Get The App

સરકારી અધિકારી બનાવી દેવાનું કહી 10 કરોડ સેરવી લીધા, નોકરીની લાલચ માટે ગુજરાતમાં કદાચ પહેલી વખત આટલી મોટી છેતરપિંડી

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
સરકારી અધિકારી બનાવી દેવાનું કહી 10 કરોડ સેરવી લીધા, નોકરીની લાલચ માટે ગુજરાતમાં કદાચ પહેલી વખત આટલી મોટી છેતરપિંડી 1 - image


Ahmedabad Crime Branch : ગુજરાત જાહેર સેવા આયોગના પરીક્ષા વિના જ સીધી ડેપ્યુટી કલેક્ટરની નિમણૂંક અપાવવાની લાલચ આપીને પાંચ યુવકો સાથે અમદાવાદમાં રહેતા ચાર ગઠિયાઓએ રૂપિયા 3.45 કરોડ જેટલી રકમની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ક્રાઇમબ્રાંચ ખાતે નોંધવામાં આવી છે. નોકરીની લાલચમાં નક્કી કરેલી અડધી રકમ લીધા બાદ વિશ્વાસ અપાવવા માટે સરકારી નોકરીના બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર પણ આપ્યા હતા. આરોપીઓએ એક પોસ્ટ માટે બે થી સવા કરોડની રકમ નક્કી કરી હતી. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમબ્રાંચે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી. જેના આધારે આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર અને સ્ટેમ્પ જપ્ત કરાયા છે. આરોપીઓ સરકારી નોકરીની લાલચ આપીને અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત છે.

વિશ્વાસ અપાવવા GPSCના નામે બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર પણ આપ્યા

નિકોલમાં આવેલા ક્રિશ એક્ઝોટીકા એપાર્ટમેન્ટમાં રહેતા યોગેશભાઇ પટેલે ક્રાઇમબ્રાંચમાં નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે ચાર વર્ષ પહેલા એલએલબીના એડમીશન માટે તે જીતેન્દ્ર પ્રજાપતિ (રહે. ઘનશ્યામનગર સોસાયટી,નવા વાડજ)ને મિરઝાપુર કામા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આવેલી તેની ઓફિસમાં મળ્યા હતા. આ સમયે તેમની મુલાકાત જલદીપ ટેલર (રહે.શ્રીકૃષ્ણ સોસાયટી, ઇસનપુર) સાથે થઇ હતી. જીતેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, જલદીપનો વકીલ છે અને તે મોટા સરકારી અધિકારીઓ સાથે સીધા સંપર્કમાં રહી GPSC દ્વારા બહાર પાડવામાં આવતી સરકારી નોકરીમાં સીધી ભરતી કરાવી આપે છે. જલદીપે જણાવ્યું હતું કે, અમદાવાદમાં ડેપ્યુટી કલેક્ટરની એક જગ્યા ખાલી છે. જે જગ્યાએ યોગેશભાઇને નિમણૂંક અપાવશે. આ માટે સવા બે કરોડ રૂપિયા આપવા પડશે.

જેમાં પહેલા એડવાન્સમાં સવા કરોડ રૂપિયા, નોકરી લાગે તે પછી એક કરોડ રૂપિયા ત્યારબાદ 25 લાખ હપ્તે આપી શકાશે. જેથી જલદીપની વાતમાં આવીને યોગેશભાઇએ હા કહી હતી અને ફાઇલ તૈયાર કરવા માટે ડોક્યુમેન્ટ સાથે ક્લાઇન્ટ ફી પેટે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. જેના થોડા સમય બાદ જલદીપનો માણસ હિતેશ સૈની અને જલદીપે 16 લાખ રૂપિયા લઇને 10 દિવસમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે નિમણૂંક મળી જશે અને તેના પર ગુજરાત જાહેર સેવા આયોગના સચિવની સહી વાળો પત્ર આપ્યો હતો.

સરકારી અધિકારી બનાવી દેવાનું કહી 10 કરોડ સેરવી લીધા, નોકરીની લાલચ માટે ગુજરાતમાં કદાચ પહેલી વખત આટલી મોટી છેતરપિંડી 2 - image

આમ, યોગેશભાઇને નોકરી નક્કી થયાનું કહીને તેમના અન્ય પરિચિતોને પણ નોકરી જોઇતી હોય તો અપાવી દેવાની ખાતરી આપીને યોગેશભાઇ પાસેથી નોકરી શરૂ થાય તે પહેલા કુલ 1.19 કરોડ રૂપિયા લીધા હતા. આ પૈકી મોટાભાગના નાણાં જલદીપ પટેલના ડ્રાઇવર તરીકે નોકરી કરતા અંકિત પટેલ (રહે. પાયલ પાર્ક, કૃષ્ણનગર) દ્વારા કલેક્ટ કરવામાં આવતા હતા. જો કે નાણાં લીધાના સાત મહિના સુધી અલગ અલગ કારણ આપીને યોગેશભાઇને નોકરીમાં હાજર કરાવ્યા નહોતા.

સરકારી અધિકારી બનાવી દેવાનું કહી 10 કરોડ સેરવી લીધા, નોકરીની લાલચ માટે ગુજરાતમાં કદાચ પહેલી વખત આટલી મોટી છેતરપિંડી 3 - image

પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા

બીજી તરફ યોગેશભાઇ તેમના ભાગીદાર વિજયભાઇ ઠક્કરને વર્ગ-1ની નોકરીમાં વડોદરામાં ડેપ્યુટી કલેક્ટરની નિમણૂંક અપાવવાનું કહીને સવા બે કરોડની ડીલ કરી હતી. જેમાં વિજયભાઇએ 1.20 કરોડ રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત, અંકિત પટેલને GMDCમાં આસિસટન્ટ મેનેજરની પોસ્ટ અપાવવાનું કહીને બે કરોડની રકમ નક્કી કરી હતી. જેમાં તેમની પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા હતા. અતુલ પટેલને ગાંધીનગરમાં જોઇન્ટ ડાયરેક્ટરની પોસ્ટ અપાવવાની ખાતરી આપીને 1.20 કરોડની રકમ નક્કી કરીને અલગ અલગ સમયે 22 લાખ રૂપિયા લીધા હતા. એટલું જ તમામને બનાવટી નિમણૂંક પત્રો પણ આપ્યા હતા. ત્યારબાદ ગન લાયસન્સ જરૂરી હોવાનું કહીને ત્રણ લાખ રૂપિયા ફી પેટે લીધા હતા અને લાયસન્સ આવતા પોસ્ટિંગની ખાતરી આપી હતી.

બાદમાં લોકસભાની ચૂંટણીનું કારણ આપીને ખોટા વાયદા કર્યા હતા. આ દરમિયાન વિશ્વાસ કેળવવા માટે ગાંધીનગર જુના સચિવાલયમાં ગામેતી અને અંકિત પંડ્યા નામના બે વ્યક્તિ સાથે મુલાકાત કરાવીને નોકરીની ખાતરી આપી હતી. જો કે તેમણે ખોટા એપોઇન્ટમેન્ટ લેટર આપ્યાની જાણ થતા ક્રાઇમબ્રાંચમાં જલદીપ ટેલર, હિતેશ સૈની, જીતેન્દ્ર પ્રજાપતિ અને અંકિત પંડ્યા વિરૂદ્ધ ગુનો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને આખરે 4 આરોપીને ઝડપી લીધા છે.

સરકારી અધિકારી બનાવી દેવાનું કહી 10 કરોડ સેરવી લીધા, નોકરીની લાલચ માટે ગુજરાતમાં કદાચ પહેલી વખત આટલી મોટી છેતરપિંડી 4 - image

મોટાભાગનો નાણાંકીય વ્યવહાર ગાંધીનગરમાં થતો

ક્રાઇમબ્રાંચના એસીપી ભરત પટેલે જણાવ્યું કે, જલદીપ પટેલ સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ છે. જે જીતેન્દ્ર પ્રજાપતિ સાથે મળીને સમગ્ર કૌભાંડ ચલાવતો હતો. યોગેેશભાઇને નોકરી અપાવવાની કામગીરી ગાંધીનગર સચિવાલયમાં થતી હોવાનું કહીને જલદીપ તેમને જુના સચિવાલયમાં આવેલી ચાની કીટલી પર લાવતો હતો. જ્યાં તેને ઉભા રાખીને સચિવાલયમાં અધિકારીઓને મળવાનું નાટક કરતો હતો. ત્યારબાદ તે પરત આવીને તેના જ માણસોની મદદથી યોગેશભાઇ અને અન્ય ભોગ બનનારને ફોન કરીને નોકરી નક્કી કરી આપવાનું કહીને ગાંધીનગરમાં સેક્ટર-11ના ગ્રાઉન્ડમાં બોલાવીને નાણાં લઇ લેતો હતો.

સરકારી અધિકારી બનાવી દેવાનું કહી 10 કરોડ સેરવી લીધા, નોકરીની લાલચ માટે ગુજરાતમાં કદાચ પહેલી વખત આટલી મોટી છેતરપિંડી 5 - image

મોટા પ્રમાણમાં બોગસ એપોઇન્ટમેન્ટ લેટર-સ્ટેમ્પ મળ્યા

અમદાવાદ ક્રાઇમબ્રાંચના પીઆઇ જે.એચ. સિંધવે જલદીપ પટેલની વટવામાં આવેલી ઓફિસમાં તપાસ કરતા અનેક બોગસ એપોઇન્ટમેન્ટ લેટર અને સ્ટેમ્પ મળી આવ્યા હતા. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, GPSC સહિતના સરકારના અન્ય વિભાગના બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર અને સ્ટેમ્પ હતા. જે તમામ જલદીપ પટેલે તૈયાર કરાવ્યા હતા. યુવકો પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા બાદ તેને વિશ્વાસમાં લેવા માટે બોગસ એપોઇન્ટમેન્ટ લેટર આપતા હતા.

સરકારી અધિકારી બનાવી દેવાનું કહી 10 કરોડ સેરવી લીધા, નોકરીની લાલચ માટે ગુજરાતમાં કદાચ પહેલી વખત આટલી મોટી છેતરપિંડી 6 - image

કૌભાંડની રકમ 10 કરોડથી વધારે હોવાની શક્યતા

સમગ્ર કૌભાંડની પ્રાથમિક તપાસમાં પોલીસને મળી આવેલા બોગસ એપોઇન્ટમેન્ટ લેટર અને આરોપીઓની પુછપરછમાં જાણવા પોલીસને અનેક ચોંકાવનારી વિગતો મળી હતી. જેમાં આ કૌભાંડની રકમ 10 કરોડથી વધારે હોવાનું સામે આવ્યું છે. જે અંગે તપાસ શરૃ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

સરકારી અધિકારી બનાવી દેવાનું કહી 10 કરોડ સેરવી લીધા, નોકરીની લાલચ માટે ગુજરાતમાં કદાચ પહેલી વખત આટલી મોટી છેતરપિંડી 7 - image


Google NewsGoogle News