Get The App

ગોકુલધામ એપાર્ટમેન્ટના સિક્યોરીટી ગાર્ડની હત્યા કરનાર યુવકને ઝડપી લેવાયો

વેજલપુરમાં સિક્યોરીટી ગાર્ડના અકસ્માત મોતનો મામલો

સિક્યોરીટી ગાર્ડે શંકા જતા એપાર્ટમેન્ટનો ગેટ બંધ કરીને રોકવા જતા ટક્કર મારીને આરોપી નાસી ગયો હતો

Updated: Nov 17th, 2024


Google NewsGoogle News
ગોકુલધામ એપાર્ટમેન્ટના સિક્યોરીટી ગાર્ડની હત્યા કરનાર યુવકને ઝડપી લેવાયો 1 - image

અમદાવાદ,રવિવાર

શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલી ગોકુલધામ એપાર્ટમેન્ટમાં એક સપ્તાહ પહેલા સિક્યોરીટી ગાર્ડને એક ટક્કર મારીને એક કારચાલક ફરાર થઇ ગયો હતો. આ બનાવમાં સિક્યોરીટી ગાર્ડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્ટાફે આ ગુનાનો ભેદ ઉકેલીને સિક્યોરીટી ગાર્ડનું મોત નીપજાવાનાર યુવકને ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કારના સાયલેન્સર ચોરીના કેસમાં પોલીસ તેનો પીછો કરતી હોવાથી તે કાર લઇને એપાર્ટમેન્ટમાં નાસી ગયો હતો. જો કે  ગાર્ડને શંકા જતા એપાર્ટમેન્ટનો દરવાજો બંધ કરતા તેણે કારની ટક્કર મારી અકસ્માત કર્યો હતો.  આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે વેજલપુર પોલીસ ચોકી પાસે આવેલા ગોકુલધામ એપાર્ટમેન્ટમાં રહેતા હસમુખભાઇ શાહ (ઉ.વ.૬૭) તેમના એપાર્ટમેન્ટમાં જ સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ગત ૯ નવેમ્બરના રોજ બપોરના સમયે તે નોકરી પર હાજર હતા ત્યારે એક કાર ચાલક પુરઝડપે આવ્યો હતો અને એપાર્ટમેન્ટના પાર્કિગમાંથી રાઉન્ડ લગાવીને જોખમી રીતે કાર ચલાવીને જતો હતો. જેથી  હસમુખભાઇ શંકા જતા તેમણે એપાર્ટમેન્ટનો દરવાજો બંધ કર્યો હતો. પરંતુ, કાર ચાલકે કારને ઉભી રાખવાને બદલે હસમુખભાઇ ટક્કર મારી હતી અને ત્યાંથી નાસી ગયો હતો.  બીજી તરફ સારવાર દરમિયાન હસમુખભાઇનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ અંગે એમ ડીવીઝન પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ બનાવ અંગે ક્રાઇમબ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર જે કે મકવાણાને બાતમી મળી હતી કે  આરોપી વેજલપુર પોલીસ ચોકી થઇને ફરાર થયો છે. જેથી સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરીને કારનો નંબર મેળવીને   દિવ્યેશ પટેલ (ઉ.વ.૨૮) (રહે.સ્વામીનારાયણ પાર્ક , વિભાગ-૨, વાસણા)ને ઝડપી લીધો હતો. તેની પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે  સાયલેન્સર ચોરીના કેસમાં પોલીસ તેનો પીછો કરતી હોવાથી બચવા માટે તે કાર લઇને ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ગયો હતો. પરંતુ, સિક્યોરીટી ગાર્ડે દરવાજો બંધ કરતા તેણે અકસ્માત કર્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News