અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે રહેતા 50 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા, 15ને ઘરભેગા કર્યા
Ahmedabad News : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં ગેરકાયદે રીતે રહેતા ઇમિગ્રન્ટ્સ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સામે એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં અમદાવાદના ઇસનપુર, વસ્ત્રાલ અને ચંડોલા તળાવ વિસ્તારોમાં દસ્તાવેજો વિના રહેતા 50 જેટલાં બાંગ્લાદેશી નાગરિકોની ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાંથી 15 ઇમિગ્રન્ટ્સ અને એક સગીર બાળકને સફળતાપૂર્વક દેશ નિકાલ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ શહેરમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ઝડપાયા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જાણવા મળ્યું હતું કે, શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મૂળ બાંગ્લાદેશી લોકો ગેરકાયદે રીતે રહી રહ્યા છે. ત્યારબાદ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, અમદાવાદમાં રહેતા મૂળ બાંગ્લાદેશીઓ માંથી મોટાભાગના વ્યક્તિઓ રોજીરોટી માટે ભંગારનો સામાન એકઠો કરતા અને વેચતા હતા, જેમાંથી કેટલાક લોકો ચંડોળા તળાવ નજીક કામચલાઉ વસાહતોમાં રહેતા હતા. જ્યારે પોલીસે મહિલાઓ અને બાળકો સહિત ઘણા પરિવારોની અટકાયત કરી.
આ પણ વાંચો: IPS પિયુષ પટેલને ACBનો હવાલો : ઘણાં સમયથી ખાલી ACB ના ડિરેક્ટરની પોસ્ટ પર નિમણૂક
ક્રાઈમ બ્રાન્ચે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરીને શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા મોહમ્મદ લિયાકત અલી ખાન, મોહમ્મદ ટિક્કા, શર્મીન ઉર્ફે સાનિયા ઉર્ફે રિયા, લૈલી અને રેશ્મા, દિન ઇસ્લામ, રિઝવાન ઉર્ફે રિદવાન ઉર્ફે રિદોય, મિન્ટુ, મિઝાનુ અને ઇમરાન ઉર્ફે ઇબ્રાહિમ સહિત 50 જેટલાં મૂળ બાંગ્લાદેશ વાસીઓની અટકાયત કરી હતી. તેમાંથી 15 ઇમિગ્રન્ટ્સ અને એક સગીર બાળકને સફળતાપૂર્વક દેશનિકાલ કરવામાં આવ્યો હતો. બાકીના વ્યક્તિઓના દેશનિકાલ માટે કાનૂની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે.