એક મહિનામાં રોકાણના ત્રણ ગણા વળતરની લાલચ આપીને છેતરપિંડી, ન્યુ વાસણાના દંપતિ સામે પોલીસે ગુનો નોંધ્યો
Ahmedabad Fraud Case : અમદાવાદ શહેરના ન્યુ વાસણામાં રહેતા દંપતિએ એક મહિનામાં ત્રણ ગણા વળતરની લાલચ આપીને અનેક લોકોને લાખો રૂપિયાનો ચુનો લગાવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં તેમણે નજીકના સગા-મિત્રોને પણ મોટાપ્રમાણમાં ટારગેટ કર્યા હતા. આ અંગે વાસણા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નજીકના સગા સહિત અનેક લોકોને લાલચ આપીને લાખો રૂપિયા લીધા : વિશ્વાસ જીતવા માટે કેટલાંક લોકોને આંશિક વળતર આપ્યું હતું
અમદાવાદ શહેરના વાસણા બેરેજ રોડ પર આવેલા શ્રીરામ પાર્કમાં રહેતા રાહુલ રાવળે વાસણા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમના મામાના દીકરાના જમાઇ જૈમીન રાવળ (રહે. શ્રીસદન ફ્લેટ,ન્યુ વાસણા) તેના પત્ની ભાવિકા સાથે સપ્ટેમ્બર 2023માં રાહુલભાઇ અને તેમના પરિવારના અન્ય સભ્યોને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેમની પાસે એક સ્કીમ છે. જેમાં એક લાખની સામે મહિનામાં ત્રણ ગણા એટલે ત્રણ લાખ મળશે અને તેમણે અનેક લોકોને લાભ અપાવ્યો છે. જૈમીન અને તેની પત્ની પરિચીત હોવાથી રાહુલભાઇએ અને બીજા પરિવારજનોએ અન્યને જાણ કરીને એક મહિના સુધી 20 લાખ રૂપિયા એક મહિનામાં ત્રણ ગણા કરી આપવાનું કહીને લીધા હતા. જો કે સમય મર્યાદા પૂર્ણ થયા બાદ રોકાયેલી રકમ પણ પરત મળી નહોતી. છેવટે આ અંગે વાસણા પોલીસ મથકે ફરિયાદ થતા પોલીસે દંપતિ સામે કાર્યવાહી કરી છે. એટલું જ દંપતિએ અગાઉ પણ અનેક લોકોને ટારગેટ કરી લાખો રૂપિયા પડાવ્યાનું સામે આવ્યું છે.