને તેના ન્યુઝ યુ ટયુબ ચેનલ પર વાયરલ કરવાની ધમકી આપીને પહેલા 75 હજારની માંગણી કર્યા બાદ તેના સાગરિતો સાથે મળીને વધુ ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેથી કંટાળીને સમગ્ર મામલે વેજલપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના આધારે વેજલપુર પોલીસે ઓજેફ તિરમીજી, આબેદા શેખ અને સાબિર હૂસૈન શેખ વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.
75 હજાર વસુલ્યા બાદ વધુ ત્રણ લાખની માંગ્યા હતા : વેજલપુર પોલીસે મહિલા સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી
શહેરના જુહાપુરા છીપા સોસાયટીમાં રહેતા મોહંમદ શોએબ શેખ બિલ્ડીંગ કન્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. તેના ભાઇ મોહંમદ ઇસ્માઇલ શેખ સામે આર્થિક ગુના નિવારણ શાખા સહિત શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જે હાલ તેના સાગરિતો સાથે સાબરમતી જેલમાં છે. મોહંમદશોએબ અને તેના પરિવારને મોહંમદ ઇસ્માઇલ સાથે સંબધ નથી. ગત 25મી મે ના રોજ મોહંમદ શોએબને અજાણ્યા નંબર પરથી ઉજેફ તિરમીજી (રહે. તીરમજી એડવોકેટ હાઉસ, જમાલપુર) નામના વ્યક્તિએ વોટ્સએપ કોલ કરીને પોતાનો પરિચય પાવર ઓફ ટ્રુથ નામના યુ ટયુબ ચેનલના પત્રકાર તરીકે આપીને કહ્યું હતું કે તમારા ભાઇ મોહંમદ ઇસ્માઇલ શેખ વિરૂદ્ધના કેસમાં તમારા પરિવારની મહિલાની સંડોવણી છે. આ સમાચાર અમે પ્રસિદ્ધ ન કરીએ તે માટે પતાવટ કરવી પડશે તેમ કહીને 75 હજારની માંગણી કરી હતી. જેથી તેમણે બદનામીના ડરથી 75 હજાર રૂપિયા આપી દીધા હતા. ત્યારબાદ 11મી જુલાઇના રોજ ફરીથી અજાણ્યા નંબર પરથી અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો. જેમાં તેના ભાઇના કેસમાં પરિવારની સંડોવણીના ન્યુઝ પ્રસિદ્ધ ન કરવા માટે ત્રણ લાખની માંગણી કરી હતી.આ સમયે તિરમીજીએ વોટ્સએપ કોલથી આબેદા પઠાણ (અલીફ કોમ્પ્લેક્સ,સલાપસ રોડ, રીલીફ રોડ) અને સાબિર શેખ સાથે કોન્ફરન્સથી વાત કરાવીને ત્રણ લાખ રૂપિયા આપવા જ પડશે નહીતર બદનામ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ સતત તેમને ધમકી ભર્યા ફોન કરવામાં આવતા મોહંમદ શોએબે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. યુ ટયુબ પર ન્યુઝ ચેનલ ચલાવતા તત્વોએ અગાઉ પણ અનેક લોકો પાસેથી મોટા પ્રમાણમાં ખંડણી માંગી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસે બોગસ પત્રકારોના શિકાર બનેલા લોકોને ફરિયાદ નોંધાવવા માટે જાણ કરી છે.