Get The App

દેવું ચૂકવવા 76 ગાડીઓ ભાડે લઈ ગીરવે મૂકી ભાજપ નેતાના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીએ, પોલીસે 35 જપ્ત કરી

લોકસભાની ચૂંટણી માટે ગાડીઓ ભાડે લઇ છેતરપિંડી કરવાનો મામલો

આરોપીએ ૭૬ ગાડીઓ ભાડે લીધી હોવાનો ખુલાસોઃ પોલીસે ૩૫ ગાડીઓ જપ્ત કરીઃ ગાડીઓનો ઉપયોગ ગુનામાં થયાની શકયતાને આધારે તપાસ શરૂ

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
દેવું ચૂકવવા 76 ગાડીઓ ભાડે લઈ ગીરવે મૂકી ભાજપ નેતાના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીએ, પોલીસે 35 જપ્ત કરી 1 - image


Ahmedabadad News | લોકસભાની ચૂંટણી દરમિયાન કમલમમાં ગાડીઓની જરૂર હોવાનું કહીને અનેક લોકો પાસેથી ગાડીઓ ભાડે લઇને ભાજપના બક્ષીપંચના નેતાના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીએ મોટાપ્રમાણમાં છેતરપિંડી આચરી હતી. જે અંગે ગુનો નોંધવામાં આવતા  ક્રાઇમબ્રાંચે તેની ધરપકડ કરીને પુછપરછ કરી હતી. જેમાં તેણે અત્યાર સુધી ૭૬ જેટલી ગાડીઓ ભાડે લઇને અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં ગીરવે મુકી હતી. જે પૈકી  પોલીસે ૩૫ કાર જપ્ત કરી હતી. 

દેવું ચૂકવવા 76 ગાડીઓ ભાડે લઈ ગીરવે મૂકી ભાજપ નેતાના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીએ, પોલીસે 35 જપ્ત કરી 2 - image

પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેને હોર્ડીંગના બિઝનેસમાં થયેલું દેવું ચુકવવા માટે ભાજપના નામે ગાડીઓ ભાડે અપાવવાનું કૌભાંડ આચર્યું હતું.લોકસભાની ચૂંટણીમાં ભાજપને કમલમમાં તેમજ અન્ય જિલ્લાઓમાં  કામ માટે ભાડાની ગાડીઓનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું કહીને ભાજપના બક્ષીપંચના નેતા કનુભાઇ મિસ્ત્રીના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીએ અનેક લોકો પાસેથી ગાડીઓ ભાડે લઇને બારોબાર ગીરવે મુકવાના કેસમાં ક્રાઇમબ્રાંચે આરોપીની પુછપરછ કરી હતી.  જેમાં તેણે અત્યાર સુધીમાં તેણે અમદાવાદમાંથી ૭૬ ગાડીઓ ભાડે મેળવીને અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં બારોબાર ગીરવે મુકી હોવાની વિગતો જાણવા મળી હતી.

જે અનુસંધાનમાં પોલીસે ૩૫ ગાડીઓ જપ્ત કરી હતી. જ્યારે અન્ય ગાડીઓ જમા લેવા માટે પોલીસે વિવિધ ટીમને કામગીરી સોંપી છે. આ અંગે એસીપી ભરત પટેલે જણાવ્યું કે પ્રિન્સ મિસ્ત્રીની પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તે હોર્ડિંગનો વ્યવસાય કરતો હતો.પરંતુ, તેને ૧૦ લાખ રૂપિયાનું નુકશાન થયું હતું. જે સરભર કરવા માટે તેણે ભાજપના નામે છેતરપિંડી કરીને શરૂઆતમાં પાંચ ગાડીઓ ભાડે લીધી હતી. જેમાં તેણે પ્રતિમાસ ૨૫ હજારથી ૩૬ હજાર સુધીનું ભાડુ આપવાનું નક્કી કરીને ગીરવે મુકી હતી.  જે ભાડુ ચુકવવા માટે તેણે ફરીથી અન્ય પાંચ ગાડીઓ ભાજપના નામે જ ભાડે લીધી હતી. ત્યારબાદ તે દશ ગાડીઓના માલિકોને ભાડુ ચુકવવા માટે અન્ય ગાડીઓ પણ ભાડે લઇને  શહેરમાંથી કુલ ૭૬ ગાડીઓ ભાડે લઇને ગીરવે મુકી હતી. જપ્ત કરવામાં આવેલી ગાડીઓનો ગેરકાયદેસર ઉપયોગ થતો હોવોનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ કેસમાં ઇમરાન અને વિજય ડોડિયાનું નામ સામે  આવ્યું હતું. જે અનુસંધાનમાં પોલીસે તપાસ શરૂ કરી છે.  ત્યારે આરોપીની પુછપરછમાં અન્ય ગુનાઓમાં સંડાવણી કે અન્ય બાબતને લઇને તપાસ કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News