અમદાવાદમાં નકલી સાધુએ નાગદોષના નામે 3 લાખનું કરી નાંખ્યું, ઢોંગીને પકડવા પોલીસ દોડતી થઈ
Image: AI |
Ahmedabad Crime: અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના એક વ્યક્તિ પાસેથી 'નાગદોષ' વિધિ કરવાના બહાને 3.01 લાખ રોકડા અને ઘરેણાં પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે. ભીક્ષા માંગવા આવેલાં સાધુએ રોશનભાઈ ધોબી નામના વ્યક્તિ પાસેથી વિવિધ ધાર્મિક વિધિના નામે અલગ-અલગ રૂપિયા પડાવતા હતાં. લગભગ 2 મહિના બાદ તેમને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.
શું હતી સમગ્ર ઘટના?
સમગ્ર મુદ્દે ફરિયાદી રોશનભાઈ ધોબીએ જણાવ્યું કે, '12 જાન્યુઆરી 2025ના દિવસે એક શખસ સાધુના પોશાકમાં ઘરે ભિક્ષા માંગવા આવ્યો હતો. દયાળુ થઈને ત્યારે મેં તેમને દસ રૂપિયા આપ્યા હતાં પરંતુ, બાદમાં સાધુએ મારા ભાગ્યમાં 'નાગદોષ' હોવાની ચેતવણી આપી અને તેને દૂર કરવા માટે ધાર્મિક વિધિ કરાવવી પડશે તેવું જણાવ્યું. બાદમાં અમે બંનેએ મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. ઘટનાના ત્રણ દિવસ બાદ 16 જાન્યુઆરીએ મને આ સાધુનો ફોન આવ્યો. ફોનમાં તેમણે ધાર્મિક વિધિ માટે 17 હજાર રૂપિયાની માંગણી કરી અને મેં તેમના પર વિશ્વાસ કરી UPI ના માધ્યમે પૈસા ટ્રાન્સફર કર્યા હતાં.'
ત્યારબાદ 22 જાન્યુઆરીએ બીજો ફોન આવ્યો. જેમાં સાધુના ગુરૂ હોવાનો દાવો કરતાં એક અન્ય વ્યક્તિએ વાત કરી. તેમણે કહ્યું કે, મારી પાસે રાજસ્થાનમાં પૈતૃક જમીન અને છુપાયેલા દાગીના છે. પરંતુ, તે મેળવવા માટે પહેલાં એક ધાર્મિક વિધિ કરવી પડશે. જેથી હું, મારી પત્ની અરૂણા અને મારી બે દીકરીઓ સૂચના અનુસાર અડાલજના ત્રિમંદિર ગયાં. ત્યાં તેમણે ધાર્મિક વિધિ માટે લાખો રૂપિયાના સોના અને ચાંદીના દાગીના, તેમજ 45 હજાર રૂપિયા રોકડા આપ્યાં. ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ સાધુએ અમને એક લાલ કપડાંમાં લપેટેલું વાસણ આપ્યું, જેમાં રોકડ અને દાગીના છે તેવું કહ્યું. પરંતુ, આ વાસણ ફક્ત ધાર્મિક વિધિ પૂર્ણ થાય બાદમાં જ ખોલવા જણાવ્યું હતું. છેતરપિંડી કરનારાઓએ પાછળથી ફરી 11 હજાર રૂપિયા માંગ્યા અને કહ્યું કે, ધાર્મિક વિધિ પૂરી કરવા માટે આ જરૂરી છે. પરંતુ, ત્યારે અમને શંકા ગઈ અને અમે અમને આપેલાં વાસણનું તાળું ખોલી તપાસ્યું તો તે ખાલી હતું. ત્યારે અમને જાણ થઈ કે, અમારી સાથે છેતરપિંડી થઈ છે.
છેતરપિંડી થઈ હોવાની જાણકારી થયા બાદ રોશનભાઈએ વારંવાર કથિત સાધુઓને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ, તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યાં. બાદમાં અમે છેલ્લે પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ દાખલ કરાવી. હાલ પોલીસ તમામ માહિતી મેળવી આ છેતરપિંડી કરનારની તપાસ હાથ ધરી છે.
છેતરપિંડી કરનાર સાધુને સોંપવામાં આવેલી કિંમતી વસ્તુઓ
- 2 તોલા વજનનો સોનાનો હાર (આશરે 2.8 લાખ રૂપિયા)
- 1 તોલા વજનનો સોનાનો ચેઇન (આશરે 30,000 રૂપિયા)
- સોનાની બુટ્ટીઓની જોડી (આશરે 60,000 રૂપિયા)
- 500 ગ્રામ વજનનો ચાંદીનો પાવડો (આશરે 30,000 રૂપિયા)
- કુલ ₹3,01,000 નું નુકસાન થયું, જેમાં ઘરેણાં, રોકડ અને મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે.