વેજલપુરમાં ૧૪ વર્ષ પહેલા થયેલી પુવકની હત્યા કેસના આરોપીની ધરપકડ
ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી મર્ડર મિસ્ટ્રી
સમલૈગિક સબંધ ધરાવતા યુવકો વચ્ચે તકરાર થતા માથામાં ઇંટ મારીને હત્યા કરાઇ હતીઃ આરોપીએ બોગસ દસ્તાવેજ તૈયાર કરી ઓળખ બદલી હતી
અમદાવાદ,શનિવાર
વેજલપુરમાં આવેલા શ્રીરામનગરી એપાર્ટમેન્ટમાં ૧૪ વર્ષ પહેલા એક યુવકની હત્યા કરીને તેના મૃતદેહને રસોડાના પ્લેટફોર્મ નીચે ચણી દેવાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે તેની સાથે કામ કરતા એક યુવકે સમલૈગિંક સબંધના મામલે થયેલી તકરારમાં તેના માથામાં ઇંટના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે આરોપીને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી હતી. પરંતુ, કોઇ સફળતા ન મળતા તપાસ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ, અમદાવાદ ક્રાઇમબ્રાંચે આ કેસની તપાસ હાથમાં લઇને હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસથી બચવા માટે આરોપીએ નામ બદલીને બનાવટી આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજ તૈયાર કર્યા હતા. આ અંગે વેજલપુર પોલીસે તપાસ શરૂ કરી છે. વેજલપુરમાં આવેલા શ્રીરામનગરી એપાર્ટમેન્ટમાં ૨૯ જુલાઇ ૨૦૧૦ના રોજ મનીષ ગુપ્તા નામના યુવકનો મૃતદેહ રસોડાના પ્લેટફોર્મ નીચે છુપાવેલી હાલતમાં મળી આવ્યો હતો. જેમાં તેના ગુપ્તાંગ પર ગંભીર ઇજા જોવા મળી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મનીષ ગુપ્તા સેટેલાઇટમાં આવેલી પંજરી રેસ્ટોરન્ટમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો અને હોટલના માલિકે તેમના સ્ટાફ માટે વેજલપુરમાં આવેલા શ્રીરામનગરી એપાર્ટમેન્ટમાં ફ્લેટ રાખ્યો હતો. મનીષ ગુપ્તા સાથે હોટલના કેશીયર રમેશ દેસાઇ અને હરીસિંહ પણ રહેતા હતા. મનીષના હત્યા બાદ રમેશ દેસાઇ નામનો વ્યક્તિ ફરાર થઇ ગયો હતો. જેને ઝડપી લેવા માટે વેજલપુર પોલીસે તપાસ શરૂ કરી હતી. પરંતુ, આરોપીની કોઇ ભાળ મળી નહોતી. ત્યારબાદ તપાસ આગળ વધી નહોતી.
બીજી તરફ અમદાવાદ ક્રાઇમબ્રાંચના પીઆઇ મહેન્દ્ર સાલુકે અને તેમની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને બાતમી મળી હતી કે રમેશ દેસાઇ બનાવટી નામ ધારણ કરીને મુંબઇની એક હોટલમાં સિનિયર કેપ્ટન તરીકે નોકરી કરે છે. જે અમદાવાદ થઇને રાજસ્થાન જવાનો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને શંકાને આધારે એક યુવકને રોક્યો હતો. પુછપરછમાં તેણે પોતાનું નામ રાજ નારણ ગુર્જર (રહે.ગુર્જર મોહલ્લા, ભીલવારા, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. જો કે તે રાજસ્થાની ભાષા કરતા ગુજરાતી ભાષા વધુ સારી રીતે બોલતો હતો અને તેનો ચહેરો રમેશ દેસાઇ સાથે ભળતો હોવાથી અટકાયત કરીને પુછપરછ કરતા તેણે કબુલ્યું હતું કે પોતે રમેશ દેસાઇ છે અને પોલીસથી બચવા માટે ખોટા દસ્તાવેજોના આધારે રાજ નારણ નામ ધારણ કર્યું હતું. તેણે જ મનીષ ગુપ્તાની હત્યા કરી હતી.
આ અંગે ક્રાઇમબ્રાંચના ડીસીપી અજીત રાયજને જણાવ્યું કે રમેશ દેસાઇ મનીષની હત્યા કર્યા બાદ સ્કુટર સુરેન્દ્રનગરના દુધરેજ ગયો હતો. જ્યાં મોબાઇલ ફોન વેચીને સ્કૂટરને બિનવારસી હાલતમાં મુકીને મહેસાણાના માંડલા ખાતે ગયો હતો. પરંતુ, ત્યાં તપાસ માટે પોલીસ આવી હોવાથી રાજસ્થાનના ભીલવાડામાં જતો રહ્યો હતો. જ્યાં આઠ વર્ષ સુધી રહીનેે નાની હોટલમાં નોકરી કરતો હતો. ત્યાં જ તેણે બનાવટી આધાર કાર્ડ બનાવીને ખોટું નામ ધારણ કરીને ખારધર મુંબઇમાં આવેલી એક હોટલમાં સિનિયર કેપ્ટન તરીકે નોકરી કરતો હતો. વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મનીષ ગુપ્તા અને રમેશ દેસાઇ વચ્ચે સમલૈગિંક સબંધો હતો. ૨૬મી જુલાઇના રોજ બપોરના સમયે મનીષ ગુપ્તા અને રમેશ દેસાઇ ફ્લેટ પર આવ્યા હતા. જ્યાં શારિરીક સંબધ બાંધતા સમયે મનીષે રમેશ દેસાઇને ગુપ્તાંગ અને છાતી પર બચકા ભર્યા હતા. જેથી રમેશે ગુસ્સામાં મનીષ માથામાં ઇંટના ઘા મારીને મોતને ઘાટ ઉતારીને તેના ગુપ્તાંગને કાપી નાખ્યું હતું. આ બનાવ બાદ તેણે ડરીને મૃતદેહને પ્લેટફોર્મ નીચે ચણી દીધો હતો. આમ, તેણે હત્યાની કબુલાત કરી હતી. હાલ આરોપીને વેજલપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.