19 અપ્રિલે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટ પર નિરીક્ષણ, બપોરના 12:30 સુધી મેટ્રો સેવા સ્થગિત
Ahmedabad-Gandhinagar Metro Train : ગુજરાતના અમદાવાદ-ગાંધીનગરમાં દોડતી મેટ્રો ટ્રેનમાં રોજના હજારો લોકો મુસાફરી કરે છે, ત્યારે ગાંધીનગર રૂટ પર નિરીક્ષણની કામગીરી કરવાની હોવાથી આગામી 19 અપ્રિલે સવારે 8 વાગ્યાથી બપોરના 12:30 સુધી અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનની સેવા બંધ રહેશે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા પ્રેસનોટ જાહેર કરીને જણાવ્યું હતું કે, આગામી 19 એપ્રિલ, 2025ના રોજ સવારે 8 વાગ્યાથી બપોરના 12:30 વાગ્યા સુધી મોટેરા સ્ટેડિયમથી સચિવાલય- ગિફ્ટ સિટી ગાંધીનગર રૂટનું નિરીક્ષણ કરવાનું હોવાથી મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1-ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેન સેવા 12:30 વાગ્યા સુધી સ્થગિત રહેશે.
જ્યારે બપોરના 12:30 વાગ્યા બાદ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટની તમામ ટ્રેનો હાલના સમય મુજબ કાર્યરત રહેશે. જેમાં 19 એપ્રિલે ગાંધીનગર રૂટ પરની પહેલી ટ્રેન બપોરે 12:58 વાગ્યે સેક્ટરથી મોટેરા સ્ટેડિયમ અને મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1ની ટ્રેનનો સમય બપોરે 1:12 વાગ્યાનો રહેશે.