હરણી બોટ કાંડ જેવી ઘટનાઓ રોકવા હાઈકોર્ટનું સૂચન, જળાશયોમાં વોટર પોલીસ તહેનાત કરવી જોઈએ
Harni Tragedy Case: વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષકો સહિત કુલ 14 લોકોના મોતની ગોઝારી દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે આજે કસૂરવાર કોન્ટ્રાક્ટર કોટિયા પ્રોજેક્ટ્સ અને જે સ્કૂલના બાળકો આ દુર્ઘટનામાં માર્યા ગયા હતા તે વડોદરાની ન્યુ સનરાઈઝ સ્કૂલને પક્ષકાર તરીકે જોડી તેમને નોટિસ જારી કરી હતી. પીડિતો તરફથી આ લોકોને પક્ષકાર બનાવવા કરાયેલી અરજી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ગ્રાહ્ય રાખી હતી.
દરેક જળાશયોમાં વૉટર પોલીસ તૈનાત કરવા સૂચન
કેસની સુનાવણી દરમ્યાન વડોદરા મનપા તરફથી નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરને રિપોર્ટ રજૂ કરી ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હર્તા કે, ગુજરાતમાં 2022માં નદી, તળાવ અને દરિયામાં જુદા જુદા કારણોસર ડૂબી જવાના કારણે 2000થી વધુ લોકોના મોત નિપજયા છે. જેથી હાઈકોર્ટ આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ રાજય સરકારને રાજયના દરેક જળાશયો (નદી, તળાવ વગેરે માટે)માં લોકોની સુરક્ષા માટે વૉટર પોલીસ તૈનાત કરવા સૂચન કર્યું હતું.
હરણી તળાવ બોટ દુર્ઘટના કેસમાં પીડિતોને યોગ્ય વળતર અંગે રજૂઆત
હરણી તળાવ બોટ દુર્ઘટના કેસની સુનાવણી દરમ્યાન આજે પીડિતો તરફથી અરજી કરી ન્યુ સનરાઇઝ સ્કૂલ અને કોટિયા પ્રોજેકટસને પક્ષકાર બનાવવા માંગણી કરવાની સાથે સાથે તેઓને પણ જવાબદાર ઠરાવી તેઓની પાસેથી પીડિતોને યોગ્ય વળતર ચૂકવાય તે અંગે રજૂઆત કરવામાં આવી હતી.
શાળાની જવાબદારી નક્કી કરવી જરૂરી
પીડિતોના સમર્થનમાં રાજય સરકારે પણ જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં ન્યુ સનરાઈઝ સ્કૂલનો પણ એટલો જ વાંક અને જવાબદારી છે. શિક્ષણ વિભાગે મામલાની ગંભીરતા લઈ શાળાનું મેનેજમેન્ટ ટેક ઓવર કરવા વિચારણા હાથ ધરી છે. જો કે, કોર્ટે આ પગલાંને યોગ્ય ગણાવ્યું ન હતુ અને શાળાઓમાં પ્રવાસ બંધ નહી કરાવવા પણ તાકીદ કરી હતી પરંતુ સાથે સાથે આવી દુર્ઘટનાઓમાં શાળાની જવાબદારી નક્કી કરવા જણાવ્યું હતું.
જળાશયોમાં ડૂબી જવાના કારણે બે હજારથી વધુ લોકોના મોત
દરમ્યાન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એડવોકેટ પ્રકાશ જાનીએ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોનો રિપોર્ટ કોર્ટના ધ્યાન પર મૂકતા ઘટસ્ફોટ કર્યો હતો કે, રિપોર્ટ મુજબ, ગુજરાતમાં ખાલી વર્ષ 2022માં જે ડૂબી જવાના કારણે બે હજારથી વધુ લોકોના મોત નોંધાયા હતા. એટલે કે, રાજયમાં વિવિધ જળાશયો, નદી, તળાવ, સરોવર કે દરિયામાં ડૂબી જવાના કારણે નાગરિકોના મોત નોંધાયા હતા.
અજાણ્યા પાણીમાં જવાથી બચવું
જેથી સંબંધિત કોર્પોરેશનો, પંચાયતો કે નગરપાલિકાઓ સહિતના સત્તાવાળાઓએ નાગરિકોની સુરક્ષા માટેના જરૂરી પગલાં અને ઉપાયો કરવા જોઈએ. સાથે સાથે નાગરિકોએ પણ આવા જળાશયો-નદીઓ કે દરિયાકાંઠે જોખમ અને ન્હાવાની કે પાણીમાં જવાની મનાઈ સહિતની સૂચનાઓ લખેલી હોવા છતાં પાલન નહી કરતાં આવી દુર્ઘટનાઓમાં અકાળે મોતનો ભોગ બને છે, તેથી પબ્લિકમાં પણ એટલી જ જાગૃતિ જરૂરી બને છે.
ચાર મોટા શહેરોમાં કમિટીના ચેરપર્સન પોલીસ કમિશનર રહેશે
સરકારે વોટર સાઈડ સેફટી કમીટીમાં પોલીસ કમિશનર પર પણ બહુ મોટી અને ગંભીર જવાબદારી નાંખી છે. અત્યાર સુધી આવી દુર્ઘટનાઓમાં કોર્પોરેશન, પંચાયત, નગરપાલિકા સહિતના સત્તામંડળ જવાબદાર ઠરતા હતા પરંતુ હવે પોલીસને પણ જવાબદારી સોંપવામાં આવી છે.
સરકારે હાઈકોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, વોટર સાઈડ સેફ્ટી કમીટીના ચેરપર્સન તરીકે જે તે જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ રહેશે, જયારે ચાર મોટા શહેરોમાં કમિટીના ચેરમેન તરીકે ત્યાના શહેર પોલીસ કમિશનર રહેશે.
જળાશયોમાં વોટર પોલીસ જરૂરી નહીં તો, એસઓપી પાળી નહીં શકાય
જળાશયોમાં ડૂબી જવાથી વર્ષે દહાડે બે હજારથી વધુ લોકોના મોતના એનસીબીના રિપોર્ટને લઈ હાઈકોર્ટે સરકારને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં પણ આ પ્રકારના બનાવોમાં ઘણા યુવાનો મૃત્યુ પામ્યા છે. ખરેખર તો નાગરિકોની સુરક્ષા માટે જળાશયોમાં વોટર પોલીસ તૈનાત કરવાની ખૂબ જરૂર છે.
જો વોટર પોલીસ નહી હોય તો ગમે તેવા નિયમો(એસઓપી) કરશો તો તે પળાશે નહી. ગંગા સંગમ પર પોલીસ હોય છે, જેઓ પાસે બોટમેનથી લઈ બધી માહિતી હોય છે. બોટનું નિયમિત ચેકીંગ થતુ હોય છે. નર્મદા અને નદી કિનારે પંડિતો શ્રાધ્ધતર્પણ વખતે સ્નાન કરવાનું કહે છે, તેથી ધાર્મિક પ્રવૃત્તિઓ તો રોકી શકાતી નથી.
આ પણ વાંચો: ગુજરાતમાં 1.70 કરોડ ટન ઉત્પાદન છતાં શાકભાજીના ભાવ આસમાને, 400 ટકા સુધીની નફાખોરી?