અમદાવાદમાં વિદેશી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ, બે વોન્ટેડ, આરોપી ઘરમાં ભૂગર્ભ તિજોરી બનાવી દારૂનો સંગ્રહ કરતો
Ahmedabad News : ગુજરાતમાં દારૂબંધી જાણે નામની જ હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ કૃષ્ણનગર વિસ્તારમાં દરોડા પાડીને ગેરકાયદેસર દારૂના વેપારમાં સંડોવાયેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે અને મોટી માત્રામાં દારૂ જપ્ત કર્યો. સમગ્ર ઘટનામાં પોલીસે વિદેશી દારૂની 87 બોટલ, 20 બિયર કેન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને દારૂબંધી કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી. જ્યારે વોન્ટેડ બે આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ આદરી છે.
ઘરમાં ભૂગર્ભ તિજોરી બનાવી આરોપી દારૂનો સંગ્રહ કરતો
રાજ્યમાં અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આરોપીએ દારૂનો સંગ્રહ કરવા માટે તેના ઘરની અંદર ભૂગર્ભ તિજોરી બનાવી હતી અને ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની ક્રાઈમ બ્રાન્ચની ટીમની બાતમી મળી હતી. આ પછી ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે સૈજપુર બોઘા ટાવર નજીક શક્તિ ચોક, ફડેલી ખાતે દરોડા પાડીને શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી હતી. જેમાં પોલીસે કૃષ્ણનગરના રહેવાસી સુધીર મુકેશભાઈ ગઢવી (ઉં.વ.36)ને ઝડપી પાડ્યો હતો. જ્યારે 36,479 કિંમતનો વિવિધ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂની 87 બોટલ, 20 બિયર કેન સહિતનો કુલ 49,479 કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો.
આ પણ વાંચો: કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરબદલ: ગુજરાતનાં બે દિગ્ગજ નેતાઓની બાદબાકી
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપીએ શંકા ટાળવા માટે ઘરના મંદિરની જગ્યાએ આ તિજોરી વ્યૂહાત્મક રીતે બનાવી હતી. સમગ્ર ઘટનામાં એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે ગોપાલ સિંહ અને રાજેન્દ્ર સિંહ ઉર્ફે રાજુ ભગીરથ સિંહ રાજપૂત નામના બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.