સોશિયલ મિડીયામાં હથિયારો સાથેની પોસ્ટ કરનાર ૧૧ લોકો સામે કાર્યવાહી
ક્રાઇમબ્રાંચેને વોટસએપ નંબર પર માહિતી મળી
હથિયારોની રીલ અંગે પોલીસને કુલ ૨૨ જેટલી માહિતી મળી હતીઃ આરોપીઓ પાસેથી હથિયાર જપ્ત કરાયા
અમદાવાદ,સોમવાર
સોશિયલ મિડીયા પર હથિયાર સાથે વિડીયો અને ફોટો પોસ્ટ કરીને ભયનો માહોલ સર્જવાની સાથે રોફ જમાવતા તત્વોને ઝડપી લેવા માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા એક વોટ્સએપ નંબર જાહેર કરાયો હતો. જે અનુંસધાનમાં પોલીસને ૨૨ જેટલા લોકોએ હથિયારો સાથેની વિવિધ પોસ્ટ અંગે માહિતી આપી હતી. જે અનુસંધાનમાં પોલીસે ૧૧ લોકો વિરૂદ્ધ ગુના નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે.
સોશિયલ મિડીયાના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક સહિતના વિવિધ પ્લેટફોર્મ પર કેટલાંક લોકો દ્વારા છરી, તલવાર, હોકી અને પિસ્તોલ જેવા હથિયારો દર્શાવીને વિડીયોની રીલ્સ મુકવામાં આવતી હતી. જે અનુસંધાનમાં પોલીસે આવા માથાભારે તત્વો સુધી પહોંચવા અને ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તે હેતુથી એક વોટ્સએપ નંબર જાહેર કરાયો હતો. જેમા એક જ દિવસમાં ૨૨ જેટલા લોકોએ પોલીસને અલગ અલગ માહિતી આપી હતી. જેના આધારે એક જ દિવસમાં ૧૧ લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણે જણાવ્યું કે ક્રાઇમબ્રાંચને અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોના વિડીયો પણ મળ્યા છે. જે અનુસંધાનમાં જે તે જિલ્લાની પોલીસ સાથે સંકલન કરીને કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, પોલીસને માહિતી આપનારના નામ, સરનામા અને અન્ય વિગતો ગુપ્ત રાખવામાં આવશે.