Get The App

૧.૧૫ કરોડના ડિજિટલ એરેસ્ટ કેસમાં યસ બેંકના પાંચ કર્મચારીઓ ઝડપાયા

નાણાંકીય વ્યવહાર મુજબ ૧૦ ટકા કમિશન લઇને કામ કરતા હતા

સેટેલાઇટમાં રહેતા સિનિયર સિટીઝન કેસ થયો હોવાનું કહીને ૧.૧૫ કરોડ રૂપિયા પડાવી લીધા હતાઃ કેસની તપાસમાં અનેક મોટા ખુલાસાની શક્યતા

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
૧.૧૫ કરોડના ડિજિટલ એરેસ્ટ કેસમાં યસ બેંકના પાંચ કર્મચારીઓ ઝડપાયા 1 - image

અમદાવાદ,ગુરૂવાર

શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક સિનિયર  સિટીઝનને કોલ કરીને તેમના વિરૂદ્ધ સીબીઆઇમાં ગુનો નોંધાયો હોવાનું કહીને ડીજીટલ એરેસ્ટ કરીને ૧.૧૫ કરોડ રૂપિયા પડાવી લેવાના કેસની તપાસમાં સાયબર ક્રાઇમને મહત્વની સફળતા મળી છે.  જેમાં નાણાંકીય વ્યવહાર કરવામાં માટે ઉપયોગમાં લેવાયેલા બેંક એકાઉન્ટ હોલ્ડર અને બેંક એકાઉન્ટ ખોલી આપનાર ડીસા અને રાજસ્થાના મેરતા સ્થિત યસ બેંકના પાંચ કર્મચારીઓેને ઝડપી લેવામાં આવ્યા છે. આ કેસની તપાસમાં અનેક વિગતો બહાર આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝનને ગત ૧૬મી તારીખે કોલ કરીને તેમના વિરૂદ્ધ  સીબીઆઇમાં કેસ થયો હોવાથી કાર્યવાહી કરવાના નામે ડીજીટેલ એરેસ્ટ કર્યા બાદ તેમની સાથે ૧.૧૫ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે એસીપી હાર્દિક માકડીયાએ નાણાંકીય વ્યવહારની વિગતોને આધારે બેંક એકાઉન્ટની માહિતી એકઠી કરી હતી.

જેમાં યસ બેેંકની ડીસા બ્રાંચ અને રાજસ્થાન સ્થિત મેરતા બ્રાંચના કર્મચારીઓની સંડોવણી સામે આવતા પોલીસે જીગર જોષી (રહે. રત્નાકર સોસાયટી, ડીસા) , જતીન ચોખાવાલા (રહે. શુકન બંગ્લોઝ, ડીસા), દિપક સોની (રહે. રત્નાકર સોસાયટી, ડીસા), માવજી પટેલ (રહે.કુડા ગામ, ડીસા) અને અનિલ મંડા (રહે.દેગાના, જિ.નાગૌર)ને ઝડપી લેવામાં આવ્યા હતા.   પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે જતીન ચોખાવાલા અને દીપક સોની  ડીસામાં આવેલી યસ બેંકમાં પર્સનલ બેંકર તરીકે નોકરી કરે છે. જ્યારે માવજી પટેલ ડીસાની યસ બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે ત્રણ વર્ષથી નોકરી કરે છે.  તેમજ  અનિલ મંડા યસ બેંકની જ મેરતા બ્રાંચમાં પર્સનલ બેંકર તરીકે નોકરી કરે છે. આરોપીએ ચાઈનીઝ ગેંગ માટે બેંક એકાઉન્ટ ખોલી આપવાની ગેરકાયદેસર કામગીરી કરતા હતા. જેના બદલામાં તેમને ૧૦ ટકા સુધીનું કમિશન મળતું હતું. આ કેસમાં પોલીસે કુલ ૬૩ લાખ ફ્રીઝ કરાવ્યા હતા અને  ૨૦ લાખની રોકડ જપ્ત કરી હતી.



Google NewsGoogle News