Get The App

20 લાખ વ્યાજે આપ્યા, 48 લાખ વસૂલ્યાં છતાં 95 લાખ બાકી: અમદાવાદમાં જ્વેલર્સ સામે વ્યાજખોરીની ફરિયાદ

Updated: Feb 3rd, 2025


Google NewsGoogle News
20 લાખ વ્યાજે આપ્યા, 48 લાખ વસૂલ્યાં છતાં 95 લાખ બાકી: અમદાવાદમાં જ્વેલર્સ સામે વ્યાજખોરીની ફરિયાદ 1 - image


Ahmedabad Jeweler Faces Usury Charge: વસ્ત્રાપુરમાં આવેલા ઝાંઝર જ્વેલર્સમાં દાગીના ગિરવે મુકીને વર્ષ 2015માં 20 લાખ રૂપિયા વ્યાજે લેવામાં આવ્યાં હતાં. 48 લાખ ચૂકવી દીધા પછી પણ હજુ 95 લાખ બાકી છે, તે ચૂકવીને દાગીના લઈ જાવ તેવો હિસાબ કરવામાં આવ્યાના આક્ષેપો સાથેની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસમાં નોંધાવાઈ છે. વસંતભાઈ શાહ નામના જ્વેલર્સ સામે ફરિયાદ નોંધીને રજૂ કરાયેલાં વ્યાજનો ઓડિયો રેકોર્ડિંગની તપાસણી સાથે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : ગેરકાયદે રેતીની હેરાફેરી કરતા ચાર ડમ્પર સહિત ૧.૨ કરોડનો મુદ્દામાલ જપ્ત

કુલ 95 લાખ રૂપિયાનો હિસાબ નીકાળ્યો હતો

થલતેજના રહીશ મીનાબહેન ભટ્ટ નામના ગૃહિણીએ વસ્ત્રાપુરમાં આવેલા ઝાંઝર જ્વેલર્સ નામની દુકાનના સંચાલક વસંતભાઈ કિર્તીભાઈ શાહ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, પૈસાની જરૂર હોવાથી જુન-2015માં મીનાબહેને પોતાના દાગીના ઝાંઝર જ્વેલર્સમાં ગિરવે મુકીને કુલ 20 લાખ રૂપિયા માસીક અઢી ટકાના વ્યાજે મેળવ્યાં હતાં. દર મહીને વ્યાજની ચૂકવણી કરતાં કુલ 48. 50 લાખ ચૂકવ્યાં હતાં. પરંતુ, છેલ્લા બાર મહિનાથી આર્થિક સ્થિતિ સારી ન હોવાથી વ્યાજ ચૂકવી શક્યા નહોતાં. નવેમ્બર-2024માં મીનાબહેન અને તેમના પતિ બિપીનભાઈએ જઈને દાગીના વેચાણ રાખી લઈ વ્યાજ-મુડી કાપી બાકીની રકમ આપી દો તેવી વાત કરી હતી. આ સમયે વસંતભાઈએ કહ્યું હતું કે, કુલ 95 લાખ રૂપિયાનો હિસાબ નીકળે છે તે આપી જાવ અને દાગીના લઈ જાવ. માત્ર 12 મહીનાથી વ્યાજ ચૂકવ્યું નથી છતાં આટલા પૈસા માગવામાં આવતાં વસ્ત્રાપુર પોલીસમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીના આધારે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંઘ્યો છે.

આ પણ વાંચો : અગાઉ થયેલી પોલીસ ફરિયાદના સમાધાન બાબતે ડખ્ખો થતાં બે જૂથો વચ્ચે ધિંગાણું

વીસ લાખ રૂપિયા લીધા હતા તેની સામે 48.50 લાખ ચૂકવી દીધાં

દાગીના ગિરવે મુકીને વ્યાજે વીસ લાખ રૂપિયા લીધા હતા તેની સામે 48.50 લાખ ચૂકવી દીધાં છે. આમ છતાં, ગત દિવાળીએ હિસાબ કરી દાગીના છોડાવવા બાબતે વાત કરતાં વ્યાજ સહિત 95 લાખ રૂપિયા લેવાના બાકી હોવાનું જણાવાયું હતું. આ અંગે વર્ષ 2019માં જ્વેલર વસંતભાઈ ફોન કરીને વ્યાજની ઉઘરાણી કરતાં હોવાનું ઓડિયો રેકોર્ડિંગ પણ રજૂ કરાયું છે. વસ્ત્રાપુર પોલીસે સેટેલાઈટ વિસ્તારમાં રહેતા જ્વેલર વસંતભાઈ શાહ સામે ગુનો નોંધીને તપાસ કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News