PHOTOS: દેશ-વિદેશના પતંગ રસિયાઓ અમદાવાદ પધાર્યા, જુઓ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીની ઝલક
International Kite Festival 2025: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી એટલે કે 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025(ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2025)નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તમે પણ અમદાવાદના પતંગોત્સવની ઝલક નિહાળો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025નો પ્રારંભ કરાવ્યો હતો.
વિશ્વના 47 દેશોમાંથી 143, અન્ય રાજ્યોમાંથી 52 અને ગુજરાતના 11 શહેરોમાંથી 417 પતંગબાજો આ ઉત્સવમાં સામેલ થયા છે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે દેશવિદેશથી પધારેલા મહાનુભાવો અને પતંગપ્રેમી નાગરિકોની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો શુભારંભ કરાયો.
ગુજરાતે હંમેશા તેની સંસ્કૃતિ અને સામર્થ્યની અનુભૂતિ લોકોને કરાવી છે, જેને પરિણામે દેશ-વિદેશના પ્રવાસીઓ આ ઉત્સવનો આનંદ માણવા ગુજરાત પધારે છે. ઉત્તરાયણની ઉજવણી આજે વિશ્વવ્યાપી બની છે.
દર વર્ષે ગુજરાત 200થી વધુ તહેવારો ઉજવે છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (ઉત્તરાયણ) એ સૌથી મોટા તહેવારોમાંનો એક છે.
ગુજરાતના ઘણા શહેરોમાં તેમના નાગરિકો વચ્ચે પતંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. તેમાં અમદાવાદ પણ સામેલ છે.
2012માં ગુજરાતના પ્રવાસન નિગમે ઉલ્લેખ કર્યો હતો કે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં તે વર્ષે તેમાં 42 દેશોની ભાગીદારીને કારણે ગ્રિનીસ વર્લ્ડ રૅકોર્ડ બુકમાં દાખલ થવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
જો કે, આંતરરાષ્ટ્રીય પતંગ ઇવેન્ટ અમદાવાદ(ગુજરાતની પતંગની રાજધાની)માં પણ થાય છે, જેમાં ઘણા દેશોના મુલાકાતીઓ આવે છે.
આ તહેવારનો આનંદ માણવા માટેનું શ્રેષ્ઠ સ્થળ સાબરમતી રિવરફ્રન્ટ છે. તેના સાબરમતી નદી કિનારે 500,000થી વધુ લોકોની ક્ષમતા છે.
આ પતંગ મહોત્સવ અમદાવાદ સહિત સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગર, રાજકોટ, વડોદરા, સુરત, શિવરાજપુર, કચ્છ ધોરડોમાં યોજાશે.
અમદાવાદના આકાશમાં રંગબેરંગી વિશાળ ડિઝાઇનર પતંગો જોવા મળી હતી.
11મી જાન્યુઆરીએ સવારે 9 કલાકે વલ્લભસદન પાસે રિવરફ્રન્ટ પર ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. 12મીએ સ્ટેચ્યુ ઑફ યુનિટી, રાજકોટ અને વડોદરા તેમજ 13મીએ સુરત, શિવરાજપુર અને ધોરડોમાં પતંગોત્સવ યોજાશે.
રિવરફ્રન્ટ પાસે ઉદ્ઘાટન પછી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજોની પરેડ, નાઇટ કાઇટ ફલાઇંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પતંગ વર્કશોપ પણ યોજાશે, જ્યારે આ સ્થળે હેન્ડીક્રાફટ્સ અને રિફ્રેશનમેન્ટ સ્ટોલ રાખવામાં આવ્યા છે.
આ વખતે ગુજરાતના વિવિધ શહેરોમાંથી 417 પતંગબાજો ભાગ લેવા પધાર્યા છે.
ગયા વર્ષે જ્યારે પતંગ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો ત્યારે 55 દેશોના 153, 12 રાજ્યોના 68 અને ગુજરાતના 23 શહેરોના 865 પતંગબાજોએ ભાગ લીધો હતો પરંતુ આ વર્ષે સંખ્યામાં ચોંકાવનારો ઘટાડો નોંધાયો છે.
વિશ્વભરના પ્રવાસીઓના ગુજરાતમાં આગમનથી વડાપ્રધાનના વોકલ ફોર લોકલ અભિયાનને પણ વેગ મળ્યો છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, 'દર વર્ષે દેશ અને દુનિયાના એમ્બેસેડર્સ આ પતંગ મહોત્સવ જોવા ગુજરાત આવે છે. આ વર્ષે કુલ 11 જેટલા દેશોના એમ્બેસેડર ગુજરાત આવ્યા છે.'