Get The App

લો બોલો! ફાયર બ્રિગેડ રેઇન ડાન્સ કરાવશે? અમદાવાદમાં હોળી ઇવેન્ટના દૃશ્યો વાઇરલ

Updated: Mar 15th, 2025


Google News
Google News
લો બોલો! ફાયર બ્રિગેડ રેઇન ડાન્સ કરાવશે? અમદાવાદમાં હોળી ઇવેન્ટના દૃશ્યો વાઇરલ 1 - image


Ahmedabad News: દેશભરમાં શુક્રવારે (14 માર્ચ) ધામધૂમથી હોળીની ઉજવણી કરવામાં આવી હતી. એવામાં અમદાવાદથી એક ચોંકવાનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં હોળી પાર્ટીનું આયોજન કરનારા આયોજકોનું રેઇન ડાન્સ સેટએપ બગડી જતાં સીધી ફાયર બ્રિગેડ બોલાવી દેવામાં આવી. પાછું નવાઈની વાત એ છે કે, ફાયર વિભાગની ટીમે ત્યાં પહોંચી અને લાખો લીટરના પાણીનો વેડફાટ પણ કર્યો. ફાયરની ટીમ દ્વારા લાખો લીટર પાણીનો બગાડ કરીને લોકોને રેઇન ડાન્સની મજા કરાવવામાં આવી હતી. ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરીને આ પ્રકારે ફાયર બ્રિગેડની વ્યવસ્થાનો દુરુપયોગ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. 

શું હતી સમગ્ર ઘટના?

અમદાવાદના થલતેજના હેબતપુર ખાતે જય અંબે ક્રિકેટ ગ્રાઉન્ડમાં હોળી પાર્ટીની ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટનું નામ રંગારંગ-2.O રાખવામાં આવ્યું હતું. આ ઇવેન્ટના આયોજકો દ્વારા તમામ મહેમાનો માટે રેઇન ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ, સેટઅપ ત્રણવાર બગડી જતાં આયોજકોએ ફાયર બ્રિગેડને કૉલ કરી દીધો અને ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને લોકોને રેઇન ડાન્સ કરાવવામાં આવ્યો હતો. 

આ પણ વાંચોઃ વડોદરા: કારેલીબાગ અકસ્માત કેસ બાદ ઊંઘમાંથી જાગી પોલીસ, ડ્રિંક એન્ડ ડ્રાઇવના 23 કેસ નોંધ્યા

પૈસા ચૂકવીને બોલાવી ફાયરની ટીમ

સમગ્ર મુદ્દે આયોજક ઓમ ભાવસારે કહ્યું કે, અમારો રેઇન ડાન્સ સેટઅપ ત્રણ વખત તૂટી ગયો હતો. જેના કારણે અમે ફાયર બ્રિગેડની મદદ લીધી હતી. અમે પૈસા ચૂકવીને ફાયરની ટીમ બોલાવી હતી. 

આ પણ વાંચોઃ અમદાવાદ: વસ્ત્રાલમાં લોકો પર તલવારો-લાકડીઓથી હુમલો કરનારના ઘર પર પડ્યા હથોડા

ચીફ ફાયર ઑફિસરે શું કહ્યું? 

આ વિશે અમદાવાદ ચીફ ફાયર ઑફિસરે જણાવ્યું કે, અમે રેઇન ડાન્સ માટે કોઈ ફાયરની ગાડી મોકલવાની મંજૂરી નથી આપતાં. પરંતુ, સેફ્ટીના હેતુથી અમે ફાયરની ટીમ મોકલીએ છીએ. જે આયોજકો પૈસા ચૂકવીને મંગાવે છે. જેમાં કોઈ અગમ્ય કારણોસર દુર્ઘટના સર્જાય તો એવી પરિસ્થિતિમાં બચાવ કામગીરી માટે તેનો ઉપયોગ કરવાનો રહે છે. રેઇન ડાન્સ માટે ફાયર ટેન્ડરનો ઉપયોગ થયો હોય તો અમે આ વિશે તપાસ કરીશું અને આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવશે.


Tags :
Ahmedabad-NewsFire-BrigadeHoli-EventGujarat-News

Google News
Google News