ખ્યાતિ હોસ્પિટલના CEO રાહુલ જૈન અને માર્કેટીંગ મેનેજર મિલિન્દ પટેલની સંડોવણી બહાર આવી
ખ્યાતિ હોસ્પિટલ કેસની તપાસમાં ચોકાવનારો ખુલાસો
૧૩ ગામોમાં મેડીકલ ચેકઅપ કેમ્પ કરીને અનેક દર્દીઓની ગેરકાયદેસર એન્જિયોગ્રાફી કરાયાના પુરાવા મળ્યા
અમદાવાદ,બુધવાર
ખ્યાતિ હોસ્પિટલ કેસની તપાસમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચને અનેક મહત્વના પુરાવાની સાથે સમગ્ર કૌભાંડમાં હોસ્પિટલના સીઇઓ રાહુલ જૈન અને માર્કેટીંગ મેનેજર મિલિન્દ પટેલનની સંડોવણી હોવાની વિગતો મળી છે. આ ઉપરાંત,ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ૧૩ જેટલા ગામોમાં મેડીકલ એકઅપ કેમ્પ યોજીને પીએમજેએવાય હેઠળ ગેરકાયદેસર રીતે એન્જિયોગ્રાફી કરવામાં આવી હોવાની માહિતી પણ મળી છે.
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો દ્વારા પીએમજેએવાય હેઠળ ગેરકાયદેસર રીતે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરીને સરકાર સાથે છેતરપિડી કરવાની સાથે બેદરકારી દાખવીને બે વ્યક્તિઓના મોત નીપજાવવાની તપાસ કરી રહેલી ક્રાઇમબ્રાંચની ટીમને હાર્ડ ડીસ્ક અને અન્ય ફાઇલોની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા બોરીસણા ઉપરાંત, અન્ય ૧૩ જેટલા ગામોમાં મેડીકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યા હતા. જેમાં અનેક દર્દીઓને હોસ્પિટલમાં લાવીને તેમને પીએમજેએવાય હેઠળ એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી.
આ ઉપરાંત, હોસ્પિટલના સીઇઓ રાહુલ જૈન અને માર્કેટીંગ મેનેજર મિલિન્દ પટેલની સંડોવણી હોવાનુ ંખુલ્યુ છે. જેના આધારે આ ગુનામાં આરોપીઓ તરીકે તેમના નામ ઉમેરવામાં આવશે. રાહુલ જૈન કાર્તિક પટેલની સુચના મુજબ તમામ તૈયારીઓ કરતો હતો અને બહાર લાવવામા ંઆવતા દર્દીઓની સર્જરી કે અન્ય સારવારના દિવસો અને આઉટ સોર્સ તબીબની તૈયારીઓ કરતો હતો. જ્યારે મિલિન્દ પટેલ વિવિધ ગામોમાં સરપંચ કે તેના મળતિયાઓની મદદથી કેમ્પ આયોજન કરીને માર્કેટીંગ કરીને વધુને વધુ લોકો કેમ્પ આવે તે માટે કામ કરતો હતો. જેના બદલામાં મિલિન્દ અનેક લોકોને તગડુ કમિશન પણ આપતો હતો. આ અંગે ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ જણાવ્યું કે આ કૌભાંડમાં આરોગ્ય વિભાગની સંડોવણીની શક્યતાઓ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.