અમદાવાદ ક્રાઈમબ્રાંચે બીકા ગેંગના ત્રણ સાગરિતો હથિયારો સાથે ઝડપાયા
- નરોડા કૂબેરનગર અંડરપાસની ઘટના
અમદાવાદ,તા.14 માર્ચ 2023,મંગળવાર
ક્રાઈમબ્રાંચે નરોડા કૂબેરનગર અંડરપાસ પાસેથી કુખ્યાત બીકા ગેંગના બે સાગરિતોને બે પિસ્ટલ અને કારતૂસોના જથ્થા સાથે ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી હથિયાર અને કારતૂસ મળી રૂ.50,600નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પકડાયેલા ત્રણે આરોપીમાંથી એક થોડા સમય પહેલા જેલમાંથી પેરોલ પર છૂટયા બાદ ફરાર થઈ ગયો હતો.
ક્રાઈમબ્રાંચે બે પિસ્ટલ અને છ કારતૂસ મળી રૂ.50,600નો મુદ્દામાલ જપ્ત કર્યો
ક્રાઈમબ્રાંચે દિપક ગજેન્દ્રસિંહ જાટ (ઉં,32), રાજાખાન છોટેખાન ખાન (ઉં,19) અને અલીહસન ખાલીક કુરેશી (ઉં,23)ની ધરપકડ કરી હતી. પકડાયેલા ત્રણ આરોપીઓ રાજસ્થાન અને મધ્યપ્રદેશના રહેવાસી હોવાની વિગતો મળી છે. આરોપીઓ પાસેથી બે પિસ્ટલ, 7.65 એમએમના છ કારતૂસ મળી આવ્યા હતા. પકડાયેલો આરોપી દિપક જાટ કાલુપુર પોલીસ સ્ટેશનના આંગડીયા લૂંટ વીથ મર્ડરના ગુનામાં પકડાયો હતો. ગત તા.31-10-2023ના રોજ જેલમાંથી 10 દીવસની પેરોલ પર મુક્ત થયા બાદ હાજર થયો ન હતો. પોલીસે આરોપીઓએ જપ્ત થયેલા હથિયારોમાંથી કોઈ ગુના આચર્યા છે કે કેમ તે મામલે તપાસ હાથ ધરી છે.