ટ્રક ભરીને 200 કિલો ગાંજો ગુજરાતમાં ઘૂસાડાયો: અમદાવાદના ગોડાઉનમાં ત્રાટકી ક્રાઇમ બ્રાન્ચ, સાતની ધરપકડ
Ahmedabad Crime Branch seized 200 KG Drugs: ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાય કરનાર માફિયાઓને જાણે કોઈનો ડર જ ન હોય તેવી રીતે અમદાવાદમાં પ્રવેશ કરી રહ્યાં છે. પહેલાં દરિયા કિનારેથી છુપાઈને ડ્રગ્સની ડિલવરી કરાવવાનો પ્રયત્ન કરવાની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. પરંતુ, આ વખતે તો ડ્રગ્સ માફિયાઓએ દરિયા માર્ગે સંતાવાની બદલે ખુલ્લેઆમ ટ્રકમાં જ ડ્રગ્સની ડિલિવરી કરાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદથી આશરે 1600 કિમી દૂર ઓડિશાથી ટ્રક મારફતે ગાંજો ઘુસેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, વટવા GIDC માં આ ગાંજો-ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સાત આરોપીઓને દબોચી લીધાં છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અધિકારીઓએ બાતમીને આધારે વટવા GIDC ફેઝ-4 માં આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડીને 42 લાખ રૂપિયાની કિંમતના 200 કિલો ગાંજા સાથે બે મુખ્ય આરોપીઓ સહિત સાત લોકોની ધરપકડ કરી છે. ઓડિશાના ગંજામ જિલ્લામાંથી ગાંજાનો જથ્થો લાવીને અમદાવાદથી ગુજરાતના વિવિધ શહેરોમાં સપ્લાય કરવાનો હતો. ઓડિશાથી 1100 કિલો ગાંજો લાવવામાં આવ્યો હતો. જે અલગ અલગ રાજ્યમાં સપ્લાય કર્યા બાદ 200 કિલો ગાંજો ગુજરાત લવાયો હોવાની વિગતો પણ બહાર આવી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને બાતમી મળી હતી કે, ઓડિશાના ગંજામ જિલ્લામાંથી એક ટ્રકમાં ગાંજાનો કરોડો રૂપિયાની કિંમતનો 1100 કિલો ગાંજો અમદાવાદમાં વટવા જીઆઇડીસી ફેઝ-4માં આવેલા ક્રિશ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉનમાં લાવીને ટ્રક ખાલી કરવામાં આવી રહ્યો છે. જેના આધારે શુક્રવારે સવારે પોલીસ અધિકારીઓની આગેવાનીમાં પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને દરોડો પાડ્યો હતો. જેમાં ટ્રકમાંથી ખાલી કરવામાં આવી રહેલા 200 કિલો ગાંજા સાથે સાત લોકોને ઝડપી લેવામાં આવ્યા હતાં. પ્રાથમિક પુછપરછમાં ઝડપાયેલા આરોપીઓના નામ મણીગદન મુદ્દલીયાર, કુમાર અરૂણ પાંડે, સંજય શાહુ, સુશાંત ગૌડા, અજય તુફાન સ્વાઇન, લાબા ગૌડા અને સંદીપ શાહુ હોવાનું જાણવા મળ્યું હતું. જેમાંથી પાંચ આરોપી ઓડીશા અને બે આરોપી અમદાવાદના રહેવાસી જાણવા મળ્યું હતું.
આ પણ વાંચોઃ ઇન્ડિયા બુલ્સ કંપનીમાં રોકાણ કરવાના બહાને 20 લોકો સાથે રૂ.1.46 કરોડની ઠગાઈ
આ અંગે વધુ માહિતી આપતા ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું કે, ગાંજાની ખરીદી સંજય શાહુ અને સુશાંત ગૌડાએ ગંજામથી કરી હતી અને ટ્રકમાં તમામ જથ્થો લોડ કરાવ્યો હતો. ત્યારબાદ બંને અમદાવાદ આવ્યા હતા. ગાંજાના મોટા જથ્થાને અમદાવાદમાં રાખવા માટે ગોડાઉનની વ્યવસ્થા કરવાની જવાબદારી મણિગડન મુદ્દલિયાર અને કુમાર અરૂણે લીધી હતી. તેમણે વટવા જીઆઇડીસીમાં ગોડાઉન ભાડે કરી આપ્યું હતું. જ્યારે અજય અને લાબા ઓડિશાથી ટ્રક લઇને ગુજરાત આવ્યા હતા. આરોપીઓએ ઓડિશાથી 1100 કિલો ગાંજો લોડ કરાવ્યાની અન્ય રાજ્યમાં પણ ડીલિવરી આપી હોવાની શક્યતાને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. સંજય શાહુ અને સુશાંત ગાંજાનો તમામ જથ્થો અમદાવાદ ઉપરાંત અન્ય શહેરોમાં સપ્લાય કરવાના હતા અને તેમનો સંપર્ક ગુજરાતના મોટા ડ્રગ્સ સપ્લાયર્સ સાથે હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓએ આ અગાઉ પણ ગાંજાનો મોટો જથ્થો ગુજરાતમાં સપ્લાય કર્યો હોવાની સાથે અન્ય રાજ્યોમાં પણ નેટવર્ક ફેલાવ્યું હોવાની શક્યતા છે. જેથી પોલીસે ઓડિશાથી નીકળેલી ટ્રકના રુટ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.