એક જમાનામાં અમદાવાદનાં 'બિગબેન'ના ટકોરા રેલવે સ્ટેશન સુધી સંભળાતા હતા, અઢીથી ત્રણ ટન હતો વજન
Ahmedabad Heritage Clock: વર્ષો પહેલાં અમદાવાદીઓને બે-પાંચ કિલોમીટરના વિસ્તારમાં દર કલાકે ટન...ટન...ટન... ટકોરાનો અવાજ દર કલાકે સંભળાતો હતો. પરંતુ, આજે આ અવાજ સંભળાતો નથી. કારણકે, કોઈ કારણસર ત્રીસ-પાંત્રીસ વર્ષ પૂર્વે એક કમનસીબ દિવસે ભદ્રના કિલ્લામાં લગાવેલું આ ઘડિયાળ 2 કલાક અને 35 મિનિટ પર અટકી ગયું હતું જે આજે પણ બંધ જ છે.
આ વિશે ઈતિહાસકાર ડૉ. રિઝવાન કાદરીએ કહ્યું કે, આપણા શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે જેથી કોઈપણ ભોગે ઐતિહાસિક વારસાની જાળવણી કરવી જોઈએ એવી ચારેબાજુ ચર્ચા થાય છે. જોકે, આ કાર્યમાં આપણને વધારે સફળતા મળી નથી. આ બંધ ઘડિયાળ માટે જવાબદાર કોણ? કારણ કે આજે કોઈપણ આ ઘડિયાળની જવાબદારી કે માલિકી લેવા તૈયાર નથી, તેથી જ તે નધણિયાત હાલતમાં સડી રહી છે.
દરરોજ ત્યાંથી પસાર થનાર સેંકડો રાહદારીઓ કે સત્તાવાળાઓનું ધ્યાન આ બંધ ઘડિયાળ તરફ જતું નથી. આજે વિશ્વમાં ગણ્યાગાંઠયા જે અમૂલ્ય ઘડિયાળો બચી ગઈ છે, તેમાની આ એક છે. ભારતમાં પ્રજાએ સ્વૈચ્છિક રીતે નગરસેવાનો ભાર ઉપાડીને દેશની સર્વપ્રથમ મ્યુનિસિપાલિટી અમદાવાદમાં શરૂ થઈ હતી અને તેના દ્વારા શહેરમાં શાળાઓ, રસ્તાઓ પર પાણીનો છંટકાવ, રાત્રે દીવાઓ તથા પાણીના નળ વગેરે લગાડવામાં આવ્યા હતા.
તે વર્ષે અમદાવાદનાં લોકો સમયસર કામ પર તે સમયે કદાચ જતાં ન હોય, કારણ કે આજની જેમ એ જમાનામાં હાથમાં કાંડા ઘડિયાળ તો હતું જ નહીં. આથી સરકારે નિર્ણય કર્યો કે, ઇંગ્લેન્ડથી એક ઘડિયાળ મગાવવું અને તે જોઈ કે તેના ટકોરા સાંભળી લોકો સમય પાલન કરે તે માટે આ કાર્યની શરૂઆત કરી હતી. ઘડિયાળ લાવ્યા પછી તેને બેસાડવું ક્યાં તે સવાલ ઊભો થયો હતો. આ મૂંઝવણ ભરેલા પ્રશ્ન પર ઘણાં વિચાર-વિમર્શ થયા પછી ભદ્રના કિલ્લાએ આ ઘડિયાળ લગાવવાનું નક્કી કર્યું હતું. કારણ કે, તે શહેરના કેન્દ્રમાં હતો તેથી લોકો તેના ટકોરા સાંભળી શકે. આ ઘડિયાળ માટેનો ટાવર ભદ્રના કિલ્લાના પૂર્વ દરવાજા પર ઊભો કરવામાં આવ્યો હતો.
અઢી-ત્રણ ટન વજન ધરાવતું ઘડિયાળ ચાવી દ્વારા ચાલતું
લગભગ આઠેક ફૂટ વ્યાસ ધરાવતું અને અઢી-ત્રણ ટન વજન ધરાવતું ઘડિયાળ લોલકવાળું હતું અને તે ચાવી દ્વારા ચાલતું હતું. આજે ટાવરમાં નીચેથી ઉપર જવા માટે જે ચોરસ સીડી છે તેની વચ્ચે આ લાકડાનું લોલક હાલતું, વળી તે સમયે આ ઘડિયાળ માત્ર દિવસમાં જ નહીં પણ રાત્રે જોઈ શકાય તે માટે તેના ડાયલમાં કાચ લગાડવામાં આવ્યો હતો. 1849માં સરકારને ઇંગ્લેન્ડથી આ ઘડિયાળ મગાવવા પાછળ 8 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો તેમજ ટાવર બનાવવા પાછળ અલગથી ખર્ચ થયો હતો.
આ પણ વાંચોઃ ફાઈવસ્ટાર રેટીંગ મેળવીને નવસારી કૃષિ યુનિવર્સિટીએ સમગ્ર રાજ્યમાં વગાડ્યો ડંકો
ઘડિયાળમાં અજબ ગજબના ચકરડાં, કમાનો ધરાવતું ઘડિયાળ, તેનો કાચ તૂટીને જવાને કારણે તમામ સિઝનમાં કબૂતરો માટે આદર્શ કાયમી નિવાસસ્થાન બની ગયું છે. 15 આગસ્ટ 1947ના રોજ દેશ ગુલામીની જંજીરોમાંથી મુક્ત થવાનો હતો ત્યારે આઝાદીની ઘડીઓ ગણતા હતા. ભદ્રના કિલ્લાની સામે હજારો લોકો એકઠા થવા લાગ્યા હતા અને 11ના ટકોરા પછી એક પળ ઉત્તેજનાથી ભરપૂર હતો અને જેવા 12ના ટકોરા વાગ્યા ત્યારે હર્ષોલ્લાસ સાથે આતશબાજી સાથે દેશ આઝાદ થયો તેની ઉજવણીમાં લોકો જોડાયા હતા.
આ ટાવરની તુલના લંડનના 'ટાવર ઓફ લંડન' સાથે તથા ફ્રાંસના 'બેસ્ટાઈલ'ના ટાવર સાથે કરવામાં આવે છે. વળી, આ ઘડિયાળનો ઉલ્લેખ 1851માં પ્રસિદ્ધ 'અમદાવાદનો ઇતિહાસ 1850 સુધી'માં મગનલાલ વખતચંદ પણ કરે છે. આ ટાવરની રચનામાં ભારતીય-યુરોપીય કલાનું સંમિશ્રણ સ્પષ્ટ જોવા મળે છે. આજે કિલ્લાના ધાબા પર સડી રહેલા નક્કર પિત્તળના ઘંટને ખસેડવા માટે સાત માણસો પણ ઓછા પડે તેવી સ્થિતિ છે પણ એ સમયે ટાંચાં સાધનો હોવા છતાં તેને લંડનથી લાવીને કેવી રીતે ફિટ કર્યું હશે તે વિચારવા જેવી વાત છે. 150 કિ.ગ્રા જેટલું વજન ધરાવતા આ ઘડિયાળ પર 'સી એન્ડ મર્સ ફાઉન્ડેશન લંડન 1849' એવું સ્પષ્ટ અક્ષરે લખાણ જોઇ શકાય છે. આથી આપણે કહી શકીએ કે તે 1849માં લંડનમાં બન્યું હશે તેમ માની શકાય છે.