Get The App

કરોડોના ઓનલાઇન છેતરપિંડી કેસમાં તાઇવાનના ચાર નાગરિકોને ઝડપી લેવાયા

છેતરપિંડી કરતી ગેંગ વિરૂદ્ધ સૌથી મોટી કાર્યવાહી

એક સાથે ૧૨૦થી વધુ મોબાઇલને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરીને ઓટીપી જનરેટ કરીને ક્રિપ્ટો કરન્સી દ્વારા નાણાં તાઇવાન પહોંચતા કરવામાં આવતા હતા

Updated: Oct 14th, 2024


Google NewsGoogle News
કરોડોના ઓનલાઇન છેતરપિંડી કેસમાં  તાઇવાનના ચાર નાગરિકોને ઝડપી લેવાયા 1 - image

અમદાવાદ,સોમવાર

પાર્સલમાં ડ્રગ્સ અને નકલી પાસપોર્ટ હોવાની ધમકી આપીને ગુનો નોંધવાની ધમકી આપીને છેતરપિંડી આચરતી ગેંગ વિરૂદ્ધ અમદાવાદ ક્રાઇમબ્રાંચે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. જેમાં ચાર તાઇવાન નાગરિકો સહિત ૧૧ લોકોને ઝડપી લીધા છે.તેમની પાસેથી ૧૨.૭૫ લાખની રોકડ, ૧૨૦ મોબાઇલ ફોન, મોટા પ્રમાણમાં ક્રેડીટ કાર્ડ અને પાસબુક, કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને તપાસ શરૂ કરી છે. ઓનલાઇન છેતરપિંડીની નવી મોડ્સ ઓપરેન્ડી સામે આવી હતી.જેમાં તે  એક સાથે ૨૦ કે તેથી વધુ મોબાઇલને ઇન્ટરનેટ સાથે જોડીને  બેંક એકાઉન્ટના ઓટીપીના આધારે નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને તાઇવાન મોકલતા હતા. આ અંગે સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં રહેતા એક સિનિયર સિટીઝનના નામે આવેલા પાર્સલમાં ડ્ગ્સ અને પાસપોર્ટ હોવાનું કહીને એનસીબી તેમજ મુંબઇ ક્રાઇમબ્રાંચના નામે કોલ કરીને ૮૦ લાખની છેતરપિંડીની તપાસ કરી રહેલી અમદાવાદ સાયબર ક્રાઇમને અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મળી છે.

કરોડોના ઓનલાઇન છેતરપિંડી કેસમાં  તાઇવાનના ચાર નાગરિકોને ઝડપી લેવાયા 2 - imageજેમાં સમગ્ર કૌભાંડ સાથે જોડાયેલા તાઇવાનના ચાર નાગરિકો સહિત ૧૧ લોકોની ૧૨.૭૫ લાખની રોકડ સાથે ધરપકડ કરી છે.જેમાં છેતરપિંડીના નાણાંને ઓનલાઇન ટ્રાન્સફર કરવા માટે તૈયાર કરવામાં આવેલી ખાસ સિસ્ટમ અંગેની માહિતી મળી હતી. આ અંગે માહિતી આપતા ક્રાઇમબ્રાંચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે આ છેતરપિંડીના કેસમાં ઉપયોગમાં લેવામાં આવેલા બેંક એકાઉન્ટને આધારે ભાવેશ સુથારની પુછપરછને આધારે પ્રવિણ પંચાલ અને નવી દિલ્હીથી હૈદર સિદ્દીકીની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય આરોપીની તપાસમાં સમગ્ર કૌભાંડમાં તાઇવાનની ગેંગની સંડોવણી સામે આવી હતી. તપાસ દરમિયાન વડોદરામાં સાયબર ક્રાઇમને નાણાં ટ્રાન્સફર કરવાની નવી મોડ્સ ઓપરેન્ડી જાણવા મળી હતી. જેમાં એક સાથે ૨૦ કે તેથી વધુ મોબાઇલને ખાસ કોમ્પ્યુટર સાથે જોડીને તેમાં બેંક એકાઉન્ટ સાથે સંકળાયેલા નંબરનું સીમ કાર્ડ નાખીને મોબાઇલને તાઇવાનમાં રહેલા કોમ્પ્યુટર સાથે રૂટ કરતા હતા. ત્યારબાદ તેમાં જનરેટ થતા ઓટીપીને આધારે નાણાં ક્રિપ્ટો કરન્સી દ્વારા અલગ અલગ દેશોમાંથી તાઇવાનમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા.

બીજી તરફ ટેકનીકલ એનાલીસીસ કરતા જાણવા મળ્યું હતું કે વડોદરા ઉપરાંત, બેંગાલુરૂ, દિલ્હી અને મુંબઇમાં પણ ખાસ સોફ્ટવેરથી ૧૨૦ જેટલા મોબાઇલને રૂટ કરીને નાણાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. જેના આધારે પોલીસની અલગ અલગ ટીમે દરોડો પાડીને કાર્યવાહી કરી હતી. આ દરમિયાન તેમણે મુ ચી સંગ માર્ક, ચાંગ હાવ યુન, વાંગ યુન વેઇ અને સેન વેઇ હાવ નામના તાઇવાનના નાગરિકોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સમગ્ર કૌભાંડના મુળ સુધી પહોંચવા માટે એસીપી હાર્દિક માકડીયા, પીઆઇ પી એચ મકવાણા સહિતના અધિકારીઓની ટીમ દ્વારા સતત એક સપ્તાહ સુધી ટેકનીકલ એનાલીસીસ , હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરીને સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતુ.

તાઇવાનની ગેંગ  પ્રતિદિન ૫ કરોડની છેતરપિંડી આચરે છે

ઓનલાઇન ગેંમિંગ, પાર્સલમાં ડ્રગ્સ સહિતની મોડ્સ ઓપરેેન્ડીથી લોકો પાસેથી નાણાં પડાવતી તાઇવાન ગેંગનો માસ્ટર માઇન્ડ મુ સી સંગ માર્ક હોવાનુ જાણવા મળ્યું હતું. તેણે ભારતમાં ઓનલાઇન છેતરપિંડીનું નેટવર્ક સેટ કરવા માટે ત્રણથી ચાર વર્ષ સુધી સતત રિસર્ચ કર્યું હતું. તે ભારતમાં ટેકનીકલ સ્ટાફની નિમણૂંક કરીને વડોદરા, મુંબઇ અને દિલ્હીમાં ચાલતા રેકેટને સક્રિય કરવા માટે આવ્યો હતો. હાલ આરોપીઓ વિરૂદ્ધ સમગ્ર દેશમાં ૪૫૦થી વધુ ફરિયાદો નોંધાઇ છે અને આ ેેગેંગ દ્વારા પ્રતિદિન ૫ કરોડ જેટલી માતબર રકમ છેતરપિંડી કરી પડાવી લેવામાં આવતી હતી.



Google NewsGoogle News