રૂપિયા ૧.૨૬ કરોડની છેતરપિંડી કરનાર કંબોડિયા ગેંગના ચાર સાગરિતો ઝડપાયા
વૃદ્ધને સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસના નામે ડીજીટલ અરેસ્ટ કરી
ઝડપાયેલા ચાર આરોપીઓ છેતરપિંડીના નાણાને ટ્રાન્સફર કરવા માટે મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટ પુરા પાડતા હતાઃ સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ
અમદાવાદ, બુધવાર
શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝનને સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસના નામે બે કરોડ રૂપિયાનું ગેરકાયદેસર ટ્રાન્જેક્શન થયાનું કહીને ડીજીટલ અરેસ્ટ કર્યા બાદ રૂપિયા ૧.૨૬ કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓએ અમદાવાદમાં રહેતા ચાર યુવકોની ધરપકડ કરી છે. જેમાં ઝડપાયેલા આરોપીઓ ઓનલાઇન છેતરપિંડી કરતી કંબોડિયાની ગેંગ માટે ગુજરાતમા મોટાપાયે બેંક એકાઉન્ટ ખોલવાનું કામ કરતા હતા. જેના દ્વારા વિદેશમાં ક્રિપ્ટો કરન્સી દ્વારા નાણાં ભારતમાંથી વિદેશમાં પહોંચતા કરવામાં આવતા હતા. શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા નિવૃત અધિકારીને ૨૫ દિવસ પહેલા અજાણ્યા મોબાઇલ નંબર પરથી સીબીઆઇ અને સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જસ્ટિસના નામે કોલ આવ્યો હતો. જેમાં તેમને જણાવવામાં આવ્યું હતું કે તેમના નામે બે કરોડ જેટલી રકમના ગેરકાયદેસર વ્યવહાર થયા છે. જે નાણાં આતંકી ફંડના હોવાની શક્યતા છે. જેથી સીબીઆઇએ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ કેસમાં સુપ્રિમ કોર્ટમાં રિક્વેસ્ટ કરીને ડીજીટલ અરેસ્ટ કરીને પુછપરછ થશે. જેથી સિનિયર સિટીઝન ડરી ગયા હતા. બાદમાં તેમને વિડીયો કોલથી ડીજીટલ અરેસ્ટ થયાનું કહીને તેમના બેંક એકાઉન્ટ, ફિક્સ ડીપોઝીટ અને અન્ય રોકાણોની વિગતો મેળવીને આશરે ૧.૨૬ કરોડ જેટલી રકમ ચકાસવાનું કહીને અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી હતી. જે વેરીફીકેશન બાદ ૪૮ કલાકમાં પરત આપી દેવાનું કહીને ફોન કટ કરી દીધો હતો. આ કેસની સાયબર ક્રાઇમ સેલ દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેમાં છેતરપિંડીના નાણાં ક્યા ક્યા બેંક એકાઉન્ટમાં ગયા હતા? તેની તપાસ પીઆઇ ટી આર ગઢવી દ્વારા કરવામાં આવી હતી. જેમાં અમદાવાદમાં રહેતા મહોમદ હુસૈન જાવેદ અલી, તરૂણસિંહ વાઘેલા, બ્રિજેશ પારેખ અને શુભમ ઠાકર નામના યુવકોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ અંગે સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડીયાએ જણાવ્યું કે છેતરપિંડી માટે જે લીંકનો ઉપયોગ કરાયો હતો. તે લીંકનું આઇપી એડ્રેસ કંબોડિયાનું હોવાનુ જાણવા મળ્યું છે. ઝડપાયેલા તમામ આરોપીઓ આ ગેંગ સુધી નાણાં પહોંચે તે માટે મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલવાનું કામ કરતા હતા. જેના બદલામાં તેમના કમિશન મળતું હતું. આ ઉપરાંત, આરોપીઓની અન્ય ભૂમિકા તપાસમાં આવી રહી છે.